‘ઓખી’ વાવાઝોડું: ચાલુ શિયાળે વરસાદની મોસમ કેમ?

મને પર્યાવરણની ખૂબ જ ચિંતા હશે, ખરું ને? અને હોવી જ જોઈએ. આ જુઓને. ભરશિયાળે ભરચોમાસા જેવી સ્થિતિ છે. ઓખી વાવાઝોડું ત્રાટક્યું છે. સ્વેટર પહેર્યું હોય ત્યાં ઉપર રેઇનકૉટ પહેરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં મતોનું વાવાઝોડું પોતાની તરફ ત્રાટકે તે માટે પ્રયત્નશીલ પક્ષોને પણ ‘ઓખી’એ ચિંતામાં પાડી દીધા છે કારણકે તેમની પ્રચારસભાઓ અને કાર્યક્રમો ઠપ થઈ ગયાં છે.આમ તો ઓખી વિશે અખબારોમાં ઘણું છપાયું છે પરંતુ તેમ છતાં કેટલીક વિગતો પર નજર કરવા જેવી છે. ઓખી વાવાઝોડું એ સક્રિય ઉષ્ણકટિબંધનું વાવાઝોડું છે. તે ૨૦૧૫ના વાવાઝોડા પછી અરબ સાગરમાં પ્રવર્તમાન સૌથી તીવ્ર વાવાઝોડું છે. ૨૯ નવેમ્બરના રોજ શ્રીલંકા પાસે તે ઉત્પન્ન થયું. અરબ સાગરમાં પ્રવેશતાં જ ૧ ડિસેમ્બરથી તેમાં તેજી આવી હતી. અત્યાર સુધીમાં આ વાવાઝોડાએ ઓછામાં ઓછા ૨૬ લોકોનો ભોગ લીધો છે.

૨૦ નવેમ્બરે થાઇલેન્ડની ખાડી પર નીચા દબાણવાળું ક્ષેત્ર સર્જાયું હતું. તેનાથી કિરોગી નામનું તોફાન પેદા થયું. આગામી કેટલાક દિવસોમાં તે બંગાળની ખાડી તરફ ખસ્યું અને ધીમે ધીમે પશ્ચિમ દિશામાં આગળ વધ્યું. જોકે તોફાનને વધુ સાનુકૂળતા ન મળતાં તેની અસર ન વર્તાઈ, પરંતુ ૨૯ નવેમ્બરે શ્રીલંકાના અગ્નિ કિનારે તે ડિપ્રેશનમાં પરિણમ્યું. ભારતના હવામાન ખાતાએ તોફાનના બદલે તે ડીપ ડિપ્રેશન હોવાનું કહ્યું. અને પછી તે ઓખી વાવાઝોડું બની ગયું.

ચાલુ વર્ષ કુદરતી આપત્તિઓની રીતે ખૂબ જ ખરાબ રહ્યું. દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ અને સોમાલિયામાં દુષ્કાળ પડ્યો તો ભારતમાં- ખાસ કરીને બિહાર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં આ ચોમાસામાં અતિવૃષ્ટિ અને પૂર જોવાં મળ્યાં. અમેરિકામાં ઑગસ્ટમાં વાવાઝોડા હાર્વેના કારણે ભયંકર નુકસાન થયું. અમેરિકનો માનવતા ભૂલી લૂંટફાટ કરતાં પણ જોવા મળ્યાં. જોકે મુંબઈમાં લોકોએ પોતે જ્યાં રહેતા હોય તે વિસ્તારમાં પૂરમાં ફસાયેલા લોકોને પોતાના ઘરે આશરો લેવા ટ્વિટર પર આમંત્રણ આપી માનવતા દાખવી. ચીનમાં પણ જૂન માસમાં પૂરના લીધે અઢાર હજાર ઘરો નાશ પામ્યાં હતાં. પડોશી પાકિસ્તાનના કરાચીમાં પણ નદીઓ તોફાની બનતાં ઓછામાં ઓછા ૨૩ લોકોનાં મૃત્યુ થયાં હતાં. ગત માસમાં ગ્રીસમાં પણ મોટા પ્રમાણમાં પૂર જોવાં મળ્યાં જેમાં ૨૧ લોકોનાં મૃત્યુ થયાં હતાં. મારિયા નામના વાવાઝોડાએ પુએર્તો રિકોમાં ભયંકર વિનાશ સર્જ્યો હતો. ૨૦ નવેમ્બરના રોજની માહિતી પ્રમાણે, આ વાવાઝોડાના લીધે ઓછામાં ઓછા ૫૪૭ લોકોનાં મૃત્યુ થયાં છે જેમાંથી ૪૯૯ તો એકલા પુએર્તો રિકો, પાંચ ડોમિનિયન રિપબ્લિક અને ચાર અમેરિકામાં મૃત્યુ પામ્યાં હતાં.

આકાશમાંથી પડેલા વરસાદે વિનાશ વેર્યો તો સાથે સાથે આ વર્ષે ધરતી માતાએ પણ ભૂકંપમાં અનેક લોકોના ધબકારા બંધ કરી દીધા તો કેટલાકના ધબકારા વધારી દીધા. ઈરાનમાં ગત ૧૨ નવેમ્બરે અતિ વિનાશક ભૂકંપ આવ્યો જેમાં ૫૪૦ લોકોનાં મૃત્યુ થયાં. તે પહેલાં ૧૯ સપ્ટેમ્બરે મેક્સિકોમાં ધરતીકંપે ૩૭૦નો ભોગ લીધો. આ પહેલાં ૮ સપ્ટેમ્બરે મેક્સિકોમાં જ આવેલા ધરતીકંપમાં ૯૮ જણા કાળનો ભોગ બન્યા. વર્ષની શરૂઆતમાં ૧૮ જાન્યુઆરીએ ઈટાલીમાં આવેલા ભૂકંપમાં ૩૪ જણા મરણને શરણ થયા. તો ૮ ઑગસ્ટે ચીનમાં આવેલા ધરતીકંપમાં ૨૫ જણાનાં મૃત્યુ થયાં.

આમ, પર્યાવરણ સાથે ચેડાનાં પરિણામો હવે સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. છતાં દુઃખની વાત એ છે કે આટઆટલાં પરિણામો પછી પણ મોટા ભાગની માનવજાત તેમાંથી બોધ લેવા તૈયાર નથી. અમેરિકા જેવો દેશ તો ક્લાઇમેટ ચેન્જ પરના કરારમાંથી જ સાવ પાછળ હટીને નફ્ફટાઈ કરી રહ્યો છે. કહેવાતા વિકસિત દેશો પોતાના વિકાસ માટે પર્યાવરણને જે નુકસાન પહોંચાડી રહ્યાં છે તે અકલ્પનીય અને ચલાવી ન લેવાય તેવું છે. જોવાની વાત એ છે કે તેઓ પાછા ભારતને સલાહ આપી રહ્યાં છે.