અમદાવાદ: ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ અને સામાજિક પરિવર્તનના પ્રખર હિમાયતી એવા નર્મદા લાભશંકર દવે ‘નર્મદ’ની યાદમાં 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ‘જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત…’ જેવા લોકપ્રિય કાવ્ય ગુજરાતી ભાષાને આપનાર અર્વાચીન ગુજરાતી કવિતાના આદ્ય કવિ એવા નર્મદાશંકર લાલશંકર દવેની આજે 191મી જન્મજયંતી છે. ભારતમાં ગુજરાતી ભાષા 6ઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે, જે દેશની કુલ વસ્તીના 4.5 ટકા થાય છે. 6 કરોડ લોકો દ્વારા બોલાતી ભાષા ગુજરાતી આજે વિશ્વ ફલક પર છે.વધતા જતા વૈશ્વિકરણ અને શિક્ષણના વધેલા વ્યાપને કારણે ગુજરાતમાં પણ અંગ્રેજીનું મહત્વ વધ્યું છે ત્યારે ગુજરાતી ભાષાના સમૃદ્ધ વારસાના જતન સાથે તેનો વ્યાપ વધારવા આજે વિશ્વ ગુજરાતી ભાષા દિને સૌ ગુજરાતીઓએ ભાષાની જાળવણી અને સંવર્ધન માટેનો સંકલ્પ લેવો અત્યંત આવશ્યક છે. ગુજરાતી ભાષા આ દિવસની ઉજવણીનો હેતુ કવિ નર્મદના અમૂલ્ય યોગદાનનું સ્મરણ કરવા ઉપરાંત ગુજરાતી ભાષાની સુંદરતાને વિશ્વફલકમાં ફેલાવવાનો પણ છે. સુરતમાં જન્મેલા કવિ નર્મદનું આયુષ્ય ભલે માત્ર 53 વર્ષનું રહ્યું, પરંતુ તેમણે ગુજરાતી ભાષાના સાહિત્યને નવી દિશા આપી હતી. 24 ઓગસ્ટ 1833માં જન્મેલા આ કવિએ ગુજરાતી ભાષાના લેખનનો પાયો નાખ્યો છે. નર્મદે લખેલી આત્મકથા ‘મારી હકીકત’ એ ગુજરાતી સાહિત્યની પહેલી આત્મકથા માનવામાં આવે છે.