|
રામ લિયા જિન સબ લિયા, સબ શાસ્ત્ર કો ભેદ, બિના રામ નરકે ગયે, પઢિ ગુનિ ચારો વેદ. |
માનવીની અંતરની ઇચ્છા એ છે કે, સંસારનાં તમામ સુખો ભોગવું અને
સાથે સાથે સ્વર્ગનો વૈભવ પણ પ્રાપ્ત કરું. ભક્તિયુગમાં રામનામનો જાપ કરવાથી અનેક લોકોએ અંધકાર અને નિરાશાના વાતાવરણમાં આધાર અને પ્રકાશ મેળવ્યા હતા તેવા યુગમાં કબીરજી કહે છે કે, જેમણે રામને મેળવી લીધા છે તેને સર્વની પ્રાપ્તિ થઈ છે.
ગાંધીજીએ ‘રામનામ’ની પુસ્તિકામાં લખ્યા મુજબ આ રામ કોઈ રાજાનું નામ જ નથી પણ સકળ બ્રહ્માંડમાં રહેલા એકમાત્ર સત્યનો પર્યાય છે. રામનામની શક્તિ અજોડ છે. આમાં જેની એકાગ્રતા થાય છે તેને સમગ્ર વિશ્વમાં એક જ ચેતનાનાં દર્શન થાય છે.

વેદનાં અટપટાં વાક્યોથી સૃષ્ટિનો જે ભેદ સમજાતો નથી તે માટે તો એકાગ્રતાથી જાપ કરી સર્વવ્યાપ્ત ઈશ્વરરૂપી દર્શન કરવું જોઈએ. જે દુન્વયી વિચારોમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કે તત્ત્વ અંગે ભેદ અનુભવે છે તેને શાસ્ત્રનું જ્ઞાન મુક્તિ માટે મદદરૂપ થતું નથી.
વેદાંતના સારરૂપ, ભક્તિમાર્ગના આધારરૂપ અને સરળ કામ રામનામના જાપમાં મનને એકાગ્ર કરવાનું છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)




