નવી દિલ્હીઃ દિલ્હીની અનેક સ્કૂલોને ફરીથી બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે. આ ધમકી 40થી વધુ સ્કૂલોને મેઇલ દ્વારા આપવામાં આવી છે. આ ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ સવારે સ્કૂલોએ આવતા તમામ વિદ્યાર્થીઓને ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર વિભાગ તથા પોલીસની ટીમ શાળાઓમાં પહોંચી ગઈ છે અને સ્કૂલોમાં તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં વિસ્ફોટકની કોઈ પુષ્ટિ મળી નથી. આવા ધમકીભર્યા ઈમેલ કોણ કરી રહ્યું છે તેને લઈને પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ ઈમેલ મોકલનારાએ 30 હજાર ડોલરની માગ પણ કરી હતી. આ પહેલાં સ્કૂલ, હોસ્પિટલ અને પ્લેનમાં બોમ્બ હોવાના ઈમેલ મળ્યા હતા. મોટા ભાગે આ મેઇલ અને ફોન કોલ ખોટા સાબિત થયા છે, પણ સુરક્ષાને ધ્યાનમાં રાખતાં સાવધાની વર્તવામાં આવી છે.
દિલ્હીની બે અને હૈદરાબાદની એક સહિત દેશભરની અનેક CRPF શાળાઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકીઓ મળી હોવાના એક મહિના કરતાં વધુ સમય પછી આ તાજેતરની ઘટના બની છે. તામિલનાડુની એક CRPF શાળાને 21મી ઓક્ટોબરની રાત્રે ધમકી મળી હતી, ત્યાર બાદ દેશની તમામ સંલગ્ન શાળાઓને એલર્ટ કરવામાં આવી હતી. જોકે આ ધમકી પોકળ સાબિત થઈ હતી.
આ પહેલાં આ વર્ષના મે મહિનામાં કમસે કમ 60 સ્કૂલોને બોમ્બ હોવાની ધમકીભર્યા મેલ મળ્યા હતા.
40 delhi schools including dps gd goenka receive threatening emails
40 schools of Delhi received threatening mail