કબીરવાણી: વૈરાગ્યની સાચી કસોટી

 

આઠ પ્રહર ચોસઠ ઘડી, લાગી રહે અનુરાગ,

હિરદે, પલક ન બીસરે, તબ સાચા વૈરાગ.

 

સમય બદલાયો છે, સમયનું માપ પણ બદલાયું છે. ભારતીય ગણતરી મુજબ વિપળ-પળ-ઘડી અને પ્રહરમાં દિવસ-રાતનું વિભાજન કર્યું હતું. આઠ પ્રહર અને ચોસઠ ઘડી 8 X 64 = 512 ઘડીનો દિવસ ગણ્યો હતો.

કબીરજી આ સમગ્ર સમયના ઈશ્વરભજનમાં લાગી રહે અને આંખની પલક ખલ-બંધ થાય તેટલા સમય માટે પણ પ્રભુનું વિસ્મરણ ન થાય તેને સાચા વૈરાગ્યની નિશાની ગણે છે. સાક્ષાત્કારની અવસ્થામાં આવી એકાગ્રતા જરૂરી છે. મનના તરંગોને નાથવાનું કામ સહેલું નથી.

આજના યુગમાં દરેક કામ ઝડપી અને ટૂંકા રસ્તે પતાવવાની વૃત્તિ છે ત્યારે પ્રભુદર્શન પણ તત્કાળ કેમ થાય તેની ચાવીઓ શોધ્યાનો દાવો અનેક સંતો – સ્વામીઓ કરે છે. આ સાખી તેવો દાવો કર્યા વિના ધ્યાનથી એકાગ્રતા કેળવવા અનુરોધ કરે છે.

વૈરાગીને પળભર પણ મોહ થતો નથી. તેને તો બાલાશંકર કંથારીઆની ગઝલ મુજબ “જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે”ના ન્યાયે તે બાદા સ્થિતિનો નહીં પણ આંતરખોજનો વિચાર કરે છે. આત્મ-નિરીક્ષણ દ્વારા પોતાની મર્યાદા સમજે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)