શ્રાદ્ધ માટે શ્રેષ્ઠ ગણાતા આ પાંચ સ્થળો ક્યા છે?

હિન્દુ ધર્મમાં પૂર્વજોની મુક્તિ અને આત્માની શાંતિ માટે શ્રાદ્ધની વિધિ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ દરમિયાન, શ્રાદ્ર કરવામાં આવે છે. જેને પિતૃપક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કહેવાય છે કે આ વિધિમાં દાન, તર્પણ, પિંડદાન અને ભોજન દ્વારા પૂર્વજોના આત્માને શાંતિ અને મોક્ષનો માર્ગ પ્રદાન કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, શ્રદ્ધાથી કરવામાં આવેલું આ દાન સીધું પૂર્વજો સુધી પહોંચે છે અને એમના આત્માને શાંતિ આપે છે.

આવો જાણીએ એવા પાંચ પવિત્ર સ્થળો વિશે જયાં શ્રાદ્ધ કરવાથી એનું ફળ અનેકગણું વધી જાય છે.

 ગયા, બિહાર

બિહારમાં આવેલું હિંદુ ધર્મમાં ગયા શ્રાદ્ધ અને પિંડદાન માટેનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. ફાલ્ગુ નદીના કિનારે આવેલ આ તીર્થમાં પૂર્વજોના આત્માની શાંતિ માટે તર્પણ અને પિંડદાન કરવાની પરંપરા છે. અહીં કુલ 54 વેદીઓ પર વિધિ કરવામાં આવે છે, જેમાં તલ, ચોખા અને ઘીનો ખાસ ઉપયોગ થાય છે. માન્યતા છે કે આ વિધિથી પિતૃઓને મોક્ષ મળે છે. રામાયણ અને મહાભારતમાં આ સ્થળનો ઉલ્લેખ ગાયપુરી તરીકે થયો છે, જ્યારે લોકકથાઓ મુજબ અહીં ભગવાન વિષ્ણુએ પોતાના ચરણચિન્હ મૂક્યા હતા. આજેય ભગવાન વિષ્ણુના ચરણપાદુકાનું મંદિર દર્શનાર્થીઓને આકર્ષે છે. ઉપરાંત, અક્ષયવટ વૃક્ષ નીચે કરવામાં આવતી પ્રાર્થનાને અખૂટ પુણ્યદાયી માનવામાં આવે છે.

ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન અહીં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. મહાબોધિ મંદિર, બ્રહ્મયોની ટેકરી અને આસપાસના અનેક તીર્થસ્થળો વર્ષભર પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે.

વારાણસી, ઉત્તર પ્રદેશ

વારાણસી, ઉત્તર પ્રદેશમાં આવેલું એક પ્રાચીન અને અતિ પવિત્ર નગર છે, જે ગંગા નદીના પશ્ચિમ કિનારે વસેલું છે. આ શહેરને કાશી અને બનારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વારાણસીનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. વિશ્વના સૌથી પ્રાચીન શહેરોમાં ગણવામાં આવે છે. કહેવાય છે કે આ શહેરની સ્થાપના સ્વયં ભગવાન શિવે કરી હતી માટે જ એને “મોક્ષનું દ્વાર” કહેવામાં આવે છે.

અહીં દશાશ્વમેધ, મણિકર્ણિકા અને અસ્સી ઘાટ ખાસ પ્રસિદ્ધ છે. મણિકર્ણિકા ઘાટને તો અંતિમ સંસ્કારના ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા છે કે અહીં અંતિમ સંસ્કાર કર્યા પછી આત્માને મુક્તિ પ્રાપ્ત થાય છે. દશાશ્વમેધ ઘાટ પર સ્નાન અને પૂજન બાદ શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે.

વારાણસીના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરને સમગ્ર હિંદુ ધર્મમાં અદ્વિતીય સ્થાન પ્રાપ્ત છે. સાંજે ગંગા આરતી વારાણસીનું અનોખું આકર્ષણ છે. દશાશ્વમેધ ઘાટ પર પૂજારીઓ દ્વારા કરવામાં આવતી આ ભવ્ય આરતી જોવા હજારો યાત્રાળુઓ ભેગા થાય છે. ગંગાની લહેરો પર દીપોની ઝગમગાટી અને મંત્રોચ્ચારણથી સર્જાતો આ દૃશ્ય લોકહૃદયમાં અવિસ્મરણીય અનુભૂતિ છોડી જાય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે કાશીમાં કરવામાં આવતી વિધિઓનો પ્રભાવ અન્ય સ્થળોની તુલનામાં અનેકગણો વધારે હોય છે. માટે પિતૃકર્મ કે તર્પણ માટે અહીં વહેલી સવારે ગંગાસ્નાન બાદ વિધિ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે.

પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ

પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશનું એક ઐતિહાસિક અને અતિ પવિત્ર શહેર છે, જેને પ્રાચીન કાળથી પ્રયાગ અથવા તીર્થરાજ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનું સંગમ છે, જેને ત્રિવેણી સંગમ કહેવાય છે. હિંદુ માન્યતા મુજબ ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી જન્મજન્માન્તરના પાપો ધોવાઈ જાય છે. આત્માને શુદ્ધિ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સ્થળે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવાની પરંપરા હજારો વર્ષોથી ચાલે છે. માન્યતા છે કે ત્રિવેણી સંગમમાં કરાયેલ પિતૃકર્મ આત્માને શાંતિ આપે છે. પિતૃપક્ષ દરમિયાન અહીં લાખો યાત્રાળુઓ ભેગા થાય છે.

પ્રયાગરાજનો ઉલ્લેખ ઋગ્વેદ અને પુરાણોમાં તીર્થોના રાજા તરીકે થયો છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન બ્રહ્માએ પ્રથમ યજ્ઞ કર્યો હતો, એટલે જ આ સ્થળનું નામ પ્રયાગ પડ્યું. ઐતિહાસિક સમયમાં સમ્રાટ અશોકે અહીં પોતાના શિલાલેખો સ્થાપ્યા હતા, જે આજે પણ જોવા મળે છે. મુગલ બાદશાહ અકબરના સમયમાં આ શહેરનું નામ અલ્લાહાબાદ રાખવામાં આવ્યું. પરંતુ 2018માં એને ફરીથી પ્રયાગરાજ તરીકે ઓળખ અપાઈ. અહીં મહાકુંભ અને અર્ધકુંભ મેળાનો વિશેષ મહિમા છે. દર બાર વર્ષે યોજાતો મહાકુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક સમાગમ માનવામાં આવે છે, જેમાં કરોડો યાત્રાળુઓ ગંગાસ્નાન કરવા આવે છે.

સિદ્ધપુર, ગુજરાત

મહેસાણા જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલું આ સ્થળ હિંદુ ધર્મમાં માતૃશ્રાદ્ધ માટે વિશેષ પ્રસિદ્ધ છે. ભારતના બીજા અનેક તીર્થોમાં પિતૃશ્રાદ્ધ કરવાની પરંપરા જોવા મળે છે, પરંતુ માતાની આત્મશાંતિ માટે વિશેષ શ્રાદ્ધ કરવાની પરંપરા ખાસ કરીને સિદ્ધપુરમાં જ જોવા મળે છે. જેના કારણે સિદ્ધપુરને “માતૃગયા” તરીકે પણ ઓળખવામાં આવે છે.

અહીં સરસ્વતી નદીના પવિત્ર કિનારે આવેલું બિન્દુ સરોવર શ્રદ્ધાળુઓ માટે મુખ્ય આકર્ષણ છે. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન વિષ્ણુએ અહીં કપિલા નદીને પોતાના અંગૂઠાના અગ્રભાગે રોકી હતી, જેથી આ સરોવરનું નિર્માણ થયું. માન્યતા છે કે બિન્દુ સરોવરમાં સ્નાન કરવાથી પિતૃદોષનો નાશ થાય છે અને માતૃશ્રાદ્ધ વિધિ દ્વારા આત્માને ચિરશાંતિ મળે છે. આ સ્થળ પર હજારો વર્ષોથી લોકો તર્પણ અને પિંડદાન કરતા આવ્યા છે.

સિદ્ધપુરનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ માત્ર બિન્દુ સરોવર સુધી મર્યાદિત નથી. અહીં આવેલું રુદ્રમહાલય મંદિર એક સમયનું અતિ વિશાળ અને ભવ્ય શૈવ મંદિર હતું. આ મંદિરનું નિર્માણ સોલંકી યુગ દરમિયાન રાજા સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું. આજે ભલે એનું મોટાભાગનું માળખું અવશેષ સ્વરૂપે જોવા મળે, છતાં તેની શિલ્પકળા અને કોતરણી અદ્દભુત કળાત્મકતા દર્શાવે છે.

ચાણોદ-કરનાળી, ગુજરાત

ચાણોદ-કરનાળી નર્મદા નદીના કિનારે આવેલું  શ્રાદ્ધ કર્મ માટે ખૂબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. એને ગુજરાતનું કાશી પણ કહેવાય છે.  હિન્દુ ધર્મમાં નર્મદા નદીને મોક્ષદાયિની નદી તરીકે ગણવામાં આવે છે, એના પવિત્ર જળમાં સ્નાન કરવું એ પાપોનું નિવારણ અને આત્માની શાંતિ માટે શ્રેષ્ઠ મનાય છે. ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન, અહીં શ્રાદ્ધ વિધિ કરવા માટે દેશભરમાંથી લોકો આવે છે. નર્મદા નદીમાં સ્નાન પછી, યાત્રાળુઓ તર્પણ અને પિંડદાનની વિધિ કરે છે. આ વિધિઓ પૂર્વજોના આત્માને શાંતિ પ્રદાન કરે છે . એમના મોક્ષનો માર્ગ સુગમ બનાવે છે. આ સ્થળની શાંત અને આધ્યાત્મિક ઊર્જા યાત્રાળુઓને ગહન શાંતિનો અનુભવ કરાવે છે.

હેતલ રાવ