આજે આપણે વાત કરી રહ્યા છીએ સ્વાતી બેડેકર વિશે. જેઓ વડોદરાના રહેવાસી, સમાજસેવિકા અને શિક્ષિકા પણ છે. સ્વાતીબેને ગ્રામિણ અને આદિવાસી વિસ્તારોમાં સ્ત્રીઓ માટે માસિક ધર્મ સ્વચ્છતા અને સ્વરોજગારના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે 2010માં ‘સખી’ નામની પહેલ શરૂ કરી, જેનાથી મહિલાઓને ઓછા ખર્ચે, બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ્સ ઉપલબ્ધ કરાવ્યા છે. આ પેડ્સના ઉત્પાદન દ્વારા આજે હજારો બહેનોને રોજગારની તક મળી છે અને તેઓ સ્વનિર્ભર બની છે.
‘સખી’ની શરૂઆત
સ્વાતીબેન પંચમહાલ જિલ્લાની શાળાઓમાં વિજ્ઞાન વિષયના શિક્ષણ પ્રોજેક્ટ માટે કામ કરતા હતા. આ દરમિયાન તેમણે નોંધ્યું કે, ઘણી વિદ્યાર્થિનીઓ માસિક ધર્મ દરમિયાન શાળામાં હાજર રહેતી ન હતી. તેમને આ વિશે જાણવા મળ્યું કે, મહિલાઓ અને યુવતીઓ માસિક ધર્મ દરમિયાન ઘરની બહાર નીકળતી ન હતી. ગ્રામ્ય વિસ્તારોમાં તો ત્યાર બાદ બાળકીઓનું શિક્ષણ પણ છોડાવી દેવામાં આવતું હતું. સાથે જ તેઓ માસિક ધર્મ દરમિયાન અસ્વચ્છ પદ્ધતિઓનો ઉપયોગ કરતી હતી. જેમ કે ગંદા કપડાંનો ઉપયોગ કરવો. જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થતી હતી.
આ સમસ્યાનું સમાધાન લાવવા માટે, સ્વાતીબેને ‘સખી’ નામની પહેલ શરૂ કરી, જેમાં મહિલાઓને ઓછા ખર્ચે, બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ્સ બનાવવાની તાલીમ આપી. આ કામમાં સ્વાતિબેનને એમના પતિ શ્યામ સુંદર બેડેકરનો પણ સાથ મળ્યો. તેમણે સેનિટરી પેડ બનાવવા માટે નાનાં-નાનાં મશીન બનાવી આપ્યાં. મશીન દ્વારા પેડ્સનું ઉત્પાદન મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે, જેનાથી તેમને રોજગારની તક પણ મળે છે. આ પેડ્સ “સખી” બ્રાન્ડ હેઠળ વેચવામાં આવે છે. સખીની શરૂઆત ગુજરાતના દાહોદમાં થઈ હતી અને ત્યારથી વિકાસ સાધીને સ્થાનિક પેડ ઉત્પાદન એકમ મારફતે માસિક સ્વચ્છતાને સુધારવા અને સ્ત્રીઓનું સશક્તિકરણ કરવા માટેનું તે એક રાષ્ટ્રવ્યાપી અભિયાન બની ગયું.
વિસ્તરણ અને પ્રભાવ
‘સખી’ની સફળતા માત્ર ગુજરાત સુધી સીમિત રહી નથી. શરૂઆત ભલે ગુજરાતના ગ્રામ્ય વિસ્તાર માટેના જમીની સ્તરના પ્રયાસો તરીકે થયો હતો. પરંતુ આજે તેની શાખાઓ ભારત, ઝિમ્બાબ્વે અને જોર્ડનમાં ઓછામાં ઓછા 1,180 ઉત્પાદન એકમો સુધી ફેલાયેલી છે. આ પહેલ સ્વચ્છતાના ધોરણો તો બદલી જ રહી છે, પરંતુ તેની સાથે-સાથે સ્ત્રીઓ અને સ્થાનિક સમુદાયોમાં આજીવિકા અને આત્મવિશ્વાસની સ્થિતિમાં પણ પરિવર્તન લાવી રહી છે. સ્વાતીબેને કાશ્મીરમાં પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સેનેટરી પેડ્સના ઉત્પાદન યુનિટ્સ સ્થાપિત કરવામાં મદદ કરી છે. આ પહેલ દ્વારા લગભગ 200 મહિલાઓને કાશ્મીરમાં રોજગાર મળ્યો છે.
સામાજિક અવરોધોનો સામનો
સ્વાતીબેને તેમના કાર્ય દરમિયાન સામાજિક અવરોધોનો પણ એટલો જ સામનો કર્યો છે. આ વિશે સ્વાતીબેન જણાવે છે કે, ઘણા વિસ્તારોમાં માસિક ધર્મને લઈને આજે પણ લોકો વાત કરતા ખચકાતા હોય છે. આથી જ્યારે મેં આ કામની શરૂઆત કરી ત્યારે વર્ષ 2010-11માં તો રીતસર લોકો ઉભા થઈને જતા રહે. ક્યારેક તો લોકો અમને મારવા માટે પાછળ પણ દોડતા હતા. મેં જ્યારે આ વિશે જાગૃતિ લાવવા માટે અભિયાન શરૂ કર્યું ત્યારે તો પુરૂષો શું, મહિલાઓને પણ ખબર નહોતી કે પિરયડસ કેમ આવે છે. સ્ત્રી બે-ત્રણ બાળકોની માતા હોય પરંતુ તેને માસિક ધર્મ વિશે કે તેમાં રાખવામાં આવતી સ્વચ્છતા વિશે કોઈ પણ પ્રકારનું જ્ઞાન હોય જ નહીં. ધીમે-ધીમે મહિલાઓને આ વિશે જ્ઞાન આપ્યું. તેમને જ્ઞાનની સાથે રોજગાર પણ આપ્યો જેથી કરીને તેઓ આત્મનિર્ભર પણ બને.
આગળ વાત કરતા સ્વાતીબેન જણાવે છે કે હવે, પ્રશ્ન એ ઉભો થયો કે, પેડ બનાવી દીધા, સ્ત્રીઓ તેનો ઉપયોગ પણ કરે છે. પરંતુ તેનો નિકાલ કેવી રીતે કરવો. કારણ કે પહેલાં સ્ત્રીઓ જે કપડું વાપરતી હતી, તેનો ધોઈને ફરી ઉપયોગ કરી લેતી હતી. હવે આ પેડનો તો ફરી ઉપયોગ પણ ન કરી શકાય કે તેને ખુલ્લામાં ફેંકી પણ ન શકાય. આ માટે, મારા પતિ શ્યામ સુંદર બેડેકરે ‘અશુદ્ધિનાશક’ મશીન ડિઝાઇન કરી આપ્યું. મશીન તરીકે માટીનું ઇન્સિનેટર તૈયાર કર્યું. જેમાં સેનેટરી નેપકિનનો નાશ કરી શકાય છે. જેને ચલાવવા માટે વીજળીની જરૂર પડતી નથી. તે ધુમાડો ફેલાવ્યા વિના એકસાથે અનેક વપરાયેલા નેપકિન બાળી શકે છે. આ મશીન દ્વારા ગામડાના કુંભારોને પણ રોજગાર મળ્યો છે. એકદમ સરળ અને ઉપયોગી એવાં આ મશીન માટે મારા પતિને જે તે સમયે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પાસેથી પ્રશંસા પણ મળી હતી.
કોર્નવોલના યોગ શિક્ષક એમી પીક દ્વારા વર્ષ 2014માં જોર્ડનમાં સીરિયન શરણાર્થીઓની દુર્દશા જોઈને મહિલા શરણાર્થીઓ માટે સ્વાતિબેન પાસેથી મશીન ખરીદ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી એમીએ જોર્ડનમાં સખી એન્ટરપ્રાઇઝના ઓછા ખર્ચે સેનિટરી નેપકિન ઉત્પાદન મોડેલ શરૂ કર્યું હતું. આ સ્વ-નિર્ભર એકમો તેમને ચલાવતી મહિલાઓ માટે આજીવિકાનું સાધન બની ગયા છે.
સ્વાતી બેડેકરનું કાર્ય મહિલાઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણ માટે પ્રેરણાદાયક છે. તેમની પહેલ ‘સખી’ દ્વારા અનેક મહિલાઓને સ્વચ્છતા અને આત્મનિર્ભરતા તરફ દોરી છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
