આપણે આવી દરેક સાંજ સાથે ગાળી શક્યા હોત તો….

આલાપ,

ઢળતી ઉંમર એ ઢળતી સાંજ જેવી હોય છે. વહેલી સવારથી સાંજ સુધીના સૂર્યના દરેક રંગો ઢળતી સાંજે એકસાથે જોવા મળે છે. થોડી લાલાશથોડી પીળાશ અને થોડી કેસરી આભા બસઆમજ ઢળતી ઉંમરે નજર સામે જીવનના દરેક રંગો જોવા મળે છે. મને આ ઉંમર જીવનનો સૌથી ઉમદા તબક્કો લાગે છે.

આલાપએકવાર તેં મને કહેલું કે, “સારુંઆપણે ઢળતી સાંજે ઘરની બાલ્કનીમાં બેસીને સાથે ચા પીતા પીતા આથમતા સૂરજને જોઈએ એ મારા જીવનની ધન્ય ક્ષણ હશે.” અને હું હસીને બોલી ઉઠેલી, “માની લે આલાપકે જિંદગીએ આપણાં રસ્તાઓ અલગ કરી નાખ્યા તોઆવી સાંજ આપણાં નસીબમાં ન આવી તો? ” તું થોડો ઉદાસ થઈ ગયેલો. જો કે મને પણ કલ્પના નહોતી કે આમ મજાકમાં બોલાયેલું વાક્ય આપણી નિયતિ બની જશે. આપણે આવી એકપણ સાંજના સાક્ષી ન બની શક્યા. એ પછી આટલા વર્ષો વીત્યા પણ મેં તારી એ ખ્વાહિશ પુરી કરવા હંમેશા પ્રયાસ કર્યા છે. ઢળતી સાંજબાલ્કનીચા ના બે કપ અને હું. આ મારો નિત્યક્રમ થઈ ગયો છે. હું ડુબતા સૂરજને જોયા કરું અને વિચારું…

ધારોકે આપણે આવી દરેક સાંજ સાથે ગાળી શક્યા હોત તો….

કલ્પના ખૂબ સુંદર છે અને જીવન કદાચ વધુ સુંદર હોત. ઢળતી ઉંમરઢળતી સાંજ અને એકમેકનો સાથ… જીવનની મધુરતામાં બીજું શું ઘટેએક તરફ હોત ઢળતી સાંજનું સૌંદર્ય અને બીજી તરફ આપણી અત્યાર સુધીની સફરના મધુર સંસ્મરણો. હાખરેખર આવી સાંજ જોવામાં જિંદગીની ધન્યતા હોત. તારા વિના દરેક સાંજ આમજ ઢળે છે. ક્યારેક કલ્પના પળ બે પળ રાજી કરે છે પણ જીવન હજી આજે પણ એ ઢળતી સાંજની પ્રતિક્ષામાં છે જેની ક્યારેક આપણે કલ્પના કરેલી. મનમાં કશુંક લયબદ્ધ સ્ફુરે છે અને હું એને નોટમાં ટપકાવી રહી છું.

સાંજ ઘેરી થાય છે પાછા વળો…
છાંયડા લંબાય છે પાછા વળો…

તારા શહેરની સાંજ પણ કદાચ આવી જ હશે. તને પણ આપણું સપનું યાદ જ હશે. શું તને પણ હજીય નહિ જીવી શકાયેલી એ સાંજની પ્રતીક્ષા છે?

સારંગી.

(નીતા સોજીત્રા)