|
કબીર થોડા જીવના, માઢૈ બહુત બઢાન, સબહી ઊભા પંથ સિર, રાવ રંક સુલતાન. |
કાળની ગતિ સતત છે. તેને કોઈ રોકી શકતું નથી. જન્મ અને મરણ વચ્ચેનો ગાળો એટલે આપણું જીવન. અલ્પ હોય કે
દીર્ઘ, આપણી ઇચ્છાઓની યાદી પૂર્ણ થાય તે પહેલાં જ તે આપણા દ્વારે દસ્તક દઈ દે છે. આથી જ કબીરજી જીવનનું માપ થોડા કે વધારે હોવામાં નથી કરતા. મનસૂબાઓના ભાર હેઠળ માણસ ઇચ્છાપૂર્તિ માટે ઝઝૂમે છે. સફળતા પછી પણ કરવાનાં કામોની યાદીનો ક્યાં અંત આવે છે?
અંગ્રેજીમાં કહેવત છે કે, મૃત્યુ સૌને સમાનતા બક્ષે છે. કબીરજી પરલોકની ચિંતા કરનાર અવ્યવહારુ નથી. તેઓ કહે છે — “આપ મૂઆ પીછે ડૂબ ગઈ દુનિયા.” વ્યક્તિ તવંગર હોય કે નિર્ધન, સત્તાધીશ હોય કે વંચિત — મૃત્યુ પામતાં સૌની સ્થિતિ સમાન બની જાય છે. કશું લઈને આવતા નથી અને કશું લઈને જતા નથી. આ માર્ગ પર સૌ પ્રતીક્ષા કરે છે.

સામાન્ય રીતે ભયજનક ચિંતા, દુઃખ અને અસંતોષની આગમાં શેકાતો જીવ શિવમાં શ્રદ્ધા રાખવાના બદલે ભાતભાતના ઉધામા કર્યા કરે છે. કબીરજી જીવનને નિરર્થક રીતે ગુમાવવાને બદલે તેને સાર્થક બનાવવા માટે જાગૃત રહેવાનો આગ્રહ કરે છે. સંસારની માયાનું આવરણ સાચી સમજણથી જ દૂર થાય છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)




