અક્ષય જ્યારે કોલેજના ફર્સ્ટ યરમાં હતો ત્યારે જ એવું લાગતું કે તે ગ્રેજ્યુએટ થઇને જરૂર એક્ટર કે મોડેલ બનશે. તેનો દેખાવ ખૂબ જ આકર્ષક હતો. સિક્સ ફીટ હાઇટ, સશક્ત અને મેઇનટેઇન્ડ એવું સ્ટ્રક્ચર અને લંબગોળ ગોરા ચહેરા પર બ્રાઉન આંખો… કોઇ એકવાર તેને જુએ તો કદી ભૂલી ન શકે તેવું આકર્ષક વ્યક્તિત્વ.
સાથે સાથે સ્વભાવ પણ ખરા સોના જેવો. એકેડેમિક લેવલે પણ નંબર વન. સૌ ફ્રેન્ડ્સનો માનીતો અને કોલેજમાં દરેક પ્રોફેસર્સનો ચહીતો. રિયલ લાઇફ હીરો જ જોઇ લ્યો જાણે!
પણ આ જ અક્ષય હમણાં છેલ્લાં કેટલાક દિવસોથી વગર કારણે ગુસ્સે થઇ જતો હતો. સાથે સાથે થોડોક ચીડિયો પણ. બધા સાથે બોલવાનું ય જાણે ઓછું કરી નાખ્યું હતું.
એના મિત્રો રિતેશ અને જોગીન્દરે આ નોટીસ કર્યું અને તેને પૂછ્યું પણ ખરું, પણ તેણે વાત ઉડાડી દીધી. એના એક-બે પ્રોફેસરોએ પણ એ વાતની નોંધ લીધી કે તે હમણાં હમણાં ક્લાસમાં પણ ગેરહાજર રહેતો હતો.
એક સાંજે રિતેશે તેને દોડીને ક્યાંક જતાં જોયો. એનો પીછો કરતાં રિતેશે જોયું તો અક્ષય એક ફોરેનર જેવા હબસી યુવકની પાછળ કંઇક બોલતો બોલતો જઇ રહ્યો હતો. તે હબસી યુવકના હાથમાં થોડાં પેકેટ્સ હતાં જે તે વારેવારે અક્ષયને બતાવી “નો મની.. નથીંગ..” એવું બબડતો બબડતો આગળ ભાગી રહ્યો હતો. એની પાછળ ભાગતા અક્ષયે છેવટે એક જૂના બિલ્ડીંગ પાસે તેને પકડી હાથમાંથી પેકેટ્સ ઝૂંટવી લીધા.
રિતેશ સમજી જ ન શક્યો કે આ શું થઇ રહ્યું હતું! પણ એવામાં અક્ષયની નજર એના પર પડી એટલે ગભરાયેલા અવાજે તેણે રિતેશને પૂછ્યું, “રિતેશ? તું અહીં ક્યાંથી?” હજુ તો રિતેશ કાંઇક બોલે એ પહેલાં જ પેલા હબસી યુવકે પાછળથી જોરથી બૂમ પાડી કહ્યું, “રન.. ગો… પોલીસ ઇઝ કમીંગ…ગો!”
એવામાં પોલીસ આવી પહોંચી. જીપમાંથી ચાર પોલીસમેન ઊતરીને અક્ષય પાસે આવ્યા અને એના હાથમાં રહેલા પેકેટ્સને ઝૂંટવી લીધા. જાણે પેકેટ્સને સૂંઘવાનો પ્રયત્ન કરતાં હોય એમ ફેરવીને જોતાં જ કહ્યું, “આ તો હેરોઇન છે. તમારી પાસે ક્યાંથી?” પેલા હબસી યુવકે અક્ષય સામે આંગળી ચીંધતા પોલીસને કહ્યું કે આ માણસ ડ્રગ્સની હેરાફેરી કરે છે અને પોતાને જબરદસ્તીથી આપે છે!
પોલીસે ત્રણેયની ધરપકડ કરી પછી પૂછપરછમાં ડ્રગ્સની હેરફેર વિશે ઘણું જાણવા મળ્યું એમાં રિતેશને એ પણ જાણવા મળ્યું કે, અક્ષયની હાલત પણ ડ્રગ્સ લેવાથી બહુ જ ખરાબ થતી જતી હતી.
શું આ એ જ અક્ષય હતો?
રિતેશ અને જોગીન્દર તેને રીહેિલીટેશન સેન્ટરમાં લઇ ગયા. અક્ષય અહીં છએક મહિના સુધી રહ્યો. તેની સારવાર લેતી નર્સ પ્રીતિએ દિવસરાત એક કરી તેને આ રોગ અને ડિપ્રેશનમાંથી બહાર લાવી દીધો.
એક સાંજે પ્રીતિ તેને જમવાનું આપી રહી હતી ત્યારે રીતેશે અક્ષયને કહ્યું, “તું હવે ઓકે છે. કાલે હવે તને રજા આપશે એટલે લઇ જવા આવીશું.” આ સાંભળીને પ્રીતિની આંખો સજળ બની. કોઇ કંઇ સમજે એ પહેલાં તે દોડીને અંદર જતી રહી. અક્ષય કદાચ આ વાત સમજતો હતો, પણ તેના જેવા હવે રોગીષ્ઠ થઇ ગયેલા યુવક સાથે પ્રીતિ જેવી યુવતી…? કદાચ આક્ષય આ માટે તૈયાર નહોતો.
આ બાજુ અક્ષય અને પ્રીતિ વચ્ચેની કેમેસ્ટ્રી છેલ્લા કેટલાક સમયથી જોઇ રહેલા રિતેશે મનમાં કાંઇક નક્કી કર્યું અને પ્રીતિને બહાર બોલાવી. અક્ષયની હાજરીમાં જ તેણે પ્રીતિને સીધેસીધું પૂછયું, “અક્ષયને તો ડ્રગ્સની આદત હતી ને? હવે એની સાથે તને એક નવા ડ્રગની આદત લાગી, રાઇટ? યસ, લવ એ પણ લાઇફનું એક ડ્રગ જ તો છે!”
પ્રીતિ અને અક્ષય એકબીજાની સામે જોઇ રહ્યા. આ નશામાંથી જાણે છૂટકારો મેળવવાની એમની કોઇ ઇચ્છા નહોતી!
(અમદાવાદસ્થિત નૃતિ શાહ ઉગતી પેઢીની તેજસ્વી લેખિકા છે. કવિતાઓ અને વાર્તાઓ લખવા ઉપરાંત એ કમ્પોઝર, વોઇસ આર્ટીસ્ટ અને ગુજરાતી ફૂડ બ્લોગર તરીકે પણ કાર્યરત છે. કવિતા અને માઇક્રોફિક્શનના એમનાં બે પુસ્તકો પણ પ્રકાશિત થયા છે.)