નવી દિલ્હીઃ અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ શેખર કુમાર યાદવે વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં વક્તવ્ય આપતાં કહ્યું હતું કે દેશ હિન્દુસ્તાનમાં રહેનારા બહુસંખ્યક લોકો (બહુમતી)ની ઇચ્છા મુજબ ચાલશે. જેથી વકીલ અને NGO કેમ્પેન ફોર જ્યુડિશિયલ અકાઉન્ટેબિલિટી એન્ડ રિફોર્મ્સના સંયોજક પ્રશાંત ભૂષણે દેશના CJI સંજીવ ખન્નાને એક પત્ર લખીને તેમની સામે વિભાગની તપાસ કરવાની અપીલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે કોર્ટે અલાહાબાદ હાઇકોર્ટના સીટિંગ જજ શેખર યાદવ દ્વારા આપવામાં આવેલા ભાષણ પર નોંધ લીધી છે અને આ મામલો વિચારાધીન છે.
સુપ્રીમ કોર્ટના વરીષ્ઠ વકીલ રિબિકા જોને કહ્યું હતું કે અલ્લાહાબાદ હાઇકોર્ટના જજ શેખર કુમાર યાદવ ન માત્ર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં હાજર રહ્યા સાથે જ તેમણે નફરતની નજીકનું ભાષણ પણ આપ્યું, જે તેમણે જજ તરીકે લીધેલા શપથનો ભંગ છે. સવાલ એ થાય છે સુપ્રીમ કોર્ટની કોલેજિયમે તેમનું નામ જજ તરીકે પસંદ જ કેમ કર્યું અને હવે તેમની સાથે શું કાર્યવાહી કરશે? તેમનું આ ભાષણ બંધારણ પર પ્રહાર છે. જજ શેખર યાદવે જે નિવેદન આપ્યું તે વિશ્વ હિન્દુ પરિષદની લીગલ સેલના કાર્યક્રમમાં આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અને આવુ ભાષણ આપવા બદલ જજની ટીકા કરવામાં આવી રહી છે.