મલ્ટીટાસ્કિંગ એટલે અનેક કાર્યો એક સાથે કરવા તે. કેટલાક કોર્પોરેટ નિષ્ણાતો મલ્ટીટાસ્કિંગને મેનેજમેન્ટ મંત્ર માને છે. અને સાચે જ આ મેનેજમેન્ટ મંત્ર આત્મસાત કરનારા, અસાધારણ ક્ષમતાઓ અને શ્રેષ્ઠ સમય વ્યવસ્થાપન ધરાવતા મેનેજરો જ આ ટેકનીકનો ઉપયોગ કરી સફળતા મેળવી શકે છે.
કોઈપણ કંપની હોય કે ઓર્ગેનાઈઝેશન, ટોચ પર બેઠેલા વ્યક્તિએ એકસાથે ઘણી બધી જગ્યાએ પોતાની નજર રાખવી પડે છે. જેમકે, સ્ટાફ મેનેજમેન્ટ, નવી પ્રોડક્ટ લોન્ચ કરવા માટે માર્કેટ એનાલિસીસ, કોસ્ટિંગ,અકાઉન્ટિંગ વગેરે… જોકે, મોટા ઓર્ગેનાઈઝેશનમાં દરેક વિભાગ માટે અલગ-અલગ હેડ હોય છે પરંતુ છેલ્લે તો એ ડિપાર્ટમેન્ટલ હેડ પર પણ ટોચના વ્યક્તિનું જ નિયંત્રણ હોય છે ને…એટલે ટોચનો વ્યક્તિ એક સાથે ઘણી બધી જવાબદારી સાચવી શકે એવો હોવો જોઈએ.
આજકાલ ક્રિકેટની સિઝન ચાલે છે,એમાં પણ બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેયમાં જે વત્તે-ઓછે અંશે માહિર હોય એને ઓલરાઉન્ડર કહેવાય છે. દરેક ટીમમાં વખત આવે બોલિંગ કરે, વખત આવે ઝડપથી રન ઝૂડી કાઢે અને ફીલ્ડીંગ પણ ચુસ્ત હોય એને ઓલરાઉન્ડર કહેવાય છે. કોર્પોરેટ ક્ષેત્રમાં પણ જરૂર પડે ગમે તે જવાબદારી નિભાવી શકે તેવા ઓલરાઉન્ડર ની જરૂર પડે છે.
અહીં, મલ્ટીટાસ્કિંગ-ઓલરાઉન્ડરની વાત આવે ત્યાં વાંસળી અને સુદર્શન ચક્ર (જે બંનેની પ્રકૃતિ તદ્દન વિરોધાભાસી છે) ધારણ કરતા શ્રીકૃષ્ણનું ચિત્ર નજર સમક્ષ ઉભું થાય છે. પ્રાચીન કથાઓ મુજબ તેમણે તેમના મનુષ્ય અવતારમાં કેટલાય કામ એકસાથે હસતા મોઢે કર્યા છે. એ પછી રાક્ષસ-અસુરોનો નાશ કરવાનો હોય કે પછી મથુરામાં ન્યાયી રાજ્યનું પુન:નિર્માણ કરવાનું હોય, દ્વારકા નગરી વસાવવાની હોય, પ્રેમ-ધર્મનો પ્રચાર કરવાનો હોય, મધ્યસ્થી બનવાનું હોય, યુદ્ધનું આયોજન કરવાનું હોય કે પછી માર્ગદર્શન આપવાનું.
આ બધા જ કાર્યો એમને કુશળતાપૂર્વક પોતાની બુદ્ધિશક્તિથી એકસાથે કર્યા છે, અને બધામાં જ તેઓ ખરા ઉતાર્યા પણ છે. તેથી જ તો આપણે બધા આજે પણ એમને શ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરુ તરીકે ઓળખીએ છીએ. ખરું ને?
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
