લંડનઃ બ્રિટીશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે યુનાઈટેડ કિંગડમ(UK) અને ભારત વચ્ચે રોકાણ તેમજ આર્થિક વૃદ્ધિની તકો વધારવા માટે ભારતીય રોકાણકારો અને સી.ઈ.ઓ.નાં સાથે મીટિંગ કરી.આ અંગે એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું કે આ મુલાકાત G-20 ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના અનુસંધાનરૂપે કરવામાં આવી છે. G-20માં આર્થિક વૃદ્ધિ, સુરક્ષા અને સંરક્ષણ, ટેક્નોલોજી, આબોહવા, આરોગ્ય અને શિક્ષણ જેવાં ક્ષેત્રોમાં ભારતના સહયોગ માટેની તકો વિશે UKના મહત્વાકાંક્ષી વિઝન અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
બંને દેશો વચ્ચેનો કુલ વેપાર પહેલેથી જ £42 બિલિયનનો છે અને તે બંને અર્થતંત્રોમાં 6,00,000 નોકરીઓનું સર્જન કરી રહ્યું છે. UK અને ભારત એક વેપાર સોદા પર વાટાઘાટ કરી રહ્યા છે. જેથી આર્થિક વૃદ્ધિને વેગ આપી શકાય. આ પ્રસંગે વેપાર અને વાણિજ્ય પ્રધાન જોનાથન રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, “G-20માં વૈશ્વિક સ્તરે સૌથી વધુ જોડાયેલ અર્થતંત્રોમાંના એક તરીકે, UKએ ભારતીય વ્યવસાયોને આગળ વધવા માટે અજોડ તકો પ્રદાન કરી છે.”