સુખ દૈવે દુખ કો, હરે દૂર કરે અપરાધ, કહે કબીર વહ કબ મિલે, પરમ સ્નેહી સાધ. |
સુખ અને દુઃખના મણકાઓ જોડાઈને જીવનની સાંકળ બની છે. આપણો સ્વભાવ સુખ મેળવવાનો અને દુઃખ નિવારવાનો છે. જાણીતા અંગ્રેજ ફિલસૂફ બેન્થામે તો જે સુખ વધારે તે પુણ્ય અને જે દુ:ખ વધારે તે પાપ તેવું સમીકરણ આપ્યું હતું. તેના મતે અપરાધીને પણ શારીરિક સજા ન કરવી કે મૃત્યુદંડ ન આપવો જોઈએ. કારણ કે માણસ તરીકે અન્યને પીડા આપવાનો આપણને નૈતિક અધિકાર નથી.
આપણા શાસ્ત્રોએ પણ ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’ કહીને દોષ દરગુજર કરવાની મહત્તા દર્શાવી છે. કબીરજી કહે છે કે, સુખ આપે, દુઃખ હરે અને અપરાધોનું પાપ માફ કરે તેવા પરમ સ્નેહી સાધુનું મિલન થાય તો કેટલો મોટો લાભ થાય?
સાધુ માટે જે પરમ સ્નેહી વિશેષણ વાપર્યું છે તે સૂચક છે. દ્વેષ, હિંસા, ઈર્ષા અને સ્વાર્થ સ્નેહનો નાશ કરે છે. સાધુ આ ચાર દોષથી પર હોય તેને સમગ્ર સૃષ્ટિ માટે પ્રેમ હોય છે. આ વિચાર ત્યારે જ દૃઢીભૂત થાય છે જ્યારે વ્યક્તિમાં અદ્વૈતની ભાવના સ્થિત થાય છે. ઈશુ અને મહંમદ પયગંબર સાહેબના ઉપદેશમાં પણ જગત પ્રત્યે ભાતૃભાવ-પ્રેમ રાખવાની વાત કેન્દ્રસ્થાને છે.
પ્રવિણ લહેરી કબીરવાણી
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
