સાવધાન: આબોહવા પરિવર્તનથી ડેન્ગ્યુ ઝડપથી પ્રસરે છે

શું તમને ખબર છે કે પર્યાવરણને નુકસાન અને તેના કારણે આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ)થી માત્ર કુદરતી આપત્તિઓ જ નથી આવતી, પરંતુ તેનાથી ડેન્ગ્યુ તાવ જેવા ગંભીર રોગો પણ થાય છે?

આ વાત અમે નહીં, પરંતુ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવાઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા, વિશ્વ બૅન્ક અને સંયુક્ત રાષ્ટ્રોની વિશ્વ હવામાન સંસ્થા (ડબ્લ્યુએમઓ), અનેક વિશ્વવિદ્યાલયો સહિત ૨૬ સંસ્થાઓના સંશોધકોએ કરેલા સંશોધનોમાં આ ગંભીર અને ચિંતાજનક તારણ બહાર આવ્યું છે.અબજો લોકોના આરોગ્યની સામે બદલાતી આબોહવાથી ગંભીર નુકસાન થઈ રહ્યું છે. ગરમ મોજાં અને વૈશ્વિક ગરમીથી ડેન્ગ્યુ તાવનો ચેપ ઝડપથી પ્રસરે છે. ડેન્ગ્યુ તાવ એ વિશ્વનો સૌથી ઝડપથી પ્રસરતો રોગ છે. વાયુ પ્રદૂષણથી દર વર્ષે લાખો લોકોના કમોત થઈ રહ્યા છે. પાકને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે. તેના કારણે ભૂખમરો વધી રહ્યો છે.

આ અહેવાલમાં ગત સોમવારે જણાવાયું છે કે વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ ગત વર્ષે ખૂબ જ મોટો કૂદકો લગાવી ગયું છે. આટલું પ્રમાણ છેલ્લાં ત્રીસ લાખ વર્ષથી વધુ સમયથી જોવા નથી મળ્યું. આ અગાઉ વર્ષ ૨૦૦૯માં આવેલા આવા જ એક અહેવાલમાં ચેતવણી અપાઈ હતી કે ૨૧મી સદીમાં આબોહવા પરિવર્તન એ દુનિયાભરના લોકો માટે સૌથી મોટો પડકાર છે.

સંશોધકોએ ૪૦ બાબતો તપાસી. તેમાં જાણવા મળ્યું કે ૬૫થી વધુ વયના લોકો ભયંકર ગરમીનો સામનો કરી રહ્યા છે તેમની સંખ્યામાં ભારે ઊછાળો આવ્યો છે. વર્ષ ૨૦૦૦થી વર્ષ ૨૦૧૬ દરમિયાન તેમાં ૧૨.૫ કરોડનો વધારો થયો છે. આ બાબત ડૉક્ટરો માટે ચિંતાનું કારણ છે કારણકે વૃદ્ધ લોકો ગરમીનો ખાસ સામનો કરી શકે તેવા હોતા નથી તેમ મનાય છે. વર્ષ ૨૦૦૩માં યુરોપમાં ૭૦,૦૦૦ મૃત્યુ ગરમીના મોજાના કારણે થયાં હતાં. ઉપરાંત વધુ ને વધુ ગરમ તથા વધુ ને વધુ ભેજવાળું વાતાવરણ વધતું જાય છે જેના કારણે ઘરની બહાર કામ કરવું લગભગ અશક્ય બની રહ્યું છે. વર્ષ ૨૦૧૬માં આ પરિસ્થિતિમાં ખૂબ જ વધારો થયો હતો.

અહેવાલમાં જાણવા મળ્યું છે કે હવામાનમાં ફેરફારના કારણે ડેન્ગ્યુ તાવની પ્રસરવાની ક્ષમતા વધી રહી છે કારણકે આ મચ્છરો અને તેઓ જે વાઇરસ લઈ જાય છે તે ઝડપથી ઉછરે છે. ડેન્ગ્યુ હાડકાતોડ તાવ તરીકે ઓળખાય છે કારણકે તેના કારણે જે દુઃખાવો થાય છે અને ચેપ થાય છે ૧૯૯૦થી દરેક દાયકામાં તે બમણો થયો છે. હવે એક વર્ષમાં તે ૧૦ કરોડ ચેપ સુધી પહોંચી ગયો છે. સંશોધકોને લાલગે છે કે ડેન્ગ્યુ ઉપરાંત સ્કિસ્ટોસોમિયાસિસ જેવા અન્ય રોગો પ્રસરવાનું પ્રમાણ પણ વૈશ્વિક ગરમી (ગ્લૉબલ વૉર્મિંગ)ના કારણે વધશે.

વાયુ પ્રદૂષણના કારણે પણ દર વર્ષે લાખો લોકોનાં કમોત થાય છે, પરંતુ આ નવા અહેવાલ પ્રમાણે, માત્ર કોલસો બળવાના કારણે વર્ષે આઠ લાખ લોકોનાં મૃત્યુ થયા છે. જોકે સારા સમાચાર એ છે કે વર્ષ ૨૦૧૩માં કોલસાનું ઉત્પાદન શિખરે પહોંચી ગયા પછી હવે ઘટી રહ્યું છે.

જો વિકસિત દેશો આ બધા સમાચારથી ખુશ થતા હોય તો તેમણે પણ ચેતી જવા જેવું છે કારણકે આબોહવા પરિવર્તનની અસર માત્ર ગરીબ દેશોને જ થશે તેવું નથી. યુકે જેવા વિકસિત દેશોને પણ તેની અસર થઈ છે. યુકેમાં વાયુ પ્રદૂષણ ખૂબ જ છે અને તેના કારણે દર વર્ષે ૪૦,૦૦૦ મૃત્યુ થાય છે. (દિવાળીમાં ફટાકડાના કારણે પ્રદૂષણ થાય છે તેમ કહી અરજી કરતા લોકો અને ચુકાદો આપતા માનનીય ન્યાયાધીશો સાંભળે છે?) સરકાર સાઇકલિંગ અને ચાલવા માટે બહુ ઓછું ફંડ યુકેમાં આપે છે તેની આરોગ્ય અને પર્યાવરણ નિષ્ણાતો ટીકા કરે છે. હવામાન પરિવર્તન થાય એટલે પૂર-અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિ આવે. આવી આત્યંતિક આબોહવાની ઘટનાઓના કારણે માનસિક આરોગ્યની સમસ્યાઓમાં પણ ખૂબ જ વધારો જોવા મળ્યો છે.