લગ્નનો દિવસ નજીક આવતો ગયો અને પ્રકાશભાઈની ચિંતા વધતી ગઈ

‘આવતા અઠવાડિયે લગ્ન છે. તૈયારી હજુ બાકી છે. ખબર નહિ કેમ કરીને પહોંચી વળીશું?’ પ્રકાશભાઈએ ઘરમાં પ્રવેશતા પોતાની થેલી ખીલીએ લટકાવી અને ઓસરીમાં રાખેલી આરામ ખુરસીમાં બેસતા કહ્યું.

‘કેટલી ચિંતા કરો છો તમે? બધી તૈયારી થઇ ગઈ છે. હવે શાંતિથી બેસો તમે.’ તેમના પત્ની સુનંદાબેને બેઠકમાંથી જ જવાબ આપ્યો અને પછી તેઓ રસોડામાં પાણી લેવા જતા રહ્યા.

‘શું તૈયારી થઇ ગઈ છે? આપણે જે યાદી બનાવી હતી તે લાવ જોઈએ એટલે આપણે ફરીથી એકવાર સમીક્ષા કરી લઈએ.’ પ્રકાશભાઈએ નિરાંતનો શ્વાસ લેતા કહ્યું.

‘હા, આવું છું.’ કહીને એકાદ મિનિટમાં સુનંદાબેન પાણી સાથે એ નોટબુક પણ લઇ આવ્યા.

‘હમ્મ, તો ઘરેણાં તો થોડા આવી ગયા છે…’

‘થોડા નહિ, બહુ આવી ગયા. પલ્લવીએ ચોખ્ખી ના પડી છે હવે વધારે ઘરેણાં લેવાની. મારી તો હિમ્મત નથી, જો તમારે જોખમે લેવા હોય તો લેજો વધારે ઘરેણાં.’ સુનંદાબેને સ્પષ્ટ સંભળાવી દીધું.

‘કઈ નહિ, એ તો બોલે. હું જોઈ લઈશ ઘરેણાં માટે. ત્યાર પછી મહેમાનોને કંકોત્રી – એ પણ લગભગ બધાને પહોંચી ગઈ છે. ચારસો લોકો ગણવાના આપણે?’

‘ચારસો તો આપણા. ત્રણ સો લોકો જાનમાં આવશે તે અલગ. કુલ મળીને સાતસો-સાડા સાતસો માનો.’ સુનંદાબેને આંકડો ગોઠવ્યો.

‘મને થાય છે કે આપણે દાઉદ ભાઈના પરિવારને પણ બોલાવી લેવા જોઈએ.’ પ્રકાશભાઈએ આમંત્રિતોની યાદી પર નજર નાખતા કહ્યું.

‘હા, બોલાવી લઈએ. બીજું કોઈ યાદ આવતું હોય તો તેમને પણ હજી આમંત્રણ આપી દઈએ. આટલા લોકો જમશે તેના ભેગાભેગા પચીસ બીજાએ ભળી જાય તો વાંધો નહિ. એકની એક દીકરી છે પછી આપણને ક્યાં કોઈ તક મળવાની છે મહેમાનગતિ કરવાની.’ સુનંદાબેને સંમતિ દર્શાવી.

‘વાત તો સાચી છે. રસોઈયાને પણ કહી દીધું છે. તેઓ સમયસર આવી જશે. મંડપ લગાવવા વાળાને મેં આજે પાછો ફોન કર્યો છે, થોડા પંખા વધારે લગાવે. ગરમી હશે ને?’

‘હા, થોડી ગરમી હોઈ શકે. કુલર જ લગાવડાવી દઈએ તો?’

‘જગ્યા વધારે રોકશે. આપણે ત્યાં ક્યાં એટલી ગરમી થાય છે? પંખા ચાલી જશે. પછી તું જેમ કહે તેમ.’ પ્રકાશભાઈએ પોતાનું મંતવ્યો પત્ની પર થોપ્યું હોય તેવું ભાગ્યે જ બનતું.

‘વાત તો સાચી છે તમારી. પંખા ચાલી જશે. ચાલો હવે બીજી તૈયારી તમે જાતે તપાસો હું મારા કામે વળગુ છું. થોડીવારમાં પલ્લવી પણ આવતી હશે તેની બહેનપણીઓ સાથે.’ સુનંદાબેન પાણીનો ખાલી થયેલો પ્યાલો લઈને ઘરમાં ચાલ્યા ગયા.


પ્રકાશભાઈ અને સુનંદાબેનના સંતાનોમાં એક પુત્રી હતી પલ્લવી. લગભગ ચોવીસની ઉમર થઇ હતી અને તેનું વેવિશાળ એક સારા પરિવારના યુવાન સાથે ગોઠવાયું હતું તે આ દંપતી માટે હર્ષની વાત હતી. તેમને લાગતું હતું કે જીવનની સૌથી મોટી જવાબદારી પુરી થઇ ગઈ અને તેના જે સંતોષ છે તે ગંગા નહાવામાં પણ ન મળે.

પલ્લવી આજ્ઞાંકિત અને મિતભાષી હતી. તેને ક્યારેય પપ્પા કે મમ્મી પાસે કોઈ વસ્તુની જીદ કરી નહોતી કે પછી તેમની વાતનો વિરોધ કર્યો હોય તેવું બન્યું નહોતું. ભાગ્યે જ તેને મમ્મી-પપ્પાના નિર્ણય સાથે કોઈ વિચારભેદ થતો. કોલેજ કરીને પછી બી.એડ. કર્યું અને શિક્ષિકા તરીકે નોકરી શરુ કરી હતી. નાના ગામના પરિવાર માટે આ ખુબ સફળ ગઈ શકાય તેવો પરિવાર હતો.

લગ્નની તૈયારીઓ થઇ ગઈ હતી. એક સપ્તાહમાં પુત્રી લગ્ન કરીને જતી રહેશે તે વાતના દુઃખ કરતા વધારે તે ખુશીથી જઈ રહી હતી અને સાસરિયું પણ બહુ દૂર નહોતી એ વાતનો આનંદ વધારે હતો. જમાઈ ભણેલો, ગણેલો અને સમજદાર હોય અને દીકરીના ભવિષ્યની ચિંતા ન હોય તેવા માતા-પિતા સૌથી વધારે સુખી ગણાય. એવું સુખ પ્રકાશભાઈ અને સુનંદાબેન પણ અનુભવવા લાગેલા.

ખુબ ધામધૂમથી લગ્ન કરવાના અભરખાથી પ્રકાશભાઈએ તૈયારીઓ કરી હતી અને એક સપ્તાહ બાદ થનાર આ લગ્ન યાદગાર બની રહે તેવી મનોકામના એક બાપ તરીકે તેઓએ રાખી હતી.

લગ્નનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ પ્રકાશભાઈની ચિંતા વધતી ગઈ. રોજ વારેવારે પોતે બનાવેલ ચેક-લિસ્ટ જુએ, તેમાં શું થઇ ગયું છે અને શું બાકી છે તેનો ક્યાસ કાઢે. જે કામ થઇ ગયા હોય તેમાં વધારે સારું કેવી રીતે કરી શકાય તેની ચર્ચા સુનંદાબેન અને મિત્રો સાથે કરે. જયારે કઈ જ બાકી રહ્યું નહોતું ત્યારે પ્રસંગ વધારે સારો બને તેના માટે સૌની સલાહ લઈને જે શક્ય હોય તે સુધારા કરવા લાગ્યા.

લગ્નના આગળ દિવસે મંડપના થાંભલા ખોડાઈ ગયા હતા.

‘ચંદરવો આવતી કાલે બંધાઈ જશે સાહેબ.’ કોન્ટ્રાક્ટરે કહેલું.

‘રાત્રે જ બાંધી દો તો સારું. અગિયાર વાગતા સુધીમાં તો જાન આવી જશે. અને હા, પંખા ભૂલશો નહિ.’ પ્રકાશભાઈએ ફરીથી યાદ કરાવી દીધું.

‘ચિંતા ન કરો. અમારી જવાબદારી. આજે થોડો પવન વધારે છે એટલે બાંધીને રાખશું તો પણ કાલે ફરીથી તેમાં કામ કરવું જ પડશે. વળી ધૂળથી મેલા પણ થશે.’ કહીને કોન્ટ્રાક્ટરે રજા લીધી હતી.

બપોર થતા સુધીમાં પવન વધી ગયો. પ્રકાશભાઈને લાગ્યું કે વાત તો સાચી જ હતી. જે રીતે પવન ફૂંકાય છે તે જોતા મંડપમાં ચંદરવા બાંધીને રાખવાનો કોઈ ફાયદો નહોતો.

આખરે લગ્નનો દિવસ આવી ગયો. સવારથી બધા લોકો પોતપોતાના કામે લાગી ગયા હતા. મહેમાન આવવાનું શરુ થઇ ગયું હતું. ચાંદરવાથી સજ્જ મંડપ તૈયાર હતા. મહેમાનો માટે ચા-નાસ્તો પીરસતો હતો. પ્રકાશભાઈ અને સુનંદાબેન તેમનું સ્વાગત કરી રહ્યા હતા. પલ્લવી તેની બહેનપણીઓ સાથે પોતાના રૂમ તૈયાર થવામાં વ્યસ્ત હતી. એ યુવતીઓનો પોતાનો જ માહોલ જામેલો હતો.

અગિયારેક વાગ્યા એટલે સમાચાર આવ્યા કે જાન શેરીના નાકે પહોંચી ગઈ છે. પ્રકાશભાઈ અને સુનંદાબેન તેમનું સ્વાગત કરવા દરવાજે આવ્યા. ઢોલ અને શરણાઈ સાથે જાનૈયાઓ નાચતા હતા. વરરાજા ઘોડી પર સવાર હતા.

મુહૂર્ત પ્રમાણે વિધિઓ શરુ થઇ. કન્યાને બોલાવવાની સૂચના ગોર મહારાજે આપી એટલે પલ્લવી મંડપમાં આવીને પોતાના સ્થાને બેઠી. સંસ્કૃત મંત્રોચ્ચાર થઇ રહ્યો હતો, યજ્ઞમાં હોમ થઇ રહ્યો હતો.

વિધિ ચાલી રહી હતી અને સૌ આનંદમાં રાચતા હતા. આ માહોલમાં કોઈએ નોંધ ન લીધી કે ધીમે ધીમે પવનનું જોર વધી રહ્યું હતું. પંડિતજીએ આગથી દૂર બેસવા યજમાનોને સૂચના આપી અને વિધિ ચાલુ રાખી. મહિલાઓએ પોતાના સાડીના પલ્લું સાચવ્યા. ધીમે ધીમે પવનના સુસવાટા વધ્યા. ચંદરવાના કપડાં ધ્રુજવા મંડ્યા. પવનનું જોર દેખાવા લાગ્યું.

‘આજે તો નાના વાવાઝોડાની આગાહી હતી. લાગે છે આવી જ ગયું.’ મહેમાનોમાંથી કોઈ બોલતું સંભળાયું.

પ્રકાશભાઇના ચેહરા પર ચિંતાની રેખાઓ દેખાઈ. તેમણે મંડપની બહાર નજર કરી. ધૂળની ડમરી ઊડતી ઊડતી લગ્નના મંડપ તરફ આવી રહી હતી. જોત જોતામાં તો એ ડમરી મંડપ સુધી પહોંચી ગઈ અને ચંદરવો ફફડાટ કરતો તેની સાથે ઉડ્યો. બેઠેલા મહેમાનોની ખુરસીઓ ઊથલવા લાગી. બાળકો અને સ્ત્રીઓ પવનના જોરમાં ઉડી ન જાય એટલા માટે પ્રયત્ન કરીને એકબીજાને પકડી રહ્યા. તેમની નજર સામે લોકોમાં દોડાદોડ મચી ગઈ.

આ દ્રશ્ય આકાર લઇ રહ્યું ત્યાં તો બીજી તરફથી લોકોની ચીસો સંભળાઈ. તેમણે તે દિશામાં જોયું તો તેમની આંખો ભયથી ફાટી ગઈ. યજ્ઞની આગથી મંડપના કપડાં સળગી ઉઠ્યા હતા. તેમાં દીકરી અને જમાઈ પણ લપેટાઈ ગયા હતા. લાગેલી આગ બુઝાવવા લોકો પ્રયત્ન કરી રહ્યા હતા. પ્રકાશભાઈની આંખોમાંથી આંસુ દળ દળ વહી રહ્યા અને પવનના જોરમાં તેઓ પણ તણાઈ રહ્યા હતા તેનું ભાન તેમને ન થયું.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)