નવી દિલ્હી: બ્રિટનના ઘણાં વિસ્તારોમાં છેલ્લાં એક સપ્તાહથી હિંસા ચાલી રહી છે. સાઉથપૉર્ટમાં આવેલાં એક ‘ડાન્સ ક્લાસ’માં એક કિશોરે ચાકુ વડે હુમલો કરતા અહીં ત્રણ બાળકીઓના મોત થયા. જેનાં પગલે કેટલીક અફવાઓ ફેલાઈ અને પછી હિંસા ફાટી નીકળી છે. પોલીસે હિંસાની અનેક ઘટનામાં ઓછામાં ઓછા 100 લોકોની ધરપકડ કરી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતાં લંડન સ્થિત ભારતીય હાઇ કમિશને યુ.કે. જતાં ભારતીયો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. ભારતથી આવતા પ્રવાસીઓને બ્રિટનની યાત્રા દરમિયાન સાવચેત રહેવા અને સાવધાની રાખવાની સલાહ આપી છે.
ગયા અઠવાડિયે સોમવારે સાંજે, લિવરપૂલ નજીક સાઉથપોર્ટમાં એક ડાન્સ ક્લાસમાં એક 17 વર્ષીય સગીરે ક્લાસમાં હાજર બાળકો પર ચાકુ વડે હુમલો કર્યો હતો. હુમલામાં 3 બાળકીઓના મોત થયા છે. આ સિવાય લગભગ 1 ડઝન લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ, ઓનલાઈન અફવા ફેલાઈ હતી કે ડાન્સ ક્લાસમાં છરીથી હુમલો કરનાર કિશોર મુસ્લિમ શરણાર્થી હતો. જેનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને મુસ્લિમ શરણાર્થીઓ પર હુમલાઓ થવા લાગ્યા. બ્રિટનમાં 18 વર્ષથી ઓછી ઉંમરના શકમંદોના નામ જાહેર કરવામાં આવતા નથી. પરંતુ આ કેસમાં કોર્ટે અલગ નિર્ણય લેવો પડ્યો. કોર્ટે વેલ્સમાં રવાન્ડામાં જન્મેલા એક્સેલ રૂડાકુબાનાની ઓળખ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો, જેથી અફવાઓ ફેલાતી અટકી જાય. પરંતુ અફવાઓ રોકાવાનું નામ નથી લઈ રહી અને આંદોલનો વધુ ઉગ્ર બની ગયા છે.