આજે જગતમાં નાનાં-મોટા યુદ્ધો સતત ચાલ્યા કરે છે. એકબાજુ રશિયા સામે યુક્રેનનું યુદ્ધ છે. બીજી બાજુ હમાસ અને ઈઝરાયેલ. આ બંનેમાંથી કોઈ ચિનગારી ઊઠશે તો મહાભારત એટલે કે વિશ્વયુદ્ધનો ભડકો થતા વાર લાગે તેવું નથી. યુદ્ધ હંમેશા બરબાદી લાવે છે. એક સમયે અમેરિકાએ જેને નીચે પછાડયું હતું તે વિયેતનામ આજે શાંતિના માર્ગે સરસ પ્રગતિ કરી રહ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણ યુગપુરુષ તો છે જ પણ મુત્સદ્દી પણ છે. કુશળ મુત્સદ્દી કેવો હોવો જોઈએ?
આજની અંગ્રેજી ભાષામાં જેને મિડિએટર કહેવાય છે તેનું પણ મહત્ત્વ છે. અહીં મિડિએટર એટલે બંને વચ્ચે વાતચીત કરીને સમાધાન કરાવનાર મિડિએટર કુશાગ્ર બુદ્ધિવાળો હોવો જોઈએ. તેને બંને પક્ષની દલીલો, બંને પક્ષની સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ બધા વિશેની બરાબર જાણકારી હોવી જોઈએ. તો જ તે કોઈ પણ સમસ્યાનો સારી રીતે હલ લાવી શકે છે. વહીવટમાં તો મિડિએટરના રોલની ખૂબ જરૂર હોય છે. તે જ કોઈપણ વહીવટકર્તા કે લીડર પોતાનું કામ સુપેરે કરી શકે. સારો મિડિએટર જ સારો લીડર બની શકે છે.
આપણે આપણા ઈતિહાસને એકવાર ઝાંખીને જોઈએ સાચા લીડર તરીકે આપણા રાષ્ટ્રપિતાની છબી આપણી નજર સમક્ષ ઉપસી આવે છે. તેઓ મહાન લિડર બની શક્યા. ભારતને આઝાદી અપાવી શક્યા અને હા, તે પણ અહિંસાના માર્ગે ચાલીને. આ કેવી રીતે શક્ય બન્યું?
આ શક્ય બન્યું ગાંધીજીની મુત્સદ્દીગીરીના કારણે. ગાંધીજી જ્યારે પણ ભારતીય પ્રજા અને અંગ્રેજો વચ્ચે કોઈપણ વિવાદ થાય તો તેનો શાંતિપૂર્વક રીતે બંનેની દલીલો સાંભળી સમાધાન કરતા હતા. તે પછી પૂના પેકટ હોય કે ગાંધી-ઈરવીન, સમજો તો શ્રીકૃષ્ણ આ યુદ્ધને ટાળવા માટે આખરી પ્રયત્નરૂપે સ્વયં તરીકે કૌરવોની સભામાં જાય છે અને વિનમ્રતાપૂર્વક કહે છે. છેવટે કાંઈ નહીં તો માત્ર પાંચ ગામડા તો આપો, તેઓ પાંડવોને મનાવી લેશે. પરંતુ યુદ્ધના ઉન્માદથી ગાંડા બનેલા દુર્યોધનનો જવાબ આ મુજબ હતોઃ ‘પાંચ ગામડાં તો શું સોયના ટોચકા પર આવે તેટલી જમીન પણ નહીં આપીએ.’
ત્યાં જ શાંતિની દરખાસ્ત રોળાઈ જાય છે. એક વસ્તુ શીખવા મળે છે કે આપણા દુશ્મનને પણ એકવાર યોગ્ય તક આપવી જોઈએ. ચાણક્ય કહે છે કે, ‘તમારા દુશ્મન પાસેથી આશા કદી ના છીનવી લેશો. જ્યારે દુશ્મનની આખરી આશા છીનવાય છે ત્યારે તે મરણિયો બને છે.’
શ્રીકૃષ્ણ તો સ્વયં ભગવાન હતા. તેમને ખબર હતી કે દુર્યોધન નહીં જ માને અને આ મહાસંગ્રામ તો થશે જ. પરંતુ આ મહાસંગ્રામનો દોષ પોતાના પર તેમજ પાંડવો પર ન લાગે તે માટે પોતે દ્વારકાના મહારાજા, કોઈપણ અભિમાન વગર હસ્તીનાપુર જાય છે. પરંતુ શ્રીકૃષ્ણની શાંતિ માટેની આખરી કોશિશ પણ નિષ્ફળ જાય છે અને સર્જાય છે મહાભારત.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)