પરાગે પાંચ લાખ રૂપિયા શેરમાં રોક્યા અને…

‘પરાગ, આજે પ્રવીણ દુકાને આવેલો. તેની દીકરીનું ઓપરેશન છે. હજી તો જુવાન છે પણ હૃદયની બીમારી છે કોઈક. મને તો નામ પણ ન યાદ રહ્યું. ડોક્ટર કહે છે ઓપરેશન કરવું પડશે અને પાંચેક લાખનો ખર્ચ થશે.’ વિષ્ણુભાઇએ સાંજે જમ્યા પછી તેના દીકરા પરાગ સાથે બેઠકમાં બેઠા ટીવી જોતા વાત શરુ કરી.

પરાગ અને વિષ્ણુભાઈ બંને રોજ સાંજે ડિનર પછી બેઠકમાં સાથે બેસીને ટીવી જુએ. બંનેની પત્નીઓ રસોડાનું અને બીજું કામ પતાવીને બેઠકમાં આવે પછી ચારેય જણ થોડીવાર વાતો કરીને પછી પોતપોતાના રૂમમાં ઊંઘવા જાય. આ તેમની રોજની આદત. આજે પણ ડિનર પછી બંને વાતો કરતા હતા ત્યારે વિષ્ણુભાઈએ પોતાની વાત શરુ કરેલી.

‘પપ્પા, આ તો બહુ મોટો ખર્ચ કહેવાય? પ્રવીણકાકા કેવી રીતે પહોંચી વળશે? પરાગે થોડી ચિંતા સાથે પૂછ્યું.

‘એટલે જ પ્રવીણ મારી દુકાને આવ્યો હતો. કહેતો હતો કે હું ત્રણેક લાખની મદદ કરું તો દીકરી બચી જાય. પછી થોડા થોડા કરીને તે આપી દેશે.’ વિષ્ણુભાઇએ કહ્યું.

‘ત્રણ લાખ? આપણે કેવી રીતે ત્રણેક લાખની વ્યવસ્થા કરી શકીએ? થોડીઘણી મદદની વાત હોય તો ઠીક છે પરંતુ ત્રણ લાખ બહુ મોટી રકમ કહેવાય પપ્પા.’ પરાગને હવે થોડી અકળામણ થઇ.

‘હા, રકમ તો મોટી છે પરંતુ કોઈના જીવથી વધારે નહિ.’ વિષ્ણુભાઈ સહજતાથી બોલ્યા.

‘એ વાતથી તો હું પણ સંમત છું.’ પરાગે કહ્યું.

‘એટલે જ હું વિચારું છું કે આપણાથી કેવી રીતે મદદ થઇ શકે?’

‘આપણાથી આટલી મદદ ન થઇ શકે પપ્પા.’

‘કેમ ન થઇ શકે?’

‘તમારી પાસે છે એટલા પૈસા?’

‘મારી દુકાનની આવક તો હવે એટલી રહી નથી. પરંતુ આપણે ઘરમાંથી વ્યવસ્થા કરીએ તો થઇ જાય કદાચ.’

‘પપ્પા, મને ખબર છે કે તમને લોકોને મદદ કરવાનો શોખ છે. પરંતુ તમે આ શોખ તમારી દુકાનની આવકમાંથી પૂરો કરો તો સારું. ઘરમાંથી જો આ રીતે પૈસાની લહાણી કરશું તો આપણે ક્યારેક ઘર પણ વેંચવાનો વારો આવશે.’ પરાગે તેના પિતાને સાફ સાફ કહી દીધું.

પરાગ જ્યારથી સમજણો થયો હતો ત્યારથી જ તેના પિતાને તેણે ઉદાર અને દાનવીર તરીકે જોયા હતા. જયારે પણ કોઈ મદદ માંગવા આવે ત્યારે તેના પિતા વિષ્ણુભાઈ ખુલ્લા દિલે પોતાનાથી બનતી મદદ કરી આપે. ક્યારેક ક્યારેક તો પોતે આર્થિક રીતે ખેંચાઈને પણ મદદનો હાથ લંબાવે. વિષ્ણુભાઈને જાણનારા બધા લોકો તેમને ખુબ આદર અને સમ્માનથી બોલાવતા અને તેનાથી પરાગની છાતી પણ બે ઇંચ ફૂલી જતી. પરંતુ આ વાત તો ત્યારની હતી જયારે પરાગ નાનો હતો અને નાણાકીય બાબતોમાં તેણે વધારે સમજ નહોતી પડતી. આજે તે મોટો થઇ ગયેલો અને નોકરી કરતો થયો હતો ત્યારે પૈસા કેમ કમાવાય છે તેનું ભાન પરાગને થયું હતું.

વિષ્ણુભાઈને કપડાંની દુકાન. પહેલાના સમયમાં તો તેઓ નગરશેઠ કહેવાતા. તેમની દુકાને ગામના બધા લોકો ક્યારેકને ક્યારેક તો કપડાં લેવા આવ્યા જ હોય. પરંતુ હવે સમય બદલાયો હતો. કપડાં લઈને સીવડાવવાની ઝંઝટમાં કોઈ પડવા માંગતું નહોતું. લોકો રેડી-મેઇડ કપડાં લઈને પહેરતા. વિષ્ણુભાઇએ પણ ધીમે ધીમે રેડીમેઈડ કપડાં રાખવાનું શરુ કરી દીધેલું પરંતુ અત્યારે સ્પર્ધા વધી ગયેલી. બીજી પણ કપડાંની દુકાનો શરુ થઇ ગયેલી અને તેમાં પણ ઓનલાઇન શોપિંગ શરુ થતા ગામના લોકો બજારમાં જવાને બદલે મોબાઈલ પર જ કપડાં ખરીદી લેતા. ઓનલાઇન જેટલી ઓફર મળતી તેની સામે દુકાનદાર હવે ટકી શકે તેમ નહોતા તે વાતની વિષ્ણુભાઈ અને પરાગ બંનેને જાણ હતી પરંતુ પિતાની ઉંમરને કારણે હવે બીજો કોઈ ધંધો કરી શકે તેવી સ્થિતિ નહોતી અને પોતે ભણીગણીને સારી નોકરીમાં લાગી ગયેલો એટલે ધંધામાં ક્યારેક મદદ કરી શકેલો નહિ.

આજે વિષ્ણુભાઈ વધારે કમાતા નહોતા પરંતુ તેમની ઉદારતા હજી ઓછી થઇ નહોતી. આ ઉદારતાને કારણે જ તેમની લગભગ બધી કમાણી કોઈને કોઈની મદદમાં વપરાઈ જતી તેવું પરાગને લાગતું. ક્યારેક ક્યારેક તે કહેતો પણ ખરો કે ‘હવે ભોળપણમાં પૈસા કોઈના પર ખર્ચ કરવાનું બંધ કરો નહીંતર વેંચાઈ જવાનો વારો આવશે.’ પરંતુ વિષ્ણુભાઈ હસીને જવાબ આપતા, ‘દીકરા, આજે આપણે જે કઈ છીએ તે બધું જ ઉપરવાળાએ આપ્યું છે. તેની ઈચ્છા હોય તેટલું મળે અને તેટલું જ ટકે. આપનારો પણ તે અને લેનારો પણ તે. જો કોઈ હાથ લંબાવીને આવે તો એવું માનવું કે ઉપરવાળાએ જ તેને મોકલ્યો છે અને મદદ કરવી આપણી ફરજ છે. મારુ તો માનવું છે કે એ રીતે ભગવાન આપણી કસોટી કરતો હોય છે.’

બાપ દીકરા વચ્ચે આ બાબતે મતભેદ હતો પરંતુ ક્યારેય તકરાર થયેલી નહિ. આજે જયારે વિષ્ણુભાઈ પાસે તેમના પિતરાઈ ભાઈએ ત્રણ લાખ રૂપિયાની મદદ માંગી હતી અને તેટલા પૈસાની વ્યવસ્થા વિષ્ણુભાઈ પાસે હતી નહિ ત્યારે આ બાબત બાપ-દીકરા વચ્ચે દલીલનો વિષય બની હતી. થોડીવાર બંને વચ્ચે મૌન રહ્યું અને પછી વિષ્ણુભાઇએ કહ્યું, ‘દીકરા, હું તને વારંવાર કહેતો આવ્યો છું કે આપણે જે કઈ કમાઈએ તે ઉપરવાળાની મહેરબાની કહેવાય. જયારે તે કોઈનો હાથ આપણી સામે લંબાવે ત્યારે તેને જાકારો ન અપાય.’

‘પપ્પા, જુઓ આ વાત બોલવામાં સારી લાગે પરંતુ થોડા પ્રેક્ટિકલ બનીને વિચારવું પડે. મારી તો નોકરી છે અને ભલે સારી પરંતુ આવક તો માર્યાદિત જ છે ‘ને? ઉપરવાળો ઈચ્છે તો પણ કેવી રીતે વધારે આવક કરી આપે?’ પરાગે તાર્કિકતાથી પિતાને સમજાવવાની કોશિશ કરી.

‘કેમ ન કરી આપે? તું માર્ગ ખોલ ઉપરવાળા માટે તારી આવક વધારવાનો, તે જરૂર તને આપશે.’

‘તમે જ કોઈ માર્ગ સૂચવો. અને જો આપણી પાસે કોઈ નવી આવકના ત્રણ લાખ આવશે તો આપણે પ્રવીણકાકાને મદદ કરીશું. હું પણ મદદ કરવા ઈચ્છું છું પરંતુ આપણી મર્યાદાને કારણે આપણે નવી અને અણધારી આવક ન થાય તો પચાસ હજારથી વધારે તમે નહિ આપો. બોલો કબૂલ?’ પરાગે શરત મૂકી.

‘બે દિવસમાં એક મોટી એનેર્જી કંપનીનો આઇપીઓ ક્લોઝ થઇ રહ્યો છે. તું તેના શેર માટે એપ્લિકેશન કરી દે. જો ભાવ વધીને આવે તો તેમાંથી મદદ કરજે નહીંતર ન કરતો.’ વિષ્ણુભાઇએ સૂચન કર્યું.

‘સારું. હું ઈન્વેસ્ટ કરવા તૈયાર છું. જો લાભ થઇ જશે તો આપણે આપીશું.’ પરાગને લાગ્યું કે આ રીતે પપ્પાનું માન પણ રહી જશે અને પોતાના પૈસા પણ નહિ જાય. તેનાથી વધારે પણ પરાગના મનમાં જે સંશય હતો કે શું ભગવાન ઈચ્છતો હશે પ્રવીણકાકાની મદદ વિષ્ણુભાઈ થકી થાય તો આ રીતે પૈસાની વ્યવસ્થા થશે? આજના જમાનામાં આવો ચમત્કાર થઇ શકે ખરો?

પરાગે બીજા દિવસે પાંચ લાખ રૂપિયા શેરમાં રોક્યા. આઇપીઓ ખુલ્યો એટલે પરાગને શેરબજાર ખુલતા જ પચાસ ટકાનો ફાયદો થયો. પાંચ લાખના સીધા સાડા સાત લાખ થઇ ગયા. પરાગને આશ્ચર્ય તો થયું પરંતુ ઉપરના અઢી લાખના શેર તેણે વેંચીને પૈસા પપ્પાના હાથમાં મુક્યા. વિષ્ણુભાઇએ પોતાના પચાસ હજાર ઉમેરીને પ્રવીણને ત્રણ લાખ આપ્યા. પરાગની પિતરાઈ બહેન તો બચી જ ગઈ પરંતુ તેની સાથે સાથે વિષ્ણુભાઈની વાતમાં તેની શ્રદ્ધા પણ બેસી ગઈ કે ઉપરવાળો જયારે આપણા થકી કોઈની મદદ કરાવવા ઈચ્છતો હોય ત્યારે કોઈને કોઈ માર્ગ કરી જ આપે છે.