આમ તો મધ્ય ગુજરાતની આ બેઠક કૉંગ્રેસનો ગઢ ગણાતી હતી અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલને અહીંથી હરાવવા એ અશક્ય મનાતું હતું. વરીષ્ઠ રાજકારણી દિનશા પટેલ સળંગ પાંચવાર આ બેઠક પરથી ચૂંટાયા હતા, પણ 2014માં અહીં દિનશા પટેલને ભાજપના યુવા ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે જબરજસ્ત રાજકીય પછડાટ આપીને સૌથી મોટો રાજકીય અપસેટ સર્જ્યો હતો. 2014માં નરેન્દ્ર મોદીની આંધીમાં ગુજરાતમાં ભલભલા ધુરંધરો ધોવાઈ ગયા હતા એમાં દિનશા પટેલનો પણ સમાવેશ થાય છે. ભાજપના દેવુસિંહ ચૌહાણ અહીં 2 લાખ 32 હજાર કરતાં વધારે મતોથી જીત્યા હતા. ભૂતકાળમાં કૉંગ્રેસ અહીંથી 12 વખત જીતી ચૂકી છે.
ક્ષત્રિય અને પટેલ સમાજનો પ્રભાવ ધરાવતી આ બેઠકમાં કુલ 17,87,034 મતદારોમાંથી 3,26,905 ક્ષત્રિય, 2,56,806 પટેલ, 2,10,460 મુસ્લિમ અને 1,35,700 દલિત મતદારો છે.
ખેડા લોકસભા મતવિસ્તારમાં આવતી સાત વિધાનસભા બેઠકોમાંથી દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાબાદ ભાજપ પાસે છે તો મહુધા ને કપડવંજ કૉંગ્રેસ પાસે છે. વિધાનસભાનાં પરિણામો પ્રમાણે કૉંગ્રેસ અહીં ભાજપથી 48,724 મતોથી પાછળ છે એ જોતાં કૉંગ્રેસ માટે આ બેઠક ફરીથી કબ્જે કરવી એ કપરા ચઢાણ છે. ભાજપે અહીંથી દેવુસિંહ ચૌહાણને જ રિપિટ કર્યા છે તો સામે કૉંગ્રેસે ભાજપી મૂળના જ બિમલ શાહને મેદાનમાં ઊતાર્યા છે. ભૂતકાળમાં કપડવંજમાંથી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા બિમલ શાહ કેશુભાઈની સરકારમાં વાહનવ્યવહાર મંત્રી પણ રહી ચૂક્યા છે. જોકે 2012ની વિધાનસભા ચૂંટણીમાં બિમલભાઈ કપડવંજ બેઠક પરથી અપક્ષ તરીકે લડતા કૉંગ્રેસના શંકરસિંહ વાઘેલા પાતળી સરસાઈથી જીતી શક્યા હતા.
બિમલભાઈને ખેડાથી લડાવવા પાછળ કૉંગ્રેસની એક ગણતરી અહીંના વણિક મતદારોને આકર્ષવાની છે.
ખેડા લોકસભા બેઠક ગુજરાતની સૌથી જૂની લોકસભા બેઠકોમાં એક છે. 1952ની પહેલી ચૂંટણીથી ખેડા લોકસભા બેઠક અસ્તિત્વમાં આવી હતી. ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનાં પુત્રી મણિબેન પટેલ કોંગ્રેસની ટિકિટ પર ખેડા દક્ષિણ બેઠક પરથી જીતીને સંસદસભ્ય બની ચૂક્યાં છે.
આ બેઠક પર કુલ સાત ઉમેદવારો જંગે ચઢ્યા છે.