નાણાંપ્રધાન જેટલીએ ગુજરાતમાં કોંગ્રેસ પર ધાવો બોલાવ્યો

અમદાવાદ– ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. કેન્દ્રીય નાણાંપ્રધાન અને ભાજપના ગુજરાતના ચૂંટણી પ્રભારી અરૂણ જેટલી આજે અમદાવાદના થલતેજમાં આવેલ મીડિયા સેન્ટરની મુલાકાતે આવ્યાં હતાં. તેમણે પત્રકારોને સંબોધન કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં અમારો એજન્ડા વિકાસ છે. પણ કોંગ્રેસ વિકાસની મજાક ઉડાવી રહી છે, અને તેમણે દેશમાં ભાગલા પાડવાનું જ કામ કર્યું છે. પણ ગુજરાતમાં ભાજપની ખૂબ મોટી જીત થવાની છે.અરૂણ જેટલીએ કહ્યું હતું કે ગુજરાતમાં અમન, શાંતિ અને ભાઈચારો રહ્યો છે. 2002 પછી ગુજરાતમાં ઈતિહાસ રચાયો છે. જાતિવાદનું ઝેર ફેલાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસે સમાજમાં ભાગલા પાડવાનું કામ કર્યું છે. જાતિવાદી રાજકારણને કારણે તેઓ સત્તાથી દૂર રહ્યાં છે. પણ ગુજરાતમાં વિકાસની ગતિ રોકાશે નહી, અને કોંગ્રેસ દ્વારા વિકાસની મજાક ઉડાવવામાં આવી રહી છે. વિકાસને નીચે દેખાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પણ તેઓ સફળ થવાના નથી. ગુજરાતે દેશને સફળ નેતૃત્વ આપ્યું છે.

ભાજપના સુશાસનથી જ ગુજરાતનો વિકાસ થયો છે, આજે ગુજરાત દેશમાં મોડલ રાજ્ય બન્યું છે. રાહુલ ગાંધીને જીએસટીની કોઈ સમજ જ નથી. કાળાં નાણાં બાબતે કોંગ્રેસ કોઈ કામ નથી કર્યું, અને કોંગ્રેસે અત્યાર સુધી ચૂંટણીમાં રાષ્ટ્રવિરોધી તત્વોનો ઉપયોગ કર્યો છે.