નવી પેઢીમાં, ખાસ કરીને બાળકોમાં વિજ્ઞાન અને ગણિતના વિષયોમાં રસ ઉત્પન્ન થાય, એમની કૂતહલવૃત્તિ વધે એ માટે અને વિજ્ઞાન અને ગણિત જેવા વિષયો વધારે ને વધારે લોકભોગ્ય બને તે માટે અમદાવાદસ્થિત વિક્રમ એ. સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર 1966થી કાર્યરત છે.
અહીં વેકેશનમાં અને એ સિવાય વર્ષ દરમ્યાન વિજ્ઞાન-ગણિતને લગતા અનેક કાર્યક્રમો, વર્કશોપ્સ યોજાતા રહે છે.
આ સેન્ટરની અવનવી પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવવા માટે અમે સેન્ટરના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર દિલીપ સુરકર સાથે વાતચીત કરી. શું કહ્યું એમણે? વાંચો…
ચિત્રલેખા.કોમઃ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?
દિલીપ સુરકરઃ સેન્ટરની સ્થાપના 1966માં સ્પેસ પ્રોગ્રામના પિતા તરીકે જાણીતા વિક્રમ સારાભાઈએ કરી હતી. આ સેન્ટરમાં ગણિત અને વિજ્ઞાન વિષયનું શિક્ષણ બાળકોને મજા આવે તે રીતે આપવામાં આવે છે. જેને અમે કહીએ છીએ કે લર્નિગ સાયન્સ એન્ડ મેથેમેટિક્સ થ્રુ હેન્ડસ ઓન અપ્રોચીસ , એટલે કે રમતા-રમતા અને પ્રવૃત્તિ કરીને બાળકો ગણિત અને વિજ્ઞાન વિષયો વિશે શીખે, જાણે અને અઘરાં એવાં કોન્સેપ્ટ શીખે એવાં અમે પ્રયત્નો કરીએ છીએ. 1966થી અત્યાર સુધી એટલે કે છેલ્લાં 58 વર્ષથી અમે આ ક્ષેત્રમાં કાર્યરત છીએ અને અમે આખા ભારતમાં કામ કરીએ છીએ.
સેન્ટરની મુખ્ય પ્રવૃત્તિઓ કઇ કઇ?
વિજ્ઞાનને લોકભોગ્ય કરવું અને સમાજમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવો તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. તેના માટેના દરેક બનતાં પ્રયત્નો અમે કરીએ છીએ. જેમ કે, શીખવા અને શીખવવા માટેના નવા સાધનો અમે બનાવીએ છીએ. એટલે કે ટિચિંગ-લર્નિંગ મટરિયલ અમે તૈયાર કરીએ છીએ. વિજ્ઞાન અને શિક્ષણથી આગળ વધીને અમે હવે STEM એજ્યુકેશન કહીએ છીએ. STEM એટલે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ.
વિદ્યાર્થીઓને STEM એજ્યુકેશન ગમે અને તેઓ તે ક્ષેત્રમાં આગળ ઉચ્ચ શિક્ષણની કારકિર્દી બનાવે તે પ્રકારના પ્રયત્નો કરીએ છીએ. ખાસ કરીને બ્રાઈટ સ્ટુડન્ટ્સ STEM શિક્ષણમાં આગળ વધે તેનાં માટેના બધાં જ પ્રયત્નો અમે કરીએ છીએ. તેને વધારે પોપ્યુલર કરવા માટે અમે અવનવાં ટિચિંગ મટિરિયલ બનાવીએ છીએ અને વધુમાં-વધુ વિદ્યાર્થીઓ સુધી આ શિક્ષણ પહોંચે તેનાં માટે અમે શિક્ષકોની ખાસ તાલીમ પણ યોજીએ છીએ. દર વર્ષે એકથી દોઢ હજાર શિક્ષકોને તાલીમ આપીએ છીએ. શાળાઓમાં જઈને પણ STEM આઉટરિચ પ્રોગ્રામ કરવામાં આવે છે. ઘણી શાળાઓ તેમનાં બાળકોને લઈને અમારા સેન્ટર પર આ પ્રોગ્રામમાં જોડાવા માટે ખાસ આવે છે.
અમે એક મોબાઈલ સાયન્સ લેબ પણ ચલાવીએ છીએ. દૂરનાં ગામડાંઓની શાળાઓના વિદ્યાર્થીઓ જે અહીં આવી ન શકે અથવા તો એવી શાળાઓ જેમાં લેબની વ્યવસ્થા ન હોય એવાં બાળકો સુધી, એવી શાળાઓ સુધી અમે વિજ્ઞાનનું શિક્ષણ લઈ જવાં માટે અમે મોબાઈલ લેબનો ઉપયોગ કરીએ છીએ. ત્યાં ગામડાઓમાં જઈને અમે તેમને વિજ્ઞાનનાં પ્રયોગો શીખવીએ છીએ.
અમારું સેન્ટર અમદાવાદમાં છે એટલે અમે ઘણા ખરાં કાર્યક્રમો અમદાવાદમાં કરીએ છીએ. આ સિવાય ગુજરાતના અંતરિયાળ ગામો માટે પણ અમારા ખાસ કાર્યક્રમો છે. પરંતુ એવાં અનેક કાર્યક્રમો છે જે અમે ગુજરાત બહાર પણ કરીએ છીએ. ખાસ કરીને શિક્ષકોની તાલીમ. શિક્ષકોની તાલીમ માટે અમારી ટીમ આખા દેશમાં અને લગભગ બધાં જ રાજ્યોમાં જાય છે. આવો જ એક કાર્યક્રમ એટલે અમે સાયન્સ એક્સપ્રેસ નામનું પ્રદર્શન કર્યુ હતું. જેમાં ટ્રેનની અંદર અમે વિજ્ઞાનનું પ્રદર્શન કર્યુ હતું અને આ ટ્રેન લઈને અમે આખા દેશમાં દસ વર્ષ ફર્યા. લગભગ સાડા પાંચસો જેટલાં શહેરોમાં અમે ફર્યા અને લગભગ એક કરોડ બ્યાંસી લાખ લોકોને વિજ્ઞાન સાથે જોડ્યા.
સેન્ટરમાં બધાં જ પ્રકારની લેબોરેટરી છે. જેમ કે બાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, કમ્પ્યુટર, રોબોટિક્સ, મોડલ રોકેટરી, એસ્ટ્રોનોમી અને હમણાં અમે લેટેસ્ટ ઈનોવેશનની પણ એક લેબ તૈયાર કરી છે. એટલે એ બધી જ લેબમાં બાળકો જુદાં-જુદાં જે કન્સેપ્ટ છે તે સમજે અને એ પણ અમે ધ્યાનમાં રાખીએ છીએ કે આ બધાં જ વિષયો એકબીજા સાથે જોડાયેલાં છે. એટલે આ બધી જ લેબમાં આવીને બાળકો પ્રયોગો કરે છે અને શીખે છે. સાથે-સાથે થોડાક-થોડાક સમયે અમે બાળકો માટે ઈનોવેટિવ પ્રોગ્રામ પણ કરતાં રહીએ છીએ.
ઉનાળુ વેકેશનમાં બાળકો માટે ખાસ સમર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. જે બે મહિના સુધી ચાલે છે. સમર પ્રોગ્રામમાં 50 જેટલાં જુદાં-જુદાં મોડ્યુલ્સ છે. દાખલા તરીકે એમાં મોડલ રોકેટરીની વર્કશોપ છે. હવે મોડલ રોકેટરીમાં પણ અનેક પ્રકારની પેટા વર્કશોપ હોય છે. જેમ કે સોલિડ સ્ટેટ ફ્યુલના મોડલ રોકેટ, વોટર બુસ્ટર મોડલ રોકેટ, એરોનોટિક્સની બેચીસ હોય છે. ટેલિસ્કોપ કેવી રીતે વાપરવું અથવા તો ટેલિસ્કોપ કઈ રીતે બનાવવું તેનાં પણ વર્કશોપ હોય છે. 3-D પ્રિન્ટિંગ બાળકો આવીને શીખે છે. આ બધાં જ પ્રોગ્રામને પહેલાં ધોરણથી લઈને બારમા ધોરણના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે.
બાળકો દરેક પ્રોગ્રામના એડમિશન વિશે કઈ રીતે જાણકારી મેળવી શકે?
અમારા દરેક પ્રોગ્રામ વર્ષ દરમિયાન યોજાનારા દરેક પ્રોગ્રામની બધી જ માહિતી અમારી વેબસાઈટ પર છે. આ ઉપરાંત અમારા જેટલાં પણ સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે તેનાં ઉપર પણ માહિતી મૂકીએ છીએ. ઓનલાઈન અને ઓફલાઈન એડમિશન થતું હોય છે. વહેલાં તે પહેલાના ધોરણે એડમિશન થતુ હોય છે. અમે શિક્ષણની ગુણવતા પર વધારે ધ્યાન આપતા હોવાથી અમારા કાર્યક્રમમાં એડમિશન મેળવવા માટે પડાપડી થતી હોય છે. કાર્યક્રમની નોમિનલ ફી હોય છે. પરંતુ જે બાળકો ફી ભરી શકાતા નથી તેમના માટે સ્કોલરશીપ પણ હોય છે. એટલે કોઈપણ બાળક ગણિત અને વિજ્ઞાનના જ્ઞાનથી વંચિત ન રહે તે પ્રકારના પ્રયત્નો અમે કરીએ છીએ.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
(તસવીરો – પ્રજ્ઞેશ વ્યાસ)