જો તમે પર્યાવરણપ્રેમી હો, પરંતુ સાથે સ્વાદપ્રેમી હો તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. સ્વાદપ્રેમી તરીકે જો તમને સેન્ડવિચ ભાવતી હોય તો ખરાબ સમાચાર એ છે કે સેન્ડવિચ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આંખો મસળતા નહીં, આ બિલકુલ સાચા સમાચાર છે, ટાઢા પહોરનાં ગપ્પાં નથી. આ એક અભ્યાસમાં બહાર આવેલી હકીકત છે. જોકે ભારતમાં મોટા ભાગે શાકાહારી સેન્ડવિચ ખવાય છે, તેથી શાકાહારી સેન્ડવિચ ખાનારા માટે આ ખરાબ સમાચાર નથી. પરંતુ માંસાહારી સેન્ડવિચથી પર્યાવરણને ગજબનું નુકસાન થાય છે. કઈ રીતે? આવો જોઈએ.રેડીમેડ બ્રેકફાસ્ટ તરીકે ખવાતી સેન્ડવિચ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. એગ, બેકૉન, અને સૌસેજ સાથેની સારની (એટલે કે સેન્ડવિચ) ભોજનની દુનિયામાં સૌથી ઊંચી કાર્બન ફૂટપ્રિન્ટ ધરાવે છે. તેનાથી ૧,૪૪૧ ગ્રામ કાર્બન ડાયૉક્સાઇડ પેદા થાય છે. સંશોધકોએ ૪૦ અલગ-અલગ પ્રકારની સેન્ડવિચોની કાર્બન ફૂટપ્રિન્ટનો અભ્યાસ કર્યા પછી આ ચોંકાવનારા આંકડા પ્રગટ કર્યા છે. તેમણે ઘરની બનાવટની અને પ્રિપેકેજ્ડ એમ બંને પ્રકારની સેન્ડવિચનો અભ્યાસ કર્યો. તેમાં કેટલા ઘટકો લેવાય છે, પેકેજ કરાય છે, તેમજ ઘરમાં કેટલો ખાદ્યચીજોનો બગાડ થાય છે અને સપ્લાય ચેઇનમાં કેટલો બગાડ થાય છે તે પણ તેમણે ધ્યાનમાં લીધું. યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટરની ટીમે કાર્બન ફૂટપ્રિન્ટ માપવા માટેના નિયત એકમ કાર્બન ડાયૉક્સાઇડ ઇક્વિવેલન્ટને ગણતરીમાં લીધું. બ્રિટિશ સેન્ડવિચ એસોસિએશન (બીએસએ)ના આંકડાઓ મુજબ, યુકેમાં દર વર્ષે ૧૧.૫ અબજ સેન્ડવિચો ખવાય છે. યુકેમાં દર વર્ષે જેટલી સેન્ડવિચો ખવાય છે તેનાથી કેટલું પ્રદૂષણ થાય છે તે ખબર છે? ૮૦ લાખ કારો દ્વારા જેટલું પ્રદૂષણ થાય તેટલું પ્રદૂષણો યુકેમાં દર વર્ષે ખવાતી એકલી સેન્ડવિચો દ્વારા જ થાય છે!
તેમના અભ્યાસમાં જાણવા મળ્યું કે ઈંડાં, બેકન અને સૌસેજ ધરાવતી સેન્ડવિચમાં ૧,૪૪૧ કાર્બન ડાયોક્સાઇડની કાર્બન ફૂટપ્રિન્ટ હોય છે. બેકન, હામ અથવા સોસેજ જેવા ભૂંડ માંસ સાથેની સેન્ડવિચ જેમાં ચીઝ, ટમેટા, પ્રૉન (જળચર પ્રાણી) હોય તે કાર્બન પ્રત્યે સંવેદનહીન હોય છે. ઈંડાં અને ક્રેસ (કેબેજ ફેમિલીનો એક પ્લાન્ટ) સાથેની સેન્ડિવચમાં ૭૩૯ ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ ઇક્વિવેલન્ટ હોય છે.
સેન્ડવિચો દ્વારા સર્જાતા પ્રદૂષણના સ્તરનો આધાર કેટલાક ચલાયમાન પરિબળો પર છે. ઘટકોની ખેતી, ઉત્પાદન અથવા પ્રસંસ્કરણ (પ્રૉસેસિંગ) એ સૌથી વધુ કાર્બન ઉત્પાદન કરવામાં પ્રદાન આપે છે અને તેનું પ્રમાણ ૩૭-૬૭ ટકા જેટલું છે. સેન્ડિવચોને ફ્રીજમાં રાખીને તેને સંગ્રહી (પ્રિઝર્વ) રાખવામાં ૨૫ ટકા કાર્બન ફૂટપ્રિન્ટ લાગે છે. પેકેજિંગમાં ૮.૫ ટકા કાર્બન ફૂટપ્રિન્ટ લાગે છે. ઉપરાંત પરિવહન અને ફ્રીજમાં મૂકી રાખવામાં વધુ ચાર ટકા. માન્ચેસ્ટર યુનિવર્સિટીની સ્કૂલ ઑફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ એનાલિટિકલ સાયન્સીસના પ્રૉફેસર એડિસા એઝાપેગિક કહે છે કે યુકેમાં વર્ષે ૧૧.૫ અબજ સેન્ડવિચો ખાવાથી ૯૫ લાખ ટન કાર્બન ડાયૉક્સાઇડ ઇક્વિલેન્ટ સર્જાય છે. જે ૮૬ લાખ કારના વાર્ષિક વપરાશથી સર્જાતા કાર્બન ડાયૉક્સાઇડ બરાબર છે.
જોકે ઘરે બનાવાતી હામ અને ચીઝ સેન્ડવિચો પર્યાવરણને સૌથી ઓછું નુકસાન કરે છે. રેસિપી, પેકેજિંગ, કચરાના નિકાલ વગેરેમાં જો થોડા ફેરફાર કરવામાં આવે તો સેન્ડવિચોના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થવાની સંભાવના છે.
જોકે આમાં, ભારતમાં ખવાતી વેજિટેબલ કે ચટણી સેન્ડવિચોનો અભ્યાસ કરાયો નથી, પરંતુ એવું અનુમાન છે કે ભારતમાં ખવાતી શાકાહારી વેજિટેબલ સેન્ડવિચોથી પર્યાવરણમાં પ્રદૂષણ તો નહીં જ થતું હોય, હા, આરોગનારા લોકો દ્વારા આજુબાજુના વાતાવરણમાં કેટલું પ્રદૂષણ તેમની નબળી પાચનશક્તિના કારણે ફેલાતું હશે તેની ખબર નથી!