મોડેલિંગની ધૂને ધ્રુવીને જીતાડી આ મુશ્કેલ સ્પર્ધામાં
એક ગુજરાતી મૂળની છોકરીએ અમેરિકાની બ્યૂટી કોન્ટેસ્ટમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. આ જીત એટલે પણ મહત્વની કહેવાય કારણ કે તેમાં દુનિયાભરના દેશોમાંથી અમેરિકામાં સ્થાયી થયેલી યુવતીઓએ ભાગ લીધો હતો. કોમ્પિટિશન મુશ્કેલ હોવા છતાં પોતાની ટેલેન્ટ, સુંદરતા અને મહેનતથી આ છોકરીએ બધાંને પાછળ છોડી દીધા.
આજે ‘દીવાદાંડી’વિભાગમાં અમે વાત કરી રહ્યા છીએ મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડનો ખિતાબ જીતનાર ધ્રુવી પટેલ વિશે.
કોણ છે ધ્રુવી પટેલ?
ધ્રુવીના બેકગ્રાઉન્ડ વિશે જો વાત કરીએ તો તેના માતા-પિતા ગુજરાતના વડોદરાના રહેવાસી, પરંતુ વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયા છે. પિતા વિનોદભાઈ પટેલ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના અભિપુરા ગામના જ્યારે માતા ભૂમિકા પટેલ વાસદા ગામના રહેવાસી. તેમને સંતાનોમાં ધ્રુવી સિવાય ધ્રુતી, દક્ષ અને દક્ષેય નામના બાળકો છે. ધ્રુવી હાલમાં ક્વિનીપિયાક યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર ઇન્ફર્મેશન સિસ્ટમ્સમાં ડિગ્રી મેળવી રહી છે.
ધ્રુવીને નાનપણથી જ ફેશન અને મોડલિંગનો શોખ. તેના આ શોખમાં માતા-પિતાએ પણ પૂરો સપોર્ટ કર્યો. ખાસ કરીને માતા ભૂમિકા પટેલને ખુબ ઈચ્છા કે દીકરી બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લે અને તે ક્ષેત્રમાં આગળ વધે. ધ્રુવી અને ધ્રુતી માટે ભૂમિકાબેન માતા કરતાં બહેનપણી વધારે. આઠ વર્ષની ઉંમરમાં પ્રથમ વખત ધ્રુવીએ બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. ત્યારથી જ મોડલિંગ અને એક્ટિંગ શરૂ કરી દીધા હતા. સાથે-સાથે ભણવામાં પણ એટલો જ રસ, આથી તેમાં પણ ફોક્સ કરવું જરૂરી હોવાથી, ધ્રુવીએ વચ્ચે થોડોક બ્રેક લીધો. જો કે 2023ના વર્ષથી તેણીએ ફરીથી વિવિધ બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લેવાનું શરૂ કર્યું. વર્ષ 2023માં ધ્રુવીને મિસ ઈન્ડિયા ન્યૂ ઈંગ્લેન્ડનો પણ તાજ પહેરાવવામાં આવ્યો હતો. તે કોન્ટેસ્ટમાં ધ્રુવીએ બહેન ધ્રુતી સાથે ભાગ લીધો હતો અને બન્ને બહેનોએ ટાઈટલ જીત્યું હતું. ધ્રુવીએ મિસ કેટેગરીમાં જ્યારે બહેન ધ્રુતીએ ટીન કેટેગરીમાં ટાઈટલ જીત્યું હતું.
જો મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડ ટાઈટલ વિશે વાત કરીએ તો આ સ્પર્ધા ભારત બહાર ચાલતી સૌથી લાંબી ભારતીય સ્પર્ધા તરીકે જાણીતી છે. આ વર્ષે ઈવેન્ટ ન્યુ જર્સીના એડિસનમાં યોજાઈ હતી. મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ સ્પર્ધા દર વર્ષે ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી દ્વારા યોજવામાં આવે છે, જેની આગેવાની ભારતીય-અમેરિકન નીલમબહેન અને ધર્માત્મા સરન કરે છે. ટાઈટલ જીત્યા બાદ ધ્રુવીને ડાયસ્પોરા તરફથી પાંચ દેશોમાં લઈ જવામાં આવશે. તે અલગ-અલગ એક્ટિવિટીમાં ભાગ લેશે. આ સિવાય અલગ-અલગ ક્ષેત્રના લોકો સાથે મુલાકાત પણ કરાવવામાં આવશે. મિસ ઈન્ડિયા વર્લ્ડ વાઈડનો ખિતાબ પ્રાપ્ત કર્યા પછી ધ્રુવીએ કહ્યું હતું, “મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડનું ટાઈટલ જીતવું એ એક અવિશ્વસનીય સન્માન છે. આ ક્રાઉન મારા માટે ઘણું બધું છે. તે મારા સાંસ્કૃતિક વારસા, મારા મૂલ્યો અને વૈશ્વિક સ્તરે અન્ય લોકોને પ્રેરણા આપવાની તકનું પ્રતિનિધિત્વ કરે છે.”
ધ્રુવી ભલે અમેરિકામાં જન્મી હોય અને મોટી થઈ હોય, પરંતુ તેને ગુજરાતી ફૂડ અને ગુજરાતી સાડી તેમજ ચાણિયાચોળી પ્રત્યે વિશેષ પ્રેમ છે. ખાસ કરીને બાંધણી પ્રત્યે. ધ્રુવીએ પોતાના ફાઈનલ રાઉન્ડમાં પણ બ્લૂ અને યલ્લો કલરની બાંધણીમાંથી તૈયાર કરેલો સ્પેશિયલ આટફિટ પહેર્યો હતો. ધ્રુવીને અમેરિકામાં યોજાતા ગરબા ઈવેન્ટ્સમાં પણ ટ્રેડિશનલ કપડાં પહેરવાનું ખુબ જ પસંદ કરે છે. ધ્રુવીએ ચિત્રલેખા.કોમને જણાવ્યું કે, “ફાઈનલ રાઉન્ડમાં મેં અને મારી માતાએ આ કસ્ટમ મેડ આઉટફિટ પહેરવાનું નક્કી કર્યું હતું. બાંધણી ખુબ જ સિમ્પલ અને એલિગન્ટ પીસ ઓફ કલ્ચર છે. આથી મને ખુબ જ ગમે છે. એક ગુજરાતી તરીકે મને ગમે કે હું ગ્લોબલ પ્લેટફોર્મ પર આપણી સંસ્કૃતિની ધરોહર સમાન બાંધણીને રિપ્રેઝન્ટ કરું.”
વધુમાં ધ્રુવીએ જણાવ્યું, “આ બ્યૂટી કોન્ટેસ્ટ માટે હું છેલ્લાં છ-સાત મહિનાથી ખુબ જ મહેનત કરી રહી હતી. સવાલ-જવાબ કેવાં પ્રકારના હોય શકે છે તેની તૈયારી કરી હતી. ડાન્સ પર્ફોમન્સ માટે પણ ખૂબ જ મહેનત કરી હતી. ડાન્સની પ્રેક્ટિસ કરતા-કરતા મારા પગ એટલાં બધાં છોલાઈ ગયા હતા કે જેની કોઈ વાત ન પૂછો. છેલ્લાં ત્રણ મહિનાથી રોજના ત્રણથી ચાર કલાક તો ડાન્સ પ્રેક્ટિસ કરી રહી હતી. આ સિવાય ડાયેટ અને વર્કઆઉટ પણ ખરૂં જ.”
ટાઈટલ જીત્યા બાદ ધ્રુવી પટેલના પરિવારમાં ખુશીનો માહોલ છે. જો કે ધ્રુવીનું કહેવું છે કે હાલમાં જીવનમાં કોઈ મોટાં ફેરફાર આવ્યા નથી. હા, ટાઈટલ જીત્યા બાદ અમેરિકામાં રહેતા ઈન્ડિયન્સમાં તે ખૂબ જ પોપ્યુલર બની ગઈ છે. આ સિવાય અનેક તકોના દ્વારા તેની માટે ખુલી ગયા છે. આથી તેને પોતાના ગોલ્સ અને ડ્રિમ્સને પૂરા કરવામાં આ જીત ચોક્કસથી મદદ કરશે એવું લાગી રહ્યું છે. ધ્રુવીનું કહેવું છે કે, “મારા સપનાં કરતાં પણ વધારે મહત્વનું છે કે મારા માતા-પિતાના સપનાઓ પૂરા થશે. મારી કારકિર્દીમાં જો હું આગળ વધીશ તે તેનાથી મારા ભાઈ-બહેનોને પણ મદદરૂપ થઈ શકીશ.”
હવે આગળ શું કરવું છે તેવો પ્રશ્ન ચિત્રલેખા.કોમ એ ધ્રુવીને પૂછ્યો ત્યારે તેણે જણાવ્યું, “આગળ મારે મોડલિંગ પણ કરવું છે અને ભારત આવીને બોલિવૂડમાં કામ પણ કરવું છે. પરંતુ તે પહેલાં હું મારો અભ્યાસ પૂરો કરવા માગું છું. અભ્યાસ પૂરો કર્યો બાદ હું અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલમાં એક્ટિંગ શીખવા માગું છું.”
ધ્રુવી પટેલને બોલીવુડમાં શાહરૂખ ખાન અને કરિના કપૂર ખાન સાથે કામ કરવું છે. તેનું ફેવરિટ બોલીવૂડ મુવી જો કહી શકાય તો તેણે પોતાના દાદા સાથે ‘હેરાફેરી’ અને ‘ફિર હેરાફેરી’ ફિલ્મ અઢળક વાર જોઈ છે. બાબુરાવ એટલે કે પરેશ રાવલનું કામ તેને ખુબ જ ગમે છે. શાહરૂખની ‘કભી ખુશી કભી ગમ’ અને ‘મેં હૂ ના’ ફિલ્મ ખુબ જ ગમે છે.
ધ્રુવી તેની બહેન અને ભાઈ સાથે મળીને એક NGO પણ ચલાવે છે. જેનું નામ 3DCharities છે. તેમનો આ NGO માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ બીજા દેશોમાં અને ભારતમાં પણ વડોદરા ખાતે કામ કરે છે. વડોદરાના હેપ્પી ફેસીસ નામના NGO સાથે મળીને તેઓ કામ કરે છે. યુનિસેફ અને ફીડિંગ અમેરિકા જેવી ઝુંબેશમાં પણ તેમણે યોગદાન આપેલું છે. ધ્રુવી અને તેના પરિવારનું માનવું છે કે આપણે જે કંઈ પણ કમાયા છે અથવા તો મેળવ્યું છે તેમાંથી થોડોક હિસ્સો આપણે સમાજ અને આપણા દેશને પાછો આપવો જોઈએ. ધ્રુવી માટે ભારત અને અમેરિકા બન્ને સરખી રીતે મહત્વના છે. આથી તેમની સંસ્થા બન્ને દેશોમાં કામ કરી રહી છે.