તૃષ્ણા, બે ભાઈઓની લાડકી બહેન, સુંદર અને ઉચ્ચ શિક્ષિત, કો-ઓપરેટિવ બેંકમાં મેનેજર તરીકે કામ કરતી. મિત્રોનું વિશાળ વર્તુળ હોવા છતાં, લગ્ન પ્રત્યે એને કોઈ રસ નહોતો. એ લગ્નને બંધન માનતી એકલું, મનગમતું જીવન જીવવાનું પસંદ કરતી. ભાઈઓના લગ્ન બાદ માતા-પિતાએ એને ઘણી વખત સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તૃષ્ણા ટસથી મસ ન થઈ.
40 વર્ષની ઉંમરે, પિતાના અવસાન બાદ, તૃષ્ણા માતા સાથે એકલી રહેતી. ભાઈઓ અને મિત્રો પોતાના જીવનમાં વ્યસ્ત થતાં, એને એકલતા ડંખવા લાગી. એનો સ્વભાવ જીદ્દી અને રૂઢ બન્યો. ઓફિસમાં કર્મચારીઓ સાથે ઉદ્ધત વર્તન, પુરુષો પ્રત્યે કારણ વગરની નફરત અને સ્ત્રીઓ પ્રત્યે ઈર્ષ્યા એને અંદરથી તોડી રહી હતી. ઝગડાખોર વૃત્તિથી ભાઈ-ભાભી અને મિત્રો સાથે સંબંધો પણ બગડ્યા.
માતા વારંવાર સમજાવતી કે સ્વભાવ બદલ, નહીં તો એકલી પડી જઇશ. પરંતુ તૃષ્ણાને ગુસ્સો, અભિમાન અને બીજાને નીચા દેખાડવાની વૃત્તિએ એને પોતાના પરિવાર અને સમાજથી દૂર કરી. પૈસો અને રૂતબો હોવા છતાં, એને સમ્માન ન મળ્યું, એ પોતાની તકલીફો માટે બીજાને દોષ આપવા લાગી.સવાલ એ થાય કે શું ખરેખર તૃષ્ણા જેવી મહિલાની એકલતા માટે સમાજ, પરિવાર કે મિત્રો જવાબદાર ખરા?
એકલ સ્ત્રીઓનો મનોભાવ અને સમાજની નજર
આજના સમયમાં ઘણી સ્ત્રીઓ પોતાના નિર્ણયથી એકલી રહેવાનું પસંદ કરે છે અથવા તો પરિસ્થિતિને કારણે છૂટાછેડા બાદ નવી રીતે જીવન જીવતી હોય છે. આ પરિસ્થિતિમાં એમનો મનોભાવ ઘણી વખત જટિલ બની જાય છે. એક બાજુ તેઓ સ્વતંત્રતા અને આત્મનિર્ભરતા અનુભવે છે, તો બીજી બાજુ અલગાવ અને અનિશ્ચિતતાનો સામનો પણ કરે છે. સમાજની નજરે તેઓ ઘણીવાર અન્ય માનવામાં આવે છે, જેના કારણે એમને પોતાની ઓળખ સાબિત કરવાની તાકાતથી વધારે મહેનત કરવી પડે છે. આ સતત દબાણ માનસિક આરોગ્ય પર અસર કરે છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પ્રોફેસર ડો. સપના દેસાઈ કહે છે કે “ઘણી વાર આવી સ્ત્રીઓ ડિપ્રેશન, ઇર્ષ્યા અથવા અતિશય આકાંક્ષા તરફ ધકેલાય છે. કેટલીક વખતે તેઓ પોતાના લક્ષ્યમાં એટલા તન્મય થઈ જાય છે કે આસપાસના લોકોની જવાબદારીઓ અથવા સમાજના નિયમોને સમજવામાં મુશ્કેલી અનુભવતા હોય છે. એમનું વર્તન ક્યારેક અણધાર્યું લાગે છે, જેના કારણે સંબંધોમાં અંતર આવી શકે છે. સ્ત્રીઓએ પોતે પણ આંતરિક સંતુલન જાળવવા, સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવા અને માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા પ્રયત્ન કરવો જોઈએ.”
પોતાની એકલતાનો બોજ બીજા પર ન નાંખવો જોઈએ
મહિલા એકલી રહે છે એના માટે ઘણીવાર એ પોતાની આસપાસના લોકો કે સંજોગોને જવાબદાર ઠેરવે છે, પરંતુ આ વલણ એના માનસિક અને ભાવનાત્મક વિકાસને અવરોધે છે. ઘણી સ્ત્રીઓને સમાજની અપેક્ષાઓ, પારિવારિક દબાણ કે સામાજિક રૂઢિઓને કારણે એકલતાનો અનુભવ થાય છે, અને તેઓ આ માટે બીજાને દોષ આપે છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા જલ્પા ચલ્લા કહે છે, “હકીકતમાં આ વાત જરાય યોગ્ય નથી. કોઈ પણ મહિલાની એકલતા એ એની સાથે જોડાયેલી હોય છે. ઘણીવાર લગ્ન પછી સંજોગો એવા બની જાય કે મહિલા એકલી થઈ જાય, પણ એનો અર્થ એ નથી કે આ સ્થિતી સમાજ કે અન્ય વ્યક્તિની કારણે સર્જાઇ હશે. દરેક પરિસ્થિતીમાં પોતાની જાતને મક્કમ રાખવી એ દરેક સ્ત્રીના હાથમાં જ છે. પોતાની એકલતાનો બોજ બીજા પર નાંખી હાથે કરીને જીવનને વ્યર્થ બનાવવાનો પ્રયાસ કરે છે. સ્ત્રી ઇચ્છે તો એકલતા તક પણ બનાવી શકે, પોતાની સાથે જોડાવાની, આત્મનિરીક્ષણ કરવાની અને પોતાની શક્તિને ઓળખવાની. બીજાને દોષ આપવાને બદલે, પોતાની જવાબદારી સ્વીકારવી અને એકલતાને સકારાત્મક રીતે સ્વીકારવી એ મહિલાને વધુ સશક્ત અને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવી શકે છે.”
એકલતામાંથી બહાર આવવાના રસ્તા જાતે જ શોધવા જરૂરી
કેટલીકવાર મહિલાઓ પોતાની એકલતા માટે પોતે જવાબદારી સ્વીકારવાને બદલે બીજાને જવાબદાર ગણાવે છે. તેઓ માને છે કે પરિવારના દબાણ, સમાજની ટીકા, મિત્રોનો અભાવને કારણે જ તેઓ એકલી છે. આ રીતે, પોતાની ખામીઓ કે પસંદગીઓ તરફ નજર નાખવા કરતાં તેઓ બીજાના વર્તનને કારણભૂત ઠેરવે છે. પરિણામે, એમની એકલતા વધુ ઊંડી બને છે, કેમ કે તેઓ સતત એ વિચારમાં જીવે છે કે જો અન્ય લોકોનું વર્તન જુદું હોત, તો એમનું જીવન પણ જુદું હોત.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મેકઅપ આર્ટિસ્ટ ચેલ્સી ચેતન દલવાડી કહે છે કે, “મારા પતિના અવસાનને છ વર્ષ થયા, આ સમયમાં એકલતાને મે ખુબ નજીકથી અનુભવી છે. જે લોકો કહેતા હતા કે અમે તારી સાથે છીએ, એ માત્ર પોકળ વાતો નીકળી. પોતાની તકલીફને જાતે જ સોલ કરવી પડે છે. મે ક્યારેય એવુ વિચાર્યુ ન હતું કે ચેતન મારી સાથે નહીં હોય. પણ એવું બન્યું, એક જ ક્ષણમાં મારી દુનિયા બદલાઈ ગઈ. એકલતા એ ઉધઈ છે જે ધીમે-ધીમે જીવનને કોતરી ખાય છે.”
એ ઉમેરે છે,”જીવનમાં અનેક જવાબદારીઓ અને પડકારો આવે છે, જેનાથી ઘણીવાર ગુસ્સો આવે, એકલાપણામાં રડવું પડે છે, બાળકોની સામે પણ આંસુ નિયંત્રણમાં રાખવા મુશ્કેલ બને છે. મારી આ પરિસ્થિતી માટે કિસ્મત જવાબદાર છે, નહીં કે કોઈ વ્યક્તિ, સમાજ કે સંબંધી. માટે આમાંથી બહાર આવવાના રસ્તા પણ જાતે શોધવા જરૂરી છે. આર્ટિફિશિયલ સંબંધોની વાતો બધી ખોટી છે સાચા રિલેશનશિપને જાળવવા માટે હૃદયથી સહયોગની જરૂર છે. મિત્રો બનાવો, કામમાં વ્યસ્ત રહેવું, સકારાત્મક વિચારો કરવા. આ બધુ એકલતાને દૂર કરી શકે છે.”
હેતલ રાવ
