જરૂર છે એક કૃષ્ણની

અર્જુન સર્વશ્રેષ્ઠ ધનુર્ધર છે એ તો આપણે બધા જાણીએ જ છે પરંતુ તે પણ કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના સ્વજનોને જોઈને હતાશ, નિરાશ થઈ જાય છે અને યુદ્ધ લડવાની ના પાડી દે એવું બને ખરું! તો ચાલો, આજે થોડી આડ વાત કરીએ.

શું આ અર્જુન જે હતાશા, નિરાશા અનુભવે છે તે માત્ર મહાભારતકાળમાં હતો તેવું છે? ના, આજની દુનિયામાં હજારો ‘અર્જુન’ છે, જે હતાશા-નિરાશા જેને હવે આપણે ડિપ્રેશન તરીકે ઓળખીએ છીએ તેનો અનુભવ કરી રહ્યા છે. આજે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં ડિપ્રેશનના કુલ દર્દીઓમાં ૨૫ વર્ષથી નીચેની વયજૂથના ૭૫% દર્દીઓ અને ૧૪ વર્ષની નીચેની વયજૂથના ૫૦% છે. આ આંકડો તો ચોંકાવનારો લાગે છે. ૧૪ વર્ષથી નીચેની વયજૂથમાં આટેલું બધું ડિપ્રેશન? હા, ૧૪ વર્ષથી નીચેની વયજૂથના બાળક સતત ડિપ્રેશનમાં જીવે છે. આજના યુવાધનને અલગ-અલગ પ્રકારનું ડિપ્રેશન રહે છે. કોઈને નોકરીનું ટેન્શન તો કોઈને ભણતરનું ટેન્શન, તો કોઈને કરિયરનું ટેન્શન. તે સતત ડિપ્રેશનના ભાર નીચે દબાઈ જાય છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં આજનો યુવાન અન-સોશિયલ બની ગયો છે, તે પરિવારથી વિખૂટો પડી ગયો છે.

પરિવારમાં પણ હવે તો વાતચીતનું સ્થાન મેસેજે લઈ લીધું છે. આજની મોડર્ન લાઈફસ્ટાઈલના ચક્કરમાં પરિવારો તૂટી રહ્યા છે. માતાપિતા પોતાની નોકરીમાં કે પોતાના કામમાં વ્યસ્ત હોય છે. બાળક પોતાના અનસોશિયલ એવાં ‘સોશિયલ’ મીડિયામાં વ્યસ્ત હોય છે તેથી પરિવારના સભ્યો વચ્ચેનો સંપર્ક સાવ છૂટી ગયો છે. આજનો યુવાન સોશિયલ મીડિયામાં મિલિયન્સ ફ્રેન્ડસ બનાવી ખુશ થાય છે. તેને જ તે પોતાનું achievement ગણે છે પરંતુ સાચેમાં તેની પાસે એક પણ મિત્ર નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાનો વર્તારો છે, ‘હવે પછીના સમયમાં વધુ ને વધુ માણસો જીવનપદ્ધતિના રોગોથી મરશે.’ આજે મૃત્યુનું પહેલા નંબરનું કારણ હૃદયરોગ છે. ખૂબ નાની ઉંમરે પણ હવે હૃદયરોગ થાય છે. તે ઉપરાંત ડાયાબિટીસ, બ્લડપ્રેશર, અનિદ્રા વગેરે તો ખરા જ. આ માટે જીવનપદ્ધતિ બદલવી પડે. પણ.. એના ઉપાય બાબતે સલાહ કોણ આપે? જીવનના આ મહાભારતમાં આજનો અર્જુન હતાશ છે. જરૂર છે એને જીવનપદ્ધતિના આ રોગોથી બચાવી શકે અને જીવનનું યુદ્ધ જિતાડી શકે એવા એક કૃષ્ણની અને એ કૃષ્ણ સાચી સમજદારીથી પોતાની અંદર જ સ્થાપિત કરવા પડશે, બહારથી નહીં આવે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)