એકલો જાને રે!

શ્રીમદ્ ભગવદ્ ગીતાના પહેલા જ અધ્યાયનું નામ છેઃ અર્જુન વિષાદ યોગ. મૂળતઃ આ અધ્યાય અર્જુનની હતાશા એટલે કે ડિપ્રેશનનું વર્ણન કરે છે. જીવનસંગ્રામમાં આપણે તો સતત લડતા રહેવાનું છે. અર્જુન પણ આપણે છીએ અને શ્રીકૃષ્ણ પણ આપણે છીએ અને ત્યારે હતાશાની આ ક્ષણોમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરને આપણે આપણા સારથી બનાવવાના છે. ગુરુદેવ કહે છે,

તારી જો હાક સૂણી કોઈ ના આવે, તો એકલો જાને રે!

એકલો જાને, એકલો જાને, એકલો જાને રે!

……અને આવા સમયે હકારાત્મક વિચારો તમને નિરાશામાંથી બહાર લાવવાનું મોટું કામ કરે છે. યુદ્ધમાં પોતાના સ્વજનોને મારીને કોઈ કલ્યાણ નહીં જોનાર અર્જુન શ્રીકૃષ્ણને ચોખ્ખું સંભળાવી દે છે કે, ‘આ પૃથ્વીના રાજ્ય માટે તો ઠીક પણ ત્રણેય લોકનું રાજ મને મળે તો પણ હું આ લોકોને નહીં મારું.’

અર્જુન ધનુષ્યબાણ ત્યજીને રથની પાછલી બેઠક પર બેસી જાય છે. (અધ્યાયઃ ૧, શ્લોક-૪૭) અને ત્યારે શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને પોતાના વિરાટસ્વરૂપનું દર્શન કરાવે છે અને સમજાવે છે કે, ‘આ બધા જ મોતનો કોળિયો બનીને સ્વાહા થઈ જવાના છે. તું એમને મારે કે ન મારે તેનાથી કોઈ ફરક પડવાનો નથી અને એટલે આ નપુંસકપણું છોડી ઊભો થા અને યુદ્ધ કર.’

આપણે આપણું યુદ્ધ જાતે જ લડવાનું છે ત્યારે એ યુદ્ધના મેદાનમાં કોઈ કૃષ્ણ આપણને દોરવા નથી આવવાના પણ આવી કટોકટીની પળે તમને તટસ્થ અને સક્ષમ માર્ગદર્શન આપી શકે એ જ તમારો કૃષ્ણ છે અને કૃષ્ણ હંમેશાં તમને સારું લાગે તેવુ જ નહીં કહે, એટલે જ કદાચ કહ્યું છે કે, (વિશાળ અર્થમાં લઈએ તો) કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ કરનાર વ્યક્તિએ પોતાની આજુબાજુ સાચું પણ કડવું કહેનાર વ્યક્તિ/વ્યક્તિઓ રાખવા જોઈએ.

દુર્યોધનની આજુબાજુ ચાપલૂસોનો એક મોટો વર્ગ ઊભો થયો હતો જે એના અભિમાનને પોષતો એટલે જ એનો વિનાશ થયો.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)