સ્વીકૃતિ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી ઉત્સાહી યુવતી છે. થોડા સમય પહેલા જ એ રિલેશનશીપમાં આવી. સંયોગ એવો બન્યો કે જેની સાથે એ સંબંધમાં જોડાઈ એ ઉર્વીલ એના જ વિસ્તારમાં રહે છે.
એક દિવસ સ્વીકૃતિની મિત્ર ગૌરવીએ હસતાં હસતાં પૂછ્યું, “યાર, તારું તો સુપર છે. ઉર્વીલ તારી નજીકમાં જ રહે છે. તું તો ગમે ત્યારે એને મળી શકે!”
સ્વીકૃતિએ હળવા સ્મિત સાથે જવાબ આપ્યો, “હા યાર, અમારું રિલેશન નવું છે, પણ અમે એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ. માટે જ્યારે એની એપ પર એની પ્રોફાઇલ જોઈ, ત્યારે વિચાર્યું કે નજીકમાં રહે છે તો એને વધુ સારી રીતે ઓળખી શકાશે. જો વિચારો મળે તો આગળનું સ્ટેપ પણ વિચારી શકીએ. એમ પણ મમ્મી-પપ્પા લગ્નનું કહે છે તો પછી નજીક રહેતા કોઈને જાણવું વધુ સરળ પડે.
આ સાંભળતાં જ ગૌરવી આશ્ચર્યથી બોલી, “અરે, શું કહે છે! આ બધું કેવી રીતે?”
સ્વીકૃતિએ તરત જ સમજાવ્યું, “આજે તો ઝિપ કોડિંગનો જમાનો છે. એટલે પોતાના નજીકના વિસ્તારમાં રહેતા લોકોને ડેટિંગ માટે પસંદ કરવું. સરળ, સુરક્ષિત છે.”
ગૌરવી મનમાં વિચારી રહી હતી કે, આ નવો ટ્રેન્ડ યુવતીઓ માટે કેટલો પ્રેક્ટિકલ હશે?
શું છે આ ઝિપ-કોડિંગ?
ઝિપ-કોડિંગ એ ડેટિંગનો એવો નવો ટ્રેન્ડ છે જેમાં લોકો ખાસ કરીને પોતાનાં નજીકના વિસ્તાર, સોસાયટી અથવા પોસ્ટલ કોડમાં રહેતા વ્યક્તિને ડેટ કરવા વધુ પસંદ કરે છે. નજીકમાં રહેતાં હોવાથી મળવું સરળ બને છે,
સમય અને ખર્ચ પણ ઓછો થાય છે, તેમજ કોઈ મોટી પ્લાનિંગની જરૂર રહેતી નથી. કેટલાક માટે આ એક પ્રકારનું ઓપન જોડાણ પણ બની જાય છે. જ્યાં બે લોકો સાથે સમય વિતાવે છે, એકબીજાને ઓળખે છે, પરંતુ એકબીજાને લઈને કોઈ કડક પ્રતિબદ્ધતા રાખતા નથી. જો કે, આ મોડલ દરેક રિલેશનશીપ માટે યોગ્ય હોય જ એવું નથી એની સફળતા સંપૂર્ણપણે બંને વ્યક્તિઓની વિચારસરણી અને સમજ પર આધારિત રહે છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મૈત્રી યશ ચૌહાણ કહે છે કે, આજની ફાસ્ટ લાઈફમાં યુવતીઓ હવે જુદી-જુદી અનેક ડેટિંગ એપનો ઉપયોગ કરે છે. પરંતુ દરેક વખત એપ પરથી મેળવેલી માહિતીના આધારે જ રિલેશનશીપમાં બંધાવુ એ પણ યોગ્ય નથી. અલબત્ત ઘણી યુવતીઓ માને છે કે જીપ-કોડિંગ આજના ઝડપી જીવનમાં ખૂબ પ્રેક્ટિકલ વિકલ્પ બની રહ્યું છે. આજની પેઢી સમય અને સુરક્ષા બંનેને પ્રાથમિકતા આપે છે. નજીકમાં રહેતી વ્યક્તિ હોય તો મળવું સહેલું બને અને રિલેશનને પોતાની રીતે વિકસવાની તક મળે છે. જો કે નજીકમાં સંબંધ બનાવવાથી ક્યારેક ગેરસમજ અથવા વધારે અપેક્ષાઓ પણ ઊભી થઈ શકે, પણ આ બધું દરેક જોડી કેવી રીતે હેન્ડલ કરે છે એના પર નિર્ભર છે”
ઉપયોગ કરતા પહેલા વિચારવાની જરૂર
ડેટિંગ એ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક ઉભરતું અને વિકસતું ક્ષેત્ર છે. લોકોની રુચિઓ અનુસાર સમયાંતરે ડેટિંગના વલણો બદલાતા રહે છે. આજકાલ લોકો સતત એપ્લિકેશનો પર અસંખ્ય પ્રોફાઇલ્સ સ્ક્રોલ કરે છે,
સંપૂર્ણ મેચ શોધે છે. આ બધાની વચ્ચે, એક રસપ્રદ નવો ટ્રેન્ડ ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યો છે. એ છે ઝિપ-કોડિંગ. જી હા, આ એક એવી નવીનતા છે જેમાં લોકો એમના નજીકના વિસ્તારમાં ડેટ કરવાનું પસંદ કરે છે. આ ટ્રેન્ડ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા મેળવી રહ્યો છે. ખાસ કરીને આજની યુવતિઓને આ નવો ટ્રેન્ડ આકર્ષી રહ્યો છે જેનો સૌથી વધારે ઉપયોગ પણ એ જ કરે છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મલ્ટીમીડિયા કંપનીના હેડ ઘટા સરવૈયા કહે છે કે, ઝિપ-કોડિંગમાં યુગલો ફક્ત ત્યાં સુધી જ સંબંધમાં રહે છે જ્યાં સુધી તેઓ એક જ વિસ્તારમાં અથવા શહેરમાં રહે છે. તેઓ ડેટ પર જાય છે, સાથે સમય વિતાવે છે અને યુગલ તરીકે સામાજિક જીવનનો આનંદ માણે છે, પરંતુ જેમ જેમ અંતર વધે છે તેમ તેમ સંબંધ બદલાય છે. બંને અન્ય લોકોને મળવાની અથવા નવા સ્થાને સંબંધો શોધવાની સ્વતંત્રતા હોય છે. આ એવા લોકો માટે છે જેઓ એક સાથે અથવા લાંબા ગાળાની પ્રતિબદ્ધતા શોધી રહ્યા નથી. માટે સામાન્ય રીતે આ ટ્રેન્ડ એવી યુવતિઓ પસંદ કરે છે જેમને કામ ચલાઉ પણ પોતાની મરજી પ્રમાણેનું રિલેશનશીપ જોઈએ છે. ઝિપ-કોડિંગ ટ્રેન્ડમાં છે પણ આવા સંબંધમાં પ્રવેશ કરતા પહેલા હજારો વખત વિચારવાની જરૂર છે.
કોના માટે છે અયોગ્ય?
ઝિપ-કોડિંગ એક પ્રકારનું અનિશ્ચિત રિલેશન છે, જ્યાં બંને લોકો એકબીજાના પ્રત્યે પ્રતિબદ્ધ નથી રહેતા.
જો તમે એવા સંબંધની શોધમાં છો જેમાં બંને વ્યક્તિઓ પૂરેપૂરા સમર્પિત અને વિશ્વાસુ હોય, તો ઝિપ-કોડિંગ એવા લોકો માટે યોગ્ય નથી. એ ઉપરાંત, આમા લાગણીથી જોડાયા પછી દુઃખ અનુભવવાનું જોખમ પણ રહે છે, ખાસ કરીને જ્યારે એક વ્યક્તિ વધુ લાગણીશીલ બની જાય.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એશ્વર્યા વ્યાસ કહે છે કે, આજની યુવતીઓમાં ઝિપ-કોડિંગ નવા ટ્રેન્ડ તરીકે ઘણું લોકપ્રિય થયું છે, પરંતુ એ દરેક માટે યોગ્ય નથી. જો તમે ભાવનાત્મક રીતે કોઈ સાથે જોડાવા માંગતા હો, તો નજીકમાં રહે એ પૂરતું નથી. પ્રથમ સમર્પણ અને સમજ હોવી જ જરૂરી છે . પરંતુ સમય, સરળતા અને પારદર્શિતા માટે આ પદ્ધતિ ઘણી યુવતીઓ માટે આકર્ષક જરૂર બની છે. પણ ડેટિંગ એપ રિલેશનશીપનું ભવિષ્ય નક્કીના કરી શકે”
હેતલ રાવ


