ગાંધીનગર– ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય બંને મુખ્ય પક્ષોના નેતાઓ મોટી મોટી જાહેર સભાઓ કરે છે. પરંતુ આ સભાઓમાં એકના એક મુદ્દાઓ બોલવામાં આવે છે. જેના પરિણામે ઉપસ્થિત સૌ લોકો આ એકના એક ભાષણોથી કંટાળી ગયાં છે. કેટલીક જાહેર સભામાં તો જાણે બેસવા માટે આવ્યાં હોય તેમ ઉત્સાહ વગર બેઠેલાં લોકો જણાય છે. આ સભાઓમાં નેતાઓ પાસેથી પ્રજાને કંઈક નવું જાણવું છે. પરંતુ આ નેતાઓ નવી કોઈ વાનગી પીરસતાં નથી.વિધાનસભાની આ ચૂંટણીમાં આજના યુગમાં યુવા વર્ગ એક વાત ઉપર ચોક્કસ ભાર મૂકી રહ્યાં છે કે આપણે જે પ્રતિનિધિ ચૂંટીને વિધાનસભામાં મોકલવાનો છે તે કેટલો અભ્યાસુ છે. અને તેની પાસે કેટલું નૉલેજ છે. તે પ્રજાના પ્રશ્નો ને કેવી રીતે વિધાનસભાગૃહમાં રજૂ કરશે અને રજૂ કરેલા પ્રશ્નનો હલ કેવી રીતે લાવશે તે બાબત ચોક્કસ ધ્યાને લેવામાં આવી રહી છે. માટે જ પ્રજા નેતાઓ પાસે કંઈક નવું જાણવા માંગે છે. પણ એકના એક ભાષણો માથાના દુખાવા સમાન બન્યા છે.
આ નેતાઓ પાસે આજનો યુગ રોજગારી, શિક્ષણ, આરોગ્ય, નવી ટેક્નોલોજી અને આવનારા દિવસોમાં ગુજરાતને શું નવું આપી આગળ લઇ જાય છે. તે બાબતના વિચારો જાણવા છે, પરંતુ આ બાબત જાણવા મળતી નથી અને ભાજપ હોય તો વિકાસ, વિકાસ સિવાય કઈ કહેતું નથી, તો કોંગ્રેસ નોટબંધી – જી.એસ.ટી. ને મુખ્ય મુદ્દો બનાવી ભાષણો કરે છે.રાહુલ ગાંધી પણ એકની એક ટેપ વગાડે છે. જીએસટી અને નોટબંધી પર રડતા હોય તેમ વિરોધ કરે છે. ભાજપે તેમની ઠેકડી ઉડાડે છે. નોટબંધી થઈ ગઈ ને એક વર્ષ થઈ ગયું, હવે શાનો શોક. કોંગ્રેસનું જ બધુ લૂંટાઈ ગયું છે. એવા આક્ષેપના ભોગ કોંગ્રેસે બનવું પડયું છે.
કોંગ્રેસના તમામ નેતાઓ રાહુલ ગાંધી સાથે ચૂંટણી પ્રચારમાં ફરી રહ્યા છે, કેમ કોંગ્રેસના અગ્રણી નેતાઓ અલગ રીતે જઈને મતવિસ્તારમાં પ્રચાર ન કરી શકે. બધા જ નેતાઓ રાહુલ ગાંધી સાથે બ્લોક થઈ જાય છે. આમ કેમ કરી રહ્યા છે, તે સમજાતું નથી. સ્થાનિક મતદારોના પ્રશ્નોને કોંગ્રેસે સાંભળવા જોઈએ. હાર્દિક પટેલ પાટીદારોને અનામતના મુદ્દે ઉપસાવીને ભાજપ વિરુધ્ધ કરી રહ્યા છે.