ખાનગી રોકાણ પ્રવાહ સતત વહે અને વધે એ માટે પ્રોત્સાહન અપેક્ષિત
માત્ર મોદી સરકાર જ નહીં, બલકે દરેક સરકાર વરસોથી કહેતી રહી છે કે ગોલ્ડ-પ્રોપર્ટીઝ જેવા ફીઝિકલ સાધનોમાં રોકાણ બંધ કરી લોકોએ શેર-સિકયોરિટીઝ, બોન્ડ્સ, વગેરે સમાન ફાઈનાન્સિયલ સાધનો તરફ વળવું જોઈએ. અર્થાત, સરકાર બચત અને રોકાણને ફાઇનાન્સિયલ એસેટ્સ તરફ વાળવા મહત્તમ પ્રયાસ કરતી રહી છે, કિંતુ આ માટેનો જરૂરી માહોલ અને વિશ્વાસ ઊભો કરી શકાયો નથી.
આ માટે મ્યુચ્યુઅલ ફંડથી લઈને વિવિધ યોજના-સાધનોને પ્રોત્સાહન તો જરૂરી છે, પણ તેનાથી વધુ ઈન્વેસ્ટર્સ અવેરનેસ, એજ્યુકેશન અને રિયલ પ્રોટેક્શન આવશ્યક બને છે. લોકોના હાથમાં વધુ નાણાં બચત થાય એવી વ્યવસ્થા સાથે લોકોનો ફાઈનાન્સિયલ સિસ્ટમમાં ટ્રસ્ટ બેસવો જોઈએ. યુવા અને નવી રોજગારી વધે તેના નક્કર પ્રયાસો થવા જોઈએ, સરકારી બચતો, પ્રોવિડન્ટ ફંડ-પેન્શન જેવા નાણાંનો પ્રવાહ પણ મૂડીબજાર તરફ વધતો જાય એવા પ્રયત્નોમાં માત્ર વાતો નહીં નક્કર થવું જોઈએ. કોર્પોરેટ્સને મૂડીબજાર નાણાં પૂરા પાડે, એટલું જ નહીં, જાહેર સાહસોને પણ મૂડીબજાર ભંડોળ પૂરું પાડે એવું વાતાવરણ બને તો વાત જામે. અલબત્ત, રોકાણકારોને આકર્ષવા આ વખતે વધુ નક્કર પગલાં ભરી રહી છે, ત્યારે રોકાણકારોએ સમજી જવું જોઈએ કે ભવિષ્યમાં મૂડીબજારમાં ક્યાંથી અને કેટલું ભંડોળ આવતું રહેવાનું છે. શેરબજારમાં સારા શેરોની અછત સર્જાઈ શકે છે, જેઓ સારા શેરો જમા કરતા જશે અને જેઓ જમા કરેલા સારા શેરો જાળવી શકશે તેમને લાભ થશે.
સરકાર આ વખતના બજેટમાં ઈન્વેસ્ટમેન્ટને આકર્ષવા વધુ પ્રોત્સાહનો પણ આપે એવી આશા બળવત્તર બની છે. ખાનગી રોકાણનો પ્રવાહ સતત વહે અને વધે એ ઉદ્દેશ્ય સાથે સરકાર આ રોકાણને કર રાહત આપવા ઉપરાંત તેમની માટેની નીતિ-નિયમો-વિધિ પણ સરળ બનાવશે એવું જણાય છે. આ બાબત હકીકત બનશે તો રોજગાર સર્જનનો અવકાશ પણ વધશે. આમ પણ સરકારે કોર્પોરેટ્સને નવા એકમ સ્થાપવા સામે ઈન્કમ ટેક્સમાં રાહત આપી જ છે, હવે તેનો લાભ મળે એ દિશામાં સચોટ ગતિ થવી જોઈએ.
(જયેશ ચિતલિયા – આર્થિક પત્રકાર)