|
કબીર નાવ તો ઝાંઝરી, ભરી બિરાને ભાર, ખેવટ સૌ પરિચે નહીં, કયોંકર ઉતરે પાર. |
માનવીનું જીવન એષણાથી ભરેલું છે. પરંપરાગત રીતે ત્રણ પ્રકારની એષણા માનવી સહેલાઈથી છોડી શકતો નથી. આ
છે : (૧) વૈતેષણા – માનવીને ધન, સાધન, સામગ્રી જોઈએ છે. ભોગવિલાસ અને ઇન્દ્રિયોની વૃત્તિ સંતોષવા માટે તેની કામના રહે છે. (૨) પુત્રેષણા – માનવીને પરિવાર, પુત્ર, પુત્રી, સંબંધીઓ મિત્રોની માયા રહે છે. તેના માટે સંચય કરવાની વૃત્તિ થાય છે. વ્યક્તિનું જીવન મર્યાદિત છે પણ છોકરાનાં છોકરાં ખાય તેટલું એકઠું કરવાની લાલસા છે. (૩) લોકેષણા માણસને પ્રસિદ્ધિ ગમે છે.
સમાજમાં માન-પાન મળે તો અહમ્ સંતોષાય છે. આવી ત્રિવિધ એષણાનો ભાર કાણાવાળી, જર્જરિત નાવમાં ઠાંસી ઠાંસીને ભરીએ છીએ. બુદ્ધિથી સદ્માર્ગ શોધતા નથી. પ્રજ્ઞારૂપી નાવિકને ભવસાગરની આંટીઘૂંટી સમજવાનો અવસર આપ્યો નથી.

રામાયણનો કેવટનો પ્રસંગ લોકગીતમાં ગાતા કવિ કાગ કેવટના મુખમાં શબ્દો મૂકે છે – “ખારવો ખારવાની ન લે ઉતરાઈ, આપણે બે ધંધા ભાઈજી રે!” એક નાવિક ગંગા પાર કરાવે છે તો પ્રભુ તો ભવસાગર પાર ઉતારે છે. આ દેશમાં સાચો ભક્ત ભગવાનને સ્વજન માને છે તે આપણી સંસ્કૃતિની અનુપમ દેન છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)




