પીઠનો દુખાવોઃ તમે પીઠના દુખાવાને સમજી શકો, એને રોકી શકો અને છૂટકારો મેળવી શકો એવી ટોપ ટિપ્સ
આપણી પીઠ કે કરોડરજ્જુ 33-હાડકાની બનેલી હોય છે અને અંગ્રેજી અક્ષર ‘S’ ગોઠવાયેલી હોય છે. એનું કામ આપણને આગળ કે પાછળ અથવા નીચે વળવામાં કે ફરવામાં મદદરૂપ થવા માટેનું છે. પરંતુ લગભગ 80 ટકા લોકો એમના જીવનમાં ક્યારેક તો પીઠના દુખાવાની તકલીફથી પરેશાન હોય જ છે. પીઠના દુખાવાનું કારણ ઈજા, ખેંચાણ, ખરાબ રીતે બેસવાની પદ્ધતિ (પોશ્ચર), વૃદ્ધાવસ્થાને કારણે શરીર ક્ષીણ થવાથી, અકસ્માત કે અન્ય કોઈ તબીબી સ્થિતિ હોઈ શકે. આપણને કમ્પ્યુટર્સ સામે કે મોબાઈલ ફોન પર કલાકો સુધી બેઠા રહેવાની ખરાબ આદત પડી ગઈ હોય છે અને એને કારણે આપણી પીઠના ઉપરના ભાગમાં કે ગરદનમાં દુખાવો થાય છે. એ દુખાવાનો સામનો કરવાની અમુક આસાન રીત અહીં પ્રસ્તુત છેઃ
પોશ્ચરઃ
આખા દિવસ દરમિયાન તમારા હલનચલન પર ધ્યાન રાખો
સીધા જ ઊભા રહેવાનું અને શરીરનું વજન તમારા પગ પર સમાન રીતે આવવું જોઈએ. એવી રીતે બેસો કે તમારી પીઠને કોઈ કડક તકિયાનો ટેકો મળે. તમારા ખભાને થોડાક પાછળ રાખો અને તમારું માથું કરોડરજ્જુની લાઈનમાં રાખો. કમ્પ્યુટરને તમારી આંખોના લેવલ પર રાખો જેથી તમારે આગળની તરફ ઝૂકવું ન પડે. જમીન પરથી કોઈ ચીજને ઉપાડવી હોય તો સીધા નીચે વળવાને બદલે પહેલાં તમારા ઘૂંટણને વાળી દો. સોફ્ટ સોફા પર કે સીટ પર બેસવાનું ટાળો, જેમાં તમારી પીઠ ‘C’ આકારમાં વળી જતી હોય છે. ઉપરાંત ઊંચી એડીનાં શૂઝ પહેરવાં નહીં, ભલે એ દેખાવમાં ખૂબ સરસ લાગતાં હોય તો પણ. કારણ કે એનાથી પીઠ ઉપર ઘણું દબાણ આવતું હોય છે.
કસરતઃ
કોઈ નિષ્ણાત યોગા થિરાપિસ્ટ કે ફિઝિયોથેરાપિસ્ટના માર્ગદર્શન હેઠળ કરોડરજ્જુની શક્તિ વધારવા અને એને એની મૂળ સ્થિતિમાં રાખતા શીખવું. નિયમિત કસરત અને યોગની પ્રેક્ટિસ પીઠના દુખાવામાંથી છૂટકારો મેળવવામાં ઘણી મદદરૂપ થાય છે. કેટલાક પોશ્ચર્સ અને શરીરનું હલનચલન દુખાવો વધારી શકે છે એટલે કોઈ નિષ્ણાત પાસે જ એ શીખવાનું જરૂરી છે, જેથી એ તમને તમારા માટે સૌથી ઉચિત પોશ્ચર અને બેસવાની સ્થિતિ સમજાવી શકે. જ્યારે તમને દુખાવો થતો હોય ત્યારે અચાનક આંચકાવાળું હલનચલન કરવાનું કે કૂદકો મારવાનું ટાળવું. સામાન્ય રીતે કોઈક ટેકો લઈને પીઠને વાળવાનું ઘણું જ અસરકારક રહેશે.
ઊંઘઃ
સૂવા માટે કઠણ પથારી પસંદ કરવી. તમારે જો એક પડખે સૂવું હોય તો તમારા ઘૂંટણોની વચ્ચે એક તકિયો મૂકો. જો તમારે સીધા સૂવું હોય તો તમારા ઘૂંટણની નીચે એક ટુવાલ ગોળ વાળીને મૂકો. પીઠ અને ગરદનને ટેકો આપવાથી તમને ઘણો સરસ આરામ મળી રહેશે અને સવારે તમે જાગશો ત્યારે તાજગીનો અનુભવ થશે.
લાગણીશીલ બાબતોઃ
તમારા જીવનમાં જો કોઈ માનસિક તાણભરી પરિસ્થિતિ આવી હોય તો એને ઉકેલવાનો પ્રયત્ન કરો. એ માટે થોડોક બ્રેક લઈને આરામ કરો અથવા મેડિટેશન કરતા શીખો. મનને જાગ્રત કરવાથી કે પદ્ધતિસર શ્વાસોચ્છવાસ કરવાથી તમને ઘણી માનસિક શાંતિ અને નિરાંતનો અનુભવ થશે.
સખત દુખાવોઃ
આરામ કરવો શ્રેષ્ઠ રહેશે. આરોગ્યની કાળજી લેવાનું શીખવતા મોટા ભાગના વ્યાવસાયિકો શરૂઆતમાં તમને દુખાવો થતા શરીરના ભાગ પર ઠંડા પેક રાખવાની સલાહ આપશે. ત્યારબાદ ગરમ અને ઠંડા પેક્સ વારાફરતી રાખવાની સલાહ આપશે જે કદાચ અસરકારક નિવડશે. પેઈન કિલર દવાઓ માત્ર કામચલાઉ જ રાહત આપી શકે. એક્યૂપંક્ચર, નિષ્ણાતો દ્વારા કરાતું થેરાપ્યૂટિક માલિશ પણ મદદરૂપ થઈ શકે છે.
કોઈ દવા ખાઈને દુખાવો મટાડવાનો ટૂંકા ગાળાનો ઈલાજ અપનાવવાને બદલે સંપૂર્ણ અને સંકલનકારી અભિગમ અપનાવવાથી પીઠના દુખાવાને વધારે સારી રીતે દૂર કરી શકાશે.