કબીરવાણી: શું ત્યાગે તે સંત?

આશા તજિ માયા તજૈ,  મોહ તજે અરુ માન,

હરષ શોક નિંદા તજૈ, કહે કબીર સંત જાન.

 

શું છોડે તે સંત? કબીરજી આશા, માયા, મોહ, હર્ષ, શોક, માન અને નિંદાનો ત્યાગ કરવા કહે છે. આ વૃત્તિઓ એટલી સ્વભાવગત છે કે છૂટતી નથી. ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞનાં અને ભક્તનાં જે લક્ષણો વર્ણવ્યાં છે. તેમાં આ જ સંદેશો છે કે આશા અને માયા વચ્ચે સીધો સંબંધ છે. ભગવાન કૃષ્ણ મનની તમામ આશાઓ છોડવા કહે છે, કારણ કે આશાનું બીજ માયાના આવરણમાં ખૂબ ઝડપથી પાંગરે છે. માન – અભિમાન – અહં – ગર્વના કારણે મનુષ્ય અન્ય માટે ત્રાસદાયક બને છે. સાથે સાથે પોતાનો વિનાશ નોંતરે છે.

સુખ-દુઃખ મનમાં ન લાવવાની નરસૈયાની સલાહ સાચી છે. સુખ-દુ:ખનો ઘટનાક્રમ તો ચાલ્યા જ કરે. સાક્ષીભાવે ક્રર્મને કૃષ્ણાપર્ણ કરવાથી વિષાદનું નિવારણ થાય છે. પારકી પંચાત એ કુટેવ છે. તેમાં મળતો આનંદ વિકૃતિની નિશાની છે. સત માટે સૌ સરખા, સૌ સારા. આપ ભલા તો જગ ભલાના ન્યાયે નિજાનંદની મોજ માણવાની અવસ્થા તે જ સચ્ચિદાનંદ સ્વરૂપે જાણવું.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)