વાયુ પ્રદૂષણ માટે ફટાકડા કેટલા જવાબદાર?

ર્વોચ્ચ ન્યાયાલયે ફટાકડા પર આ દિવાળીએ જ પ્રતિબંધ મૂક્યો, એમ કહીને કે તેનાથી દિલ્લીમાં પ્રદૂષણ ખૂબ વધી જાય છે. અસ્થમા વગેરેના દર્દીઓને તકલીફ પડે છે. પ્રદૂષણ અને તેની પર્યાવરણ પર અસર સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે, પરંતુ તપાસવું એ જોઈએ કે દિવાળી કે ૩૧ ડિસેમ્બરે ફોડાતા ફટાકડાથી કેટલું પ્રદૂષણ ફેલાય છે?

સુપ્રીમ કૉર્ટના ન્યાયમૂર્તિ એ. કે. સિકરીના નેતૃત્વવાળી બૅન્ચે કહ્યું કે “ચાલો, આ દિવાળી ફટાકડા વગર ઉજવીએ.” આ ચુકાદા પછી મુંબઈની હાઇકૉર્ટે પણ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. આમ, આ દિવાળી પર મહારાષ્ટ્ર અને દિલ્લીમાં આબાલવૃદ્ધો ફટાકડા નહીં ફોડી શકે. તેમના માટે દિવાળી ફિક્કી બની જશે. કૉર્ટનો આ નિર્ણય ત્રણ કિશોરોએ કરેલી અરજીના આધારે આવ્યો છે. દિવાળી આસપાસ દિલ્લીમાં પ્રદૂષણ વધી ગયું હોવાનું નોંધાયું હતું. નવેમ્બર ૨૦૧૬માં પીએમ (પર્ટિક્યુલર મેટર) ઝેરી ગણાય તેવા ૯૯૯ના સ્તરે પહોંચી ગયું હતું, જે શ્વાસ લેવા માટે સલામત ગણાય તે સ્તર કરતાં દસ ગણું વધુ હતું.

જોકે પર્યાવરણ મંત્રાલય મુજબ, પ્રદૂષણમાં આ જબ્બર ઊછાળા પાછળ ચાર કારણો રહેલાં છે જેમાં ફટાકડાનો સમાવેશ થતો નથી! પ્રશ્ન એ થાય કે તો પછી એ કયાં ચાર કારણો છે જેના કારણે પ્રદૂષણ આટલી હદે વધી જાય છે? પર્યાવરણ મંત્રાલય પાસેથી જ સાંભળીએ.

આ મંત્રાલયે પોતાની અખબારી યાદીમાં જણાવ્યું હતું તે મુજબ, ઘન કચરો બાળવાથી, વાહનો દ્વારા છોડાતાં વાયુથી, રસ્તા, બાંધકામની સાઇટ આસપાસ રહેલી ધૂળથી તેમજ દિલ્લી તથા તેની આસપાસના વિસ્તારોમાં પાકના અવશેષો બાળવાથી પ્રદૂષણમાં આટલો જબ્બર વધારો થાય છે.

એવું નથી કે કેન્દ્રમાં સરકાર આવી તેથી ફટાકડાને બચાવવા માટે આ કારણો અપાય છે. વર્ષ ૨૦૧૧માં તત્કાલીન કૉંગ્રેસ સરકાર વખતે પણ પર્યાવરણ મંત્રાલયનો સૉર્સ એપ્રૉપ્રિએશન સ્ટડી એમ જણાવતો હતો કે ઔદ્યોગિક ઉત્સર્જન અને રસ્તા પરની ધૂળ એ વાયુ પ્રદૂષણના બે મુખ્ય પરિબળો છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે ફેફસાની બીમારીઓ થાય છે. મુંબઈ અને કાનપુરમાં ઉદ્યોગો મોટી માત્રામાં પીએમ (પર્ટિક્યુલર મેટર) ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત રસોઈ માટે એલપીજીનો વપરાશ પણ પીએમ પ્રદૂષણમાં કારણરૂપ છે. હવે બોલો, રસોઈ ન કરવી કે શું? કાલે સવારે એલપીજી દ્વારા રસોઈ પર પણ પ્રતિબંધ મૂકાશે? વાહનો પણ જબ્બર પ્રદૂષણ કરે છે, તેમાંય ખાસ કરીને ભારે વાહનો.

ગ્રીન પીસ સંસ્થાના વર્ષ ૨૦૧૫ના અહેવાલને ધ્યાનમાં લઈએ તો આ કારણો વાજબી જણાય છે. તેનો અહેવાલ કહે છે કે જે બાંધકામની પ્રવૃત્તિ થતી રહેતી હોય છે અને વાહનોની અવરજવર થાય છે તે બે કારણો જ પ્રદૂષણમાં સૌથી વધુ વધારો કરનારાં છે. આ ઉપરાંત નજીકનાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પાકના અવશેષો બાળવાના કારણે પણ પ્રદૂષણ વધે છે.

જર્મનીની એનર્જી ઍન્ડ ક્લાઇમેટ રિસર્ચ – ટ્રૉપૉસ્ફીયર તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મીટીરિયોલૉજી, પૂણેએ કરેલા અભ્યાસ મુજબ, મોબાઇલ ફૉન પણ વાતાવરણમાં નુકસાનકારક તત્ત્વો અને ગ્રીનહાઉસ ગેસો છોડવામાં નિમિત્ત બને છે. આનું કારણ એ છે કે જે ટાવર થકી આપણે દોરડા વગર મોબાઇલ ફૉનથી વાતો કરી શકીએ છીએ તે ટાવર આંશિક રીતે ડીઝલનાં જનરેટરો થકી ચાલે છે અને આ જનરેટરો તો પ્રદૂષણ કરે જ છે. તેમાંથી નાઇટ્રૉજન ઑક્સાઇડ, કાર્બન ડાયૉક્સાઇડ, સલ્ફર ડાયૉક્સાઇડ, કાર્બન મૉનૉક્સાઇડ, બ્લેક કાર્બન અને હાઇડ્રૉકાર્બન વાતાવરણમાં ભળે છે. હવે વિચાર કરો, કે ટાવરની સંખ્યા વધી રહી છે કે નહીં? તો તેનાથી પણ કેટલું પ્રદૂષણ ફેલાતું હશે!

આ બધાં કારણો જોતાં એવું લાગે છે કે વર્ષમાં દિવાળીના માત્ર ત્રણ ચાર દિવસ ફોડાતા ફટાકડાથી થતા ઓછા પ્રદૂષણને ધ્યાનમાં લેવાના બદલે પ્રદૂષણના મોટા સ્રોતોને ધ્યાનમાં લઈ તેના ઉપાયો કર્યા હોત તો વધુ સારું રહેત….