મુંબઈ:ચિત્રલેખા પરિવારની નાનકડી તનાયા મનન કોટકે સ્ટેજ પર ચઢીને માઈક હાથમાં લીધું ત્યારે પ્રેક્ષકોએ સાનંદાશ્ર્ચર્યની તાળીઓથી એને વધાવી. એ કોઈ રિયાલિટી શો કે ટેલેન્ટ કૉન્ટેસ્ટ નહોતી, પણ ભારતના જાણીતા ઈન્વેસ્ટમેન્ટ ગુરુ વલ્લભ ભણસાલીના અનોખા જીવનકર્મને ઊજવવાનો અનોખો મહોત્સવ હતો.
શુક્રવાર, ૧૩ ફેબ્રુઆરીની સોહામણી સાંજે મુંબઈના બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)સ્થિત નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસસી)ના ગમતીલા પરિસરમાં વલ્લભ ભણસાલીના જીવન-શિક્ષણને શબ્દદેહમાં ઉતારતા પુસ્તક લાઈફ, બિઝનેસ ઍન્ડ સ્પિરિચ્યુઅલ વિઝડમ-વલ્લભ ભણસાલીના વિમોચનનો એ વિરલ પ્રસંગ હતો.
ચિત્રલેખાના વાઈસ ચૅરમૅન મનન કોટક સાથેના અનેક વાર્તાલાપ, જાહેર સંબોધનો અને નિકટની વ્યક્તિઓનાં સંસ્મરણો પર આધારિત આ પુસ્તક મનન કોટકે જ લખ્યું અને સંપાદિત કર્યું છે, જેમાં એક સાચા ભારતીય સ્વપ્નદ્રષ્ટાનાં કાલાતીત જ્ઞાન અને આદર્શોનો અર્ક રજૂ થયો છે.
સમારોહનો મૂડ સેટ કરતાં તનાયા મંચ પરથી કહે: ‘વલ્લભ અંકલના બહુ મોટા ચાહક એટલે મારા પિતા. અંકલને મળીને પપ્પા ઘરે આવે ત્યારે એકદમ ખુશ હોય, કેમ કે એમની પાસેથી પપ્પાને ઘણી પડકારભરી ક્ષણોમાં માર્ગદર્શન મળ્યું છે. હું મોટી થઈશ ત્યારે એ બધું સમજીશ. પપ્પાએ અમને બધાંને આ પુસ્તક વંચાવ્યું અને એનાથી અમારા જીવનમાં પરિવર્તન આવ્યું, તમે વાંચશો તો તમારા જીવનમાં પણ આવશે. નાઉ ઓવર ટુ દાદા.’
તનાયાના દાદા એટલે ચિત્રલેખાના ચૅરમૅન મૌલિક કોટક છ દાયકા જૂની વાતો વાગોળતાં કહે છે: ‘૧૯૬૪માં અમારી હિંદી વિદ્યા ભવન શાળાના ક્લાસ રૂમમાં મ્યુનિસિપાલિટી સ્કૂલમાંથી આવેલો એક છોકરો બેઠો. એકદમ ભણેશરી અને અદ્વિતીય બુદ્ધિમત્તાવાળો એ છોકરો એટલે વલ્લભ. સચોટ અને તથ્યપૂર્ણ અસાઈન્મેન્ટ માટે એ જાણીતો થયેલો. હું તો કહીશ કે ૧૦ વર્ષની વયે એ ડેટા ઍનાલિસિસ કરવા માંડેલો. આગળ જતાં ભારતીય મૂડીબજારનો એક સ્તંભ બન્યો અમારો વલ્લભ. સાથે જ ગ્લોબલ વિપશ્યના ફાઉન્ડેશનના સંચાલક તરીકે એણે અનેક લોકો સુધી વિપદામાં સ્થિતપ્રજ્ઞ રહેવાનું વિજ્ઞાન પહોંચાડ્યું. આજે વલ્લભના આ વિઝડમની ગંગાપ્રસાદી લેવા આપણે ભેગા થયા છીએ.’
મૌલિકભાઈની સંક્ષિપ્ત વાણી પછી મનન કોટક આ બુક પ્રોજેક્ટની રસપ્રદ વાતો કરતાં કહે: ‘૧૩ વર્ષ પહેલાં મેં ફૅમિલી મૅનેજ્ડ બિઝનેસ અંગેનો એક કોર્સ કર્યો હતો. એમાં અમારા શિક્ષક પરિમલ મર્ચન્ટે કહ્યું કે આ વિષય પર એક વાર વલ્લભ ભણસાલી વક્તવ્ય આપવા આવ્યા હતા, જેની ડીવીડી લાઈબ્રેરીમાં છે. બસ, પછી તો મેં એ ડીવીડી મેળવી, જોઈ, વારંવાર જોઈ, વાગોળી, કાગળ પર એની વિગતો ઉતારી. એમાં આત્માને સ્પર્શી જાય એવું જ્ઞાન છલકતું હતું.’
ત્યાર પછી કોઈ કામથી અથવા અમથા જ મનનભાઈ એમના પ્રિય વલ્લભ અંકલને મળવાનો, એમની સાથે ગોઠડી માંડવાનો અવસર ખોળતા રહેતા. એ બેઠકોમાંથી જે ડહાપણ વહી નીકળ્યું એ મનન કોટકે આ પુસ્તકમાં સમાવ્યું છે. મનનભાઈ કહે છે: ‘વલ્લભભાઈ પોતે સામેની વ્યક્તિ, કંપની કે દેશને શું આપી શકે એ જ વિચારતા હોય છે, પણ એટલા નમ્ર છે કે પુસ્તકના આઈડિયાને ટેરિબલ આઈડિયા (ભયાનક વિચાર) કહીને વાંચવાની જ ના પાડી દીધી હતી.’
અહીં વલ્લભભાઈ હળવા સ્મિત સાથે કબૂલે છે: ‘મારી સાથે પનારો પાડવો સહેલો નથી. મેં મનનને કહેલું પણ ખરું કે તારો મારી સાથેનો અનુભવ સારો હોય તો પણ બીજાને એનો શો ઉપયોગ. જો કે મનન ગંભીર હતો. મને એના પ્રત્યે પ્રેમ અને આદર છે.’
આ પુસ્તકમાં વલ્લભ ભણસાલીના સાઠ પ્રેરણાદાયી ક્વોટ છે. એમાંનાં છ અવતરણને સ્ક્રીન પર દાખવીને સમારંભમાં વલ્લભભાઈ સાથે ચર્ચા કરવામાં આવી, જે થકી એમની સકારાત્મક માનસિકતા અને સારપ શોધવાની વૃત્તિ સામે આવી, જેમ કે આજે મોટા ભાગની કંપની એમના કર્મચારીઓ પાસે ગજાબહારનું કામ લે છે ત્યારે વલ્લભભાઈ પોતાના સ્ટાફ પર આવો ભાર મૂકતા નહીં. એમનું ફોકસ ઉત્તમ કાર્યકુશળતા સાથે ઝીણવટપૂર્વક કાર્ય કરી ઉચ્ચ ગુણવત્તાનું પરિણામ મેળવવા પર રહેતું.
વલ્લભભાઈએ ઍપલના સંસ્થાપક સ્ટીવ જૉબ્સનો કિસ્સો ટાંકીને કહ્યું કે ઍપલના ફોનના બૅક કવરની અંદરની બાજુની ડિઝાઈનમાં સંતોષ ન થયો ત્યાં સુધી સ્ટીવે એ ફોન માર્કેટમાં મૂક્યો નહોતો. એ જ રીતે, ઈટાલીના વિશ્ર્વવિખ્યાત કલાકાર માઈકલ એન્જલોને કોઈએ પૂછેલું કે ચર્ચની ઉપર પાછળની બાજુએ બહુ મહેનતથી બનાવેલાં ચિત્રો મૂકવાનો શો અર્થ છે, કેમ કે કોઈ એ જોવાનું નથી. તો એમણે ઉત્તર આપ્યો હતો કે ભગવાન તો જોશે જ ને.
એ જ રીતે, બિઝનેસમાં એથિક્સ (નૈતિકતા)નું કેટલું મહત્ત્વ છે એ સમજાવવા વલ્લભભાઈએ ઈન્ફોસિસ તથા તાજમહાલ હોટેલના મૅનેજમેન્ટના દાખલા પણ ટાંક્યા હતા.
પુસ્તકમાં એમનું એક અવતરણ છે: Leave retribution and justice to nature અર્થાત્ પ્રતિશોધ (બદલો લેવાની ભાવના) અને ન્યાયને કુદરત પર છોડી દો. આ ક્વોટના સંદર્ભમાં એક પ્રેક્ષકનો પ્રશ્ર્ન હતો કે દેણદાર પૈસા પરત નથી આપતો તો શું કરવું? વલ્લભભાઈએ સલાહ આપી કે પૈસા પરત મેળવવા શક્ય હોય એ બધું જ કરો, પણ એ કરવામાં અંદરથી અશાંત ન થઈ જાવ, જીવનમાં નકારાત્મકતા ન પ્રવેશે એનું ધ્યાન રાખો. ઉઘરાણીમાં જ શક્તિ વેડફવા કરતાં બીજી ઉપયોગી બાબતોમાં ઊર્જા ખર્ચો.
૧૯૯૨ના સિક્યોરિટી સ્કૅમમાં જેલવાસ ભોગવનાર ભૂપેન દલાલે એક વાર વલ્લભભાઈને કહેલું કે જેલમાં હું સતત એવું જ વિચારતો કે મારી સામે ખોટી સાક્ષી આપનારને કઈ રીતે સીધો કરવો. પછી આ ઈચ્છા મેં એક જૈનાચાર્ય સમક્ષ વ્યક્ત કરી તો જવાબ મળ્યો કે તારે બદલો લેવો છે, પણ આટલાં વર્ષ તું રાત-દિન પોતાની જાત સાથે બદલો જ લેતો હતો ને?!
આવાં અનેક જ્ઞાનમોતી ઉલેચ્યા પછી મનન કોટકે જ્યારે વલ્લભભાઈને એમની વૉરેન બફેટ અને ચાર્લી મંગેર સાથેની અંગત મુલાકાત વર્ણવવાનું કહ્યું ત્યારે પ્રેક્ષકોને તો જલસો જ પડી ગયો. દુનિયાની ટોચની ઈન્વેસ્ટમેન્ટ કંપની બર્કશાયર હેથવેના આ વયોવૃદ્ધ પાર્ટનર્સ અને દુનિયાના સૌથી ધનિક માણસોમાંના બે એવા વૉરેન અને ચાર્લી વિશે વલ્લભ ભણસાલી કહે છે: ‘નમ્રતા, સામેવાળાને આદર આપવાની વૃત્તિ, સતર્કતા અને રમૂજવૃત્તિ જેવા ગુણોએ એ બન્નેને વિશેષ બનાવ્યા. કોઈ પણ મીટિંગ એ લોકો હંમેશાં રમૂજ અને જોકથી શરૂ કરતા.’
આવા તો કેટલાય મહાપુરુષોનાં જીવનમાંથી વલ્લભજી કંઈ ને કંઈ શીખ્યા. કિશોરાવસ્થામાં એમણે ભગવદ્ગીતાના કાલાતીત જ્ઞાનને વાંચ્યું, સમજ્યું અને જીવનમાં અપનાવ્યું, જેથી વાસ્તવિકતાના સહજ સ્વીકારનો ગુણ એમનામાં ખીલ્યો. સાથે જ સેલ્ફ ડાઉટિંગ (આત્મ-સંદેહ)ની વૃત્તિ દૂર થઈ.
એક વાર મનન કોટક પોતાના કોઈ નિર્ણય વિશે શંકાશીલ હતા એટલે વલ્લભભાઈનું માર્ગદર્શન માગ્યું તો એમણે કહેલું કે બેટા, ચિંતા નહીં કરતો. ક્યારેક શ્રેષ્ઠ બૅટ્સમેન પણ શૂન્ય રને આઉટ થતા હોય છે, જેમ કે ભારતના એક જાણીતા ઈન્ડસ્ટ્રિયાલિસ્ટે અતિ મોટો પ્રોજેક્ટ એક વ્યક્તિને સોંપ્યો હતો, પણ એ નિષ્ફળ ગયો, છતાં એની શક્તિમાં વિશ્ર્વાસ રાખીને બીજું કામ પણ આપ્યું. આમ કોઈની આવડતમાં અતૂટ ભરોસો મૂકનારા એ ઉદ્યોગપતિએ ભારતના કૉર્પોરેટજગત માટે સૌથી વધારે અને સૌથી સક્ષમ લીડર્સ પેદા કર્યા છે.
સમારોહ દરમિયાન રસપ્રદ સવાલ એ પુછાયો કે ૭૪ વર્ષના વલ્લભભાઈએ સમજો કે ૩૬ વર્ષના વલ્લભ ભણસાલીને સલાહ આપવાની થાય તો શું કહે? આ પ્રશ્ર્નનો ઉત્તર એમણે આમ આપ્યો: ‘પહેલું, ઉત્કૃષ્ટતા મેળવવાની ધગશ રાખો અને બીજું, બીજાને મદદ કરવાની તક ક્યારેય ન ગુમાવો. ઉપરાંત તમારી આધ્યાત્મિકતાનો પડઘો તમારા બિઝનેસમાં અચૂક ઝિલાવો જોઈએ.’
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પધારેલા મહારાષ્ટ્રના કૌશલ્ય વિકાસ વિભાગના મંત્રી મંગલ પ્રભાત લોઢા આવું સરસ મજાનું પુસ્તક રજૂ કરવા બદલ મનન કોટકને અભિનંદન આપીને કહે: ‘હું જીવનમાં બહુ ઓછા લોકોથી પ્રભાવિત થાઉં છું, પણ એમાંના એક માનનીય વ્યક્તિ વલ્લભ ભણસાલી છે. એ બિઝનેસ કરતા ત્યારે લોકો એમને સાંભળવાની તક શોધતા. હવે જીવનના બીજા તબક્કામાં પણ એમને મળીએ ત્યારે એ જે વાત કરે એનાથી વધુ ઉચિત કોઈ વાત હોઈ ન શકે એમ લાગે છે.’
લોઢાજી ભારપૂર્વક ઉમેરે પણ છે: ‘વલ્લભજીને નારાજ કરવાના જોખમે કહું છું કે તમે બિઝનેસની ઈનિંગ્સ તો સચીન તેન્ડુલકર જેવી ખેલી ને હવે સ્પિરિચ્યુલ ઈનિંગ્સ પણ ખેલી રહ્યા છો. તેમ છતાં તમારી આર્થિક ક્ષેત્ર પરની નિપુણતાનો ઉપયોગ તમારા માટે નહીં, પણ દેશ માટે કરો તો આભારી થઈશું. દેશને તમારી જરૂર છે.’
આ ઈવેન્ટમાં વલ્લભ ભણસાલીના ગુરુ દિવંગત પ્રોફેસર ઋષિકુમાર પંડ્યાનાં જોમદાર પ્રવચનની જૂની વિડિયો ક્લિપ પણ દર્શાવવામાં આવી હતી.
સમારોહના અતિથિ કોટક મહિન્દ્ર એસેટ મૅનેજમેન્ટ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર નીલેશ શાહે વલ્લભ ભણસાલી સાથેનાં જૂનાં સંસ્મરણો વાગોળીને કહ્યું કે અમારો સંબંધ એકલવ્ય અને દ્રોણાચાર્ય જેવો છે. વર્ષો પહેલાં એક મીટિંગમાં હું બહુ તેજ ગતિથી ઘણો ડેટા બોલી ગયો હતો. મીટિંગ પછી વલ્લભભાઈએ મારા ખભા પર હાથ રાખીને કહ્યું હતું કે આમ બુલેટ ટ્રેન ન ચલાવી હોત ને થોડું ધીમે ધીમે બોલ્યો હોત તો લોકોને સમજમાં આવત… મેં એ શીખ જીવનમાં એવી ગંભીરતાથી ઉતારી કે આજે લોકો પૂછે છે કે આટલું આસ્તે કેમ બોલો છો!
કૉર્પોરેટ વર્લ્ડમાં ભણસાલી સર સાથેના વર્ષોના સંપર્ક થકી હ્યુમન રિલેશન્સના અવનવા પાઠ શીખનારા નીલેશભાઈ કહે છે: ‘દેશના ટોચના પ્રોફેશનલ્સ વિશ્ર્વામિત્ર સમાગમ નામે એક ગ્રુપ ચલાવે છે, જેમાં ભારતને પ્રોડક્ટ નૅશન બનાવવાની, ટેક્ધોલૉજીમાં સતત આગળ રહે એની પૉલિસી બનાવવા વિશે ચર્ચા થાય છે. આ ગ્રુપની વાતચીતમાં મેક ઈન ઈન્ડિયા જેવા મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમનાં કઈ રીતે સારાં પરિણામો મેળવવાં એ વિશે વલ્લભભાઈની પૅશન મેં જોઈ છે.
આવો જ અનુભવ વ્યક્ત કરતાં એનએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ કહે છે: ‘૧૯૯૨ના સિક્યોરિટી સ્કૅમ પછી નૅશનલ સ્ટૉક એક્સચેન્જની સ્થાપના કરવા રચાયેલી પાંચ લોકોની ટીમમાં મને પણ સ્થાન મળેલુું. હું શૅરદલાલોને એમનો મત જાણવા માટે મળતો ત્યારે ગુજરાતીમાં વાત કરતો. વલ્લભભાઈ પણ મારી સાથે ગુજરાતીમાં બોલતા. જો કે મને વર્ષો પછી ખબર પડી કે એ ગુજરાતી નહીં, મારવાડી છે. એમનું માર્ગદર્શન તો મને મળતું જ, પણ એક વાર તો કોઈ કૉર્પોરેટ મીટિંગ પછી એમણે મને સીધી ઑફર આપી હતી કે નોકરી છોડવાનો અવસર આવે તો વિના સંકોચે મારી પાસે આવજે.’
૧૯૯૭માં એક મિત્રના કહેવા પર એ આશિષભાઈ વિપશ્યના શિબિરમાં જવા એટલા માટે માન્યા, કેમ કે વલ્લભ ભણસાલીએ પણ વિપશ્યના કરી હતી!
આશિષ ચૌહાણ કહે છે: ‘જ્ઞાનના ભાર વિના દરેક સેકન્ડે કોઈ પાસેથી શીખવાની ધગશ વલ્લભભાઈને ખાસ બનાવે છે, જેમ કે આ કાર્યક્રમના આરંભ પહેલાં ચા-પાણી વખતે વલ્લભભાઈએ બાળસહજ કુતૂહલથી મને પૂછ્યું હતું કે એઆઈનું શું લાગે છે? ભારત કઈ રીતે એનો લાભ મેળવી શકે?’
બીજી તરફ, સમારોહમાં ઉપસ્થિત રહેલા જાણીતા ઉદ્યોગપતિ અને વલ્લભભાઈના જૂના સહપાઠી વિજય કલાંત્રી હળવાશથી મંચ પરથી કહે: ‘કોઈ પણ વિષયમાં વલ્લભની સલાહ માગવા જાઓ તો એ એટલી સ્પષ્ટતાથી વાત કરે કે પછી બીજા કોઈ પાસે જવાની જરૂર જ ન પડે. વલ્લભ પાછો આવી ઍડ્વાઈઝ ફ્રીમાં આપે ને ખાસ તો લંચ સમયે જ બોલાવે એટલે ભોજનનો પણ લાભ મળે.’
સમારોહની વિશેષતા એ કે વલ્લભભાઈના મિત્રોએ વિડિયો ક્લિપ પાઠવીને એમની સાથેનાં જૂનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં અને પુસ્તક માટે એમને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે પ્રસિદ્ધ ગાયક પાર્થિવ ગોહિલે રવીન્દ્રનાથ ટાગોરના એકલા ચાલો રે… ગીતની પંક્તિ ગાઈને પ્રેક્ષકોને ડોલાવ્યા હતા. ભણસાલી પરિવાર તરફથી આભારવિધિ વલ્લભભાઈનાં પુત્રી આભા શાહે કરી હતી, તો ચિત્રલેખા તરફથી મૌલિકભાઈ કોટકે.
પુસ્તક વિમોચનની વિધિ એનએસસીનું ગૉન્ગ વગાડીને પૂરી કરવામાં આવી હતી. ત્યાર બાદ વલ્લભભાઈને બે શબ્દો બોલવાનો આગ્રહ કરાતાં એમણે હસીને કહ્યું: ‘એન્જોય ધ ડિનર.’ જો કે પ્રેક્ષકોએ ડિનર ટેબલને બદલે બુક સ્ટૉલ પર ધસારો કર્યો હતો અને પુસ્તક ખરીદીને એના પર વલ્લભભાઈના હસ્તાક્ષર લખાવવા પડાપડી કરી હતી.
(સમીર પાલેજા- મુંબઈ)
(તસવીરો: દીપક ધુરી-માનસ સોમપુરા)


