ઘડિયાળમાં રાત્રીના અઢી વાગ્યા હતા. આખું શહેર શાંત નિંદ્રામાં હતું, પણ શ્રુતિની આંખોમાં ઊંઘ નહોતી. એ પોતાના
રૂમમાં ઉભી થઈ અને ધીમેથી અરીસા સામે જઈને ઊભી રહી.
દિવસભરના કૃત્રિમ પ્રકાશમાં તો એ ગમે એમ કરીને પોતાની જાતને સંભાળી લેતી,પણ રાતના આ એકાંતમાં એનું મગજ એક જ વાત પર અટકી જતું, એના વાળ પર શ્રુતિના વાળ થોડા વાંકડિયા અને ઘેરા રંગના હતા, પણ એને હંમેશાં લાગતું કે એ ખૂબ જ બરછટ, અને બેજાન છે.
એની કઝિને ક્યારેક મજાકમાં કહેલું કે, “શ્રુતિ, તારા વાળને ક્યારેક ઓઇલિંગ કર, જાણે સૂકા ઘાસ જેવા લાગે છે!” બસ, આ એક નાનકડું વાક્ય એના મનમાં ઊંડે સુધી ઘર કરી ગયું હતું.

શ્રુતિ પોતાના વાળની એક-એક લટને અરીસામાં ચકાસતી હતી. એ સતત અન્ય લોકોના, ખાસ કરીને સોશિયલ મીડિયા પર દેખાતી સ્મૂથ અને સિલ્કી વાળ ધરાવતી યુવતીઓ સાથે પોતાની સરખામણી કરતી. એના મગજમાં સતત એક જ વિચાર ચાલતો રહેતો કે “આ બરછટ વાળને કારણે હું કેટલી અણગમતી લાગું છું.” શરમ અને ટીકાના ડરથી એ દિવસ દરમિયાન પોતાના વાળને હંમેશાં ચુસ્ત પોનીટેલમાં બાંધી રાખતી અને કોઈ પણ પાર્ટી કે પ્રસંગ હોય તો મોટાભાગે એ જવાનું ટાળતી. શ્રુતિ જે પીડામાંથી પસાર થઈ રહી હતી, એ સામાન્ય નહોતી, પણ એક ગંભીર માનસિક સ્વાસ્થ્ય સમસ્યા છે, જેને બોડી ડિસમોર્ફિયા ડિસઓર્ડર કહેવામાં આવે છે. પરંતુ આ વાતથી એ ખુદ અજાણ હતી. એને તો લાગતું કે મારા વાળના કારણે મને કોઈ સુંદર નહીં માને.
શરીર નહીં, સમાજની સમસ્યા
આજના સમયમાં બોડી ડિસમોર્ફિયા ડિસઓર્ડર ખરેખર આપણા શરીર વિશે નથી, પરંતુ એ સમાજ દ્વારા મહિલાઓને સતત
એવું કહેવામાં આવે છે કે એમનામાં ક્યાંક કંઈક ખામી છે. મોટાભાગની યુવતીઓ તો એમના શરીરની કોઈ ખાસિયતની નોંધ પણ લેતી નથી, જ્યાં સુધી કોઈ વ્યક્તિ એના તરફ ધ્યાન દોરે નહીં. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડો. શ્લોકા સુથાર કહે છે કે, “હિપ ડિપ્સ (Hip Dips) જે શરીરનો એકદમ કુદરતી ભાગ છે, પરંતુ ઓનલાઇન એને સુધારવા માટેના વીડિયો જોવા મળશે. જોકે, આ વસ્તુ સુધારવી શક્ય નથી. અને આ જ દબાણને કારણે, ઘણી યુવતીઓ ખૂબ વહેલી તકે કોસ્મેટિક પ્રોસિજર્સ કરાવી લે છે અને પછીથી પસ્તાય છે. જ્યારે આ અસુરક્ષા વર્ષો સુધી ટકી રહે છે, ત્યારે અંદરનો તણાવ કોર્ટિસોલનું સ્તર ઊંચું રાખે છે. આનાથી શરીર લાંબા ગાળાના હોર્મોનલ અસંતુલન તરફ ધકેલાય છે. આ સ્થિતિ ઇન્સ્યુલિન, ઓવ્યુલેશન અને એન્ડ્રોજનના સ્તરને ખલેલ પહોંચાડી શકે છે, અને ઘણી મહિલાઓ માટે એ પીસીઓએસની શરૂઆતનું કારણ બની જાય છે.”
સમય જતાં, આ જ તણાવ થાઇરોઇડ, માસિક ચક્ર, ત્વચા અને વજનને પણ અવ્યવસ્થિત કરી શકે છે; દુખાવો આપતા પીરિયડ્સ, ફાઈબ્રોઇડ્સ અને એન્ડોમેટ્રિઓસિસ જેવી ગંભીર સમસ્યાઓ પણ સર્જી શકે છે. એકવાર આ આંતરિક તણાવ ઘર કરી જાય, પછી એ ઊંડા હોર્મોનલ અને પ્રજનન સંબંધિત સમસ્યાઓના રૂપમાં દેખાય છે. મહિલાઓને ખરેખર જેની જરૂર છે તે છે જાગૃતિ, સ્વીકૃતિ અને વધુ અનુકૂળ વાતાવરણ ન કે સુધારાની જરૂરિયાત. અને સાચું કહું તો, આપણા માટે એ સુનિશ્ચિત કરવું વધુ મહત્ત્વનું છે કે આવનારી પેઢી એ જ અસુરક્ષાઓ સાથે મોટી ન થાય, જેમાંથી આપણે પસાર થવું પડ્યું હતું. આપણે જે જૂની પીડાઓ સહન કરી છે, તેનું પુનરાવર્તન ન થાય, તેના કરતાં તેઓ વધુ સારા જીવનને પાત્ર છે.
બોડી ડિસમોર્ફિયા ડિસઓર્ડર (BDD) એટલે શું?
બોડી ડિસમોર્ફિયા ડિસઓર્ડર એક માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ છે, જેમાં વ્યક્તિ પોતાના શારીરિક દેખાવમાં રહેલી કાલ્પનિક અથવા નજીવી ખામી અંગે સતત ચિંતિત રહે છે અને એને ખૂબ જ ગંભીર માની લે છે.
BDDનો ભોગ બનતી વ્યક્તિ આ ખામી વિશે એટલો વધુ પડતો વિચાર કરે છે કે એ એના દૈનિક જીવન, સામાજિક સંબંધો અને માનસિક શાંતિને અસર કરે છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા બ્યુટિશિયન જુલી રોકડ કહે છે “મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે કારણ કે સૌંદર્યના સામાજિક ધોરણો સ્ત્રીઓ માટે અત્યંત કઠોર હોય છે. વાળની ગુણવત્તા, ત્વચાનો રંગ, વજન, કદ કે શરીરના આકાર જેવા કોઈપણ ભાગ પર કોઈની નાનકડી નકારાત્મક ટકોર, અથવા સતત સોશિયલ મીડિયા પર દેખાતા આદર્શ શરીરની તસવીરો બીડીડીને ટ્રિગર કરી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ સતત પોતાના ત્વચાના રંગને કારણે ટીકાનો ભોગ બને છે, ત્યારે એના મનમાં એ જ ખામી ઘર કરી જાય છે. એને લાગે છે કે આ સામાજિક ધોરણોએ વ્યક્તિને પોતાના સ્વરૂપનો સ્વીકાર કરવા દીધો નથી, જેના કારણે ઘણા લોકો સતત મેકઅપ અને ફિલ્ટર્સ પાછળ છુપાઈને જીવે છે.”
ખામી નજીવી પણ એનું અસ્તિત્વ મોટું લાગે છે
સોશિયલ મીડિયા પર દેખાતા ‘આદર્શ’ અને પાતળા શરીરના ચિત્રો યુવતીઓ પર બિનજરૂરી દબાણ સર્જે છે. કોઈ
મહિલાને એના વજન કે કદ વિશે વારંવાર ટકોર કરવામાં આવે છે, ત્યારે એ પોતાને અન્ય લોકોની તુલનામાં નબળી માનવા લાગે છે. આ દબાણ જ યુવતીઓને અતિશય ડાયેટિંગ કે કસરત તરફ ધકેલે છે, જે BDDનું લક્ષણ બની જાય છે.
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પ્રાચી પરમાર કહે છે કે “BDDમાં સૌથી મોટો પડકાર એ છે કે વ્યક્તિ પોતાના શરીરની નાની ખામીને પણ અતિશય મોટું સ્વરૂપ આપી દે છે. ખીલના ડાઘ કે તલ જેવી સામાન્ય વસ્તુઓ પણ પીડિત વ્યક્તિ માટે જાણે આખા ચહેરા પરનો મોટો ‘ધબ્બો’ બની જાય છે. જ્યાં સુધી વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની મદદ ન લે, ત્યાં સુધી એને એ હકીકતનો અહેસાસ થતો નથી કે એની ખામી ખરેખર કેટલી નજીવી છે અને માત્ર એના મનમાં જ એનું અસ્તિત્વ મોટું છે.”
|
BDDથી પીડિત આ રીતે પુનરાવર્તિત વર્તન કરે છે -અરીસામાં વારંવાર પોતાની જાતને ચકાસતા રહેવું. -કપડાં, મેકઅપ કે અન્ય વસ્તુઓ દ્વારા ખામીને છુપાવવાનો સતત પ્રયાસ કરવો. -અન્ય લોકોના દેખાવ સાથે પોતાની તુલના કરવી. -કલાકો સુધી સજાવટ, વાળ બનાવવામાં કે ત્વચાની સારવારમાં સમય બગાડવો. -શરમ કે ટીકાના ડરથી સામાજિક પ્રસંગો અને કાર્યોથી દૂર રહેવું. -આત્મસન્માનમાં ભારે ઘટાડો થાય છે – ચિંતા (Anxiety) અને ડિપ્રેશન વધે છે, ગંભીર કિસ્સાઓમાં આત્મહત્યાના વિચારો પણ આવી શકે છે. આ એક એવી સમસ્યા છે જેને માત્ર આત્મવિશ્વાસનો અભાવ કહીને અવગણી ન શકાય. BDD એક ગંભીર માનસિક રોગ છે જેને ગંભીરતાથી લેવો જોઈએ. એની સારવાર માટે સામાન્ય રીતે કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી (CBT) અને અમુક કિસ્સાઓમાં દવાઓની જરૂર પડે છે. CBT વ્યક્તિને ખામી વિશેના નકારાત્મક વિચારોને પડકારવા અને પુનરાવર્તિત વર્તન ઘટાડવામાં મદદ કરે છે. સામાજિક સ્તરે, સૌએ સુંદરતાની વિવિધતાને સ્વીકારવાની અને શરીર પરની બિનજરૂરી ટિપ્પણીઓ ટાળવાની જરૂર છે. |
હેતલ રાવ





