આંખો દેખા ઘી ભલા, ના મુખ મેલા તેલ, સાધુ સો ઝઘડા ભલા, ના સાકટ સોં મેલ. |
સત્યમ્, શિવમ્, સુંદરમ્ એ ઈશ્વરની ત્રિ-પરિમાણ કલ્પના છે. ઈશ્વરની ઉપાસના કરવામાં આ ત્રણ વિચારો આપણી દાર્શનિક ચિંતનની ઊંચાઈ દર્શાવે છે. કબીરજી માર્મિક રીતે કહે છે કે, ઘી જોવાથી જ આપણને સંતોષ થાય છે. તેની સુગંધ, સ્વાદ અને ગુણોનો ખ્યાલ હોય તો ઘીનું દર્શન કરતાં આંખો આનંદ અનુભવે છે. તેલ ઘીનો પર્યાય ગણી વપરાય છે તો પણ તેને ચાખવાથી આપણને આસ્વાદની ખુશી મળતી નથી. આ જ રીતે સારા માણસ સાથે મતભેદ કે તકરાર થાય તો પણ તેમાં જોખમ નથી, અન્યાય થવાનો સંભવ નથી.
સાધુ પ્રકૃતિથી સહનશીલ, દયાળુ અને સત્યપ્રેમી હોય છે. દુર્જન સાથે સારો મેળ પડે તો પણ તેનો સંગ ક્યારેક ગંભીર સમસ્યા બને છે. જે વ્યક્તિનો સ્વભાવ દુષ્ટ હોય તેના પર ભરોસો ન જ થાય. વિશ્વાસ વિનાનો સંબંધ ક્યારે દગો દે તે કહી ન શકાય. ‘સાકટ’ કે જે અજ્ઞાની છે, શઠ વૃત્તિ ધરાવે છે, ઈશ્વરથી વિમુખ છે તેમનો સંગ તજીને ભક્તિમય જીવન સુખ માટે આવશ્યક છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)