બેંગાલુરૂ: આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિ શંકર 21મી ડિસેમ્બરના રોજ એક લાઈવ વિશ્વ ધ્યાન સત્રનું માર્ગદર્શન કરશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21મી ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે જાહેર કરવાના પ્રસ્તાવને સર્વાનુમતે સ્વીકાર કર્યો છે. ત્યાર બાદ આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક ઘટના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટેના ધ્યાનના પરિવર્તનકારી લાભો તેમજ શાંતિ અને એકતાને પ્રોત્સાહન આપવાની તેની ક્ષમતાની ઓળખાણ કરાવે છે.ન્યૂયોર્કમાં સંયુક્તરાષ્ટ્ર ખાતે ભારતનું સ્થાયી સમૂહ 21 ડિસેમ્બર, 2024ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે પ્રથમ વખત વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં આ યાદગાર કાર્યક્રમમાં શ્રી શ્રી રવિ શંકરનું પ્રવચન આકર્ષણનું કેન્દ્ર રહેશે. આ મહત્વપૂર્ણ અવસર, “વૈશ્વિક શાંતિ અને સંવાદિતા માટે ધ્યાન” વિષય પર, પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરશે.
શ્રી શ્રી રવિ શંકરએ આ પ્રસંગે જણાવ્યું કે “સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ધ્યાનની માન્યતા એ એક ગહન અને મહત્વપૂર્ણ પગલું છે. ધ્યાન આત્માને પોષણ આપે છે, મનને શાંતિ આપે છે અને આધુનિક પડકારોનું નિરાકરણ લાવે છે.”
વિશ્વ ધ્યાન દિવસ મહત્વપૂર્ણ કેમ છે?
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા વિશ્વ ધ્યાન દિવસને સર્વસંમતિથી અપનાવવો એ ધ્યાનની સંભવિતતાની સ્વીકૃતિ છે. જે આધુનિક જીવનના પડકારો જેવાકે – તણાવ અને હિંસાથી લઈને સમાજમાં વિશ્વાસ અને સંબંધોમાં સામંજસ્યના ધોવાણનો સામનો કરવાની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે. શ્રી શ્રી રવિ શંકરે 180 દેશોમાં ધ્યાનના ફાયદા ફેલાવવા માટે 43 વર્ષ સમર્પિત કર્યા છે. તેઓ માને છે કે ધ્યાન માનસિક સ્પષ્ટતા, ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા અને સામાજિક સંવાદિતા વિકસાવવાનું સૌથી અસરકારક માધ્યમ છે.