‘આવતી કાલે આપણી કોલોનીમાં બધા લોકો વૃક્ષ બચાવવાની જાગૃતિ ફેલાવવા માટે સાઈકલિંગ કરવાના છે. બહુ મજા આવશે.’ રવિ જોશ જોશમાં બોલી તો ગયો પણ પછી તેને લાગ્યું કે બોલતા પહેલા વિચારવું જોઈતું હતું.
તેની મમ્મીએ આંખ કાઢીને તેને ઠપકો આપ્યો પણ કઈ બોલી નહિ.
‘આપણે આવતી કાલે પિઝા ખાવા જઈ શકીએ રાત્રે? કેમ શાલિની જઈશું ને?’ રવિએ સમજદારી બતાવતા વાત બદલવાની કોશિશ કરી.
‘હમ્મ.’ શાલિનીએ જવાબમાં હુંકારો ભર્યો અને પોતાની લાકડી ઉઠાવીને ધીમે ધીમે જમીન પર ઠપકારતા ઠપકારતા હાથ આગળ તરફ લંબાવીને પોતાના રૂમ તરફ ચાલવા લાગી.
‘તને સમજ નથી પડતી શાલિની સામે સાઇકલિંગની વાત કરે છે?’ શાલિની રૂમમાં જતી રહી પછી મમ્મીએ ઠપકો આપતા રવિને કહ્યું.
‘સોરી મમ્મી, મને યાદ જ ન રહ્યું દીદી અહીં છે.’ રવિને ખરેખર જ અફસોસ થઇ રહ્યો હતો.
‘બે વર્ષ પહેલા અકસ્માતમાં બિચારીની આંખો ગઈ ત્યારથી તેના કોઈ જ શોખ પુરા કરી શકે તેમ નથી. નહીંતર કેવી રમતગમતમાં આગળ થઈને ભાગ લેતી. અમુક રમતો તો રમી પણ લે પણ સાઇકલ કેમ ચલાવે? અને તે પણ રોડ પર.’ મમ્મીએ નીશાસો નાખતા કહ્યું. તેની નજર સામે કોલોનીના પ્રાંગણમાં બધા બાળકો સાથે રમતી શાલિની તરી આવી. ખો ખો હોય કે કબ્બડી, વોલીબોલ હોય કે સાઈકલિંગ, બધામાં જ તે આગળ થઈને ભાગ લે. કેવી સ્ફૂર્તીલી અને કેવી ઉત્સાહી. પણ કુદરતનું કરવું કે બે વર્ષ પહેલા કાર અકસ્માત થયો તેમાં તેની આંખમાં કાંચ ઘુસી ગયા અને બંને આંખોની રોશની જતી રહી.
‘મમ્મી હું બહાર જાઉં છું થોડીવાર માટે. તું દીદીનું ધ્યાન રાખજે.’ કહીને રવિ બહાર પોતાના મિત્રોને મળવા જતો રહ્યો. કોલેજના પહેલા વર્ષમાં આવેલો રવિ પોતાની દીદીને રોજ કોલેજ સાથે લઇ જતો. બંને વચ્ચે માત્ર એક વર્ષનો ફેર એટલે શાલિની અને પોતે એક જ કોલેજમાં ભણતા. શાલિની બીજા વર્ષમાં હતી અને પોતે પહેલા વર્ષમાં. સમાન ઉંમરના હોવાથી બંનેના મિત્રો પણ એકબીજાને ઓળખે અને સાથે વાતચીત થાય.
બહાર નીકળીને રવિ કોલોનીમાં ચાલી રહેલી સાઈક્લિનિંગની તૈયારી જોવા લાગ્યો અને આયોજનમાં થોડી મદદ કરી. બીજા દિવસે સવારે આઠ વાગ્યે સાઇકલિંગની દશ કિમીની રેલી નીકળવાની હતી અને ત્રણ ચાર મહોલ્લામાં ફરીને વૃક્ષો બચાવવા અંગે જાગૃતિ અભિયાન હાથ ધરવાની હતી. રવિનો ઉત્સાહ શાલિની સાથે બનેલી ઘટનાથી ઠંડો થઇ ગયો હતો.
‘યાર શું થયું? કેમ ઢીલો ઢીલો લાગે છે?’ કોલોનીમાં રહેતા રવિના મિત્ર પ્રકાશે પૂછ્યું.
‘કઈ નહિ યાર. થોડીવાર પહેલા દીદીની સામે સાઇકલિંગની રેલી વિશે બોલાઈ ગયું. તે નિરાશ થઈને પોતાના રૂમમાં જતી રહી. પહેલા તેને કેટલો શોખ હતો આવા બધા કાર્યક્રમોમાં ભાગ લેવાનો. સાઈકલિંગ કરવાનું પણ તેને બહુ ગમતું.’ રવિને ઉદ્શ ચેહરે કહ્યું.
‘હા તો? તેને બોલને કાલે સાઈકલિંગ કરે આપણી સાથે. તેમાં ચિંતા શું છે?’ પ્રકાશે રવિને ખંભે થપ્પો મારતાં કહ્યું.
‘કેવી રીતે? રોડ પર જવાના છીએ. દીદીને રસ્તો કેવી રીતે ખબર પડશે? નકામી ઇજા થશે અને તેનો આત્મવિશ્વાસ વધારે તૂટશે.’ રવિને પ્રકાશનો સુઝાવ જરાય ઉપયોગી ન લાગ્યો.
‘અરે ભાઈ. મારા મનમાં એક સારો આઈડિયા છે. આ જો.’ કહેતા પ્રકાશે રવિને મોબાઈલ પર એક-બે ઇમેજ અને પછી યુટ્યુબ પર વિડિઓ બતાવ્યા. પંદર મિનિટ સુધી બંને આ રીતે મોબાઈલમાં લીન રહ્યા અને એક પછી એક ઇમેજ અને વિડિઓ જોતા રવિના ચેહરા પર આશાનો ઉજાશ દેખાવા લાગ્યો. તેના ચેહરા પર ખુશી છલકાઈ આવી.
‘કેવી રીતે વ્યવસ્થા થશે?’ રવિએ પૂછ્યું.
‘પૈસા છે?’
‘હા, ક્રેડિટ કાર્ડ છે પપ્પાનું. ખર્ચો થાય તો વાંધો નથી. મમ્મી પપ્પા પણ ખુશ થશે.’ રવિને કોન્ફિડન્સથી કહ્યું.
‘ચાલ તો બેસી જા મારી બાઈક પર.’ પ્રકાશે જીન્સના ખિસ્સામાંથી બાઈકની ચાવી કાઢી.
થોડીવારમાં બંને બાઈક પર બજાર તરફ જઈ રહ્યા હતા.
રાત્રે સૌએ ભોજન સાથે કર્યું. શાલિનીનો ચેહરો હજી પણ ઉતારેલો હતો તે ઘરમાં સૌને દેખાતું હતું. તેના પપ્પા ઓફિસેથી ઘરે આવ્યા ત્યારે જ મમ્મીએ તેમને સમજાવી દીધેલું કે સવારે શું થયું છે એટલે તેમને પણ એ વાતનો ઉલ્લેખ ન કર્યો. નકામું દીકરીનું દિલ દુભાય એવું કોણ બાપ ઈચ્છે? અફસોસ તો સૌને થતો હતો પણ કોઈ ઉપાય નહોતો. રવિને મળેલો ઉપાય વિષે હજી ઘરમાં કોઈને ખબર નહોતી અને તે કહેવા પણ નહોતો માંગતો. તેને તો વિશ્વાસ હતો કે તે ટ્રીક કામ કરશે પરંતુ તેના અંગે સવારે જ વાત કરવી અને સરપ્રાઈઝ આપવી તેવો નિર્ણય તેને મનોમન કરેલો.
સવારે સૌ સમયસર ઉઠી ગયા હતા. બ્રેકફાસ્ટ માટે ટેબલ પર સૌ એકઠા થયા એટલે પોતાના કપમાં ચા ભરતા રવિએ કહ્યું, ‘આજે આપણી કોલોનીમાં સાઇકલિંગની રેલી નીકળવાની છે વૃક્ષ બચાવો અભિયાન માટે. ચાલો ચાલો જલ્દી નાસ્તો કરી લઈએ પછી જવું છે ને?’
‘રવિ…’ તેના પપ્પાએ ગુસ્સે થઈને રવીને અટકાવ્યો.
‘શું થયું પપ્પા? તમે નહિ આવો?’ રવિ નાદાની બતાવતા બોલ્યો.
‘ચૂપ. છાનોમાનો નાસ્તો કર અને નીકળ બહાર.’ તેના મમ્મીએ ઠપકો આપ્યો.
‘મમ્મી, તું પણ નહિ આવે? તો હું ને દીદી બંને જઈએ?’ રવિ ટીખળ કરી રહ્યો હતો પણ તેના મમ્મી પપ્પા બંને ગુસ્સાથી લાલચોળ થઇ ગયા હતા અને બહેનના ચેહરા પણ દુઃખના વાદળો ઘેરાઈ રહ્યા હતા તે રવિ જોઈ શક્યો.
‘તું તો આવીશને શાલિની?’ રવિએ બહેનને સંબોધીને કહ્યું.
‘શા માટે મારી મજાક ઉડાવે છે?’ કહેતા શાલિની ઉભી થઇ ગઈ.
‘અરે ક્યાં જાય છે? આવ પહેલા તારી સાઇકલ તો જોઈ લે પછી તૈયાર થવા જજે.’ રવિએ શાલિનીનો હાથ પકડ્યો.
શાલિનીના ચેહરા પર હવે દુઃખ કરતા વધારે અચરજ હતી કે તેનો ભાઈ શા માટે આટલો આગ્રહ કરી રહ્યો છે. તેને તકલીફ આપે તેવો નિર્દય તો તે નહોતો જ તેની તો શાલિનીને ખાતરી હતી. એ વાત તો તેના મમ્મી પપ્પા પણ માનતા હતા કે રવિને બહેન પ્રત્યે ખુબ લાગણી હતી. તેમને પણ લાગ્યું કે કઈંક તો સપ્રાઇઝ છે.
‘ચાલો તમે પણ બહાર.’ રવિએ શાલિનીનો હાથ પકડીને તેને દરવાજા તરફ ખેંચી અને મમ્મી પપ્પાને બહાર આવીને સાઇકલ જોવા કહ્યું. ચારેય જણા દરવાજાની બહાર આવ્યા ત્યાં પ્રકાશ સામે એક સાઇકલ લઈને ઉભો હતો.
‘જુઓ આ સાઇકલ. શાલિની ચલાવશે મારી સાથે.’ કહેતા રવિ સાઇકલ પાસે પહોંચ્યો.
તે સાઇકલમાં બે સીટ અને બે જણાને પેન્ડલ મારવાની સુવિધા હતી. હેન્ડલ માત્ર આગળ બેસનાર વ્યક્તિ જ સંભાળે પાછળની વ્યક્તિ પાસે હેન્ડલ માત્ર પકડવા માટે હતું. પાછળ બેસનારી વ્યક્તિ પણ પેન્ડલ તો મારે અને સાઇકલ ચલાવવામાં એટલો જ ભાગ ભજવે બસ માત્ર હેન્ડલ એક આગળ બેસેલી વ્યક્તિ જ પકડે. આ પ્રકારની સાઇકલ જોઈને મમ્મી પપ્પા બંને ખુશ થઇ ગયા.
‘આવ શાલિની. જો આ બે જણ ચલાવે તેવી સાઇકલ છે. આગળ રવિ ચલાવશે અને પાછળ તું બેસીને ચલાવજે. કોઈ ચિંતા જ નથી.’ મમ્મીએ ખુશ થતા શાલિનીને સમજાવ્યું.
એક કલાક પછી રવિ અને શાલિનીની સાઇકલ રેલીમાં સૌથી આગળ ચાલી રહી હતી.
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ ભારતીય હાઈ કમિશન, કેન્યામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)