શ્રાવણ માસ એટલે ભોળાનાથની ભક્તિનો માસ. કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શ્રદ્ધા અને ભાવથી ભગવાન શિવની ઉપાસના કરવાથી મનને શાંતિ મળે છે અને આધ્યાત્મિક ઉદ્ધાર થાય છે.
ભગવાન શિવ દેવોના દેવ મહાદેવ છે, જે વિશ્વના સર્જન, સંચાલન વિધાનના પ્રતિકરૂપ છે.
શિવજીના બાર જ્યોતિર્લિંગો જેટલાં પવિત્ર છે, એટલા જ અન્ય શિવ મંદિરોએ પણ ભક્તોની અઢળક શ્રદ્ધા જીતી છે. માત્ર ભારતમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં શિવજીના ભવ્ય અને પવિત્ર મંદિરો ભક્તિ, કલાત્મક શિલ્પશૈલી અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.
ચાલો, આજે આપણે જાણીએ વિશ્વમાં આવેલા એવા દસ શિવ મંદિર વિશે, જે આસ્થાના સ્તંભ તરીકે ઓળખાય છે.
શ્રી કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી, ભારત

શ્રી કાશી વિશ્વનાથ મંદિર, જે વારાણસી, ઉત્તર પ્રદેશ, ભારતમાં આવેલું છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક અને હિંદુ ધર્મના સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. આ મંદિરનો ઈતિહાસ 15મી-16મી શતાબ્દી સુધીનો છે. જોકે એનું વર્તમાન સ્વરૂપ 1780માં મરાઠા રાજા અહિલ્યાબાઈ હોલકર દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. ગંગા નદીના કિનારે આવેલી આ કાશી મોક્ષનું પ્રતીક માનવામાં આવે છે. એની શિલ્પકળા તથા આસપાસના ઘાટો એનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ વધારે છે. શ્રાવણ માસ અને મહા શિવરાત્રિ દરમિયાન અહીં લાખો ભક્તો દર્શન કરવા આવે છે. જ્યાં દરરોજ ગંગા ઘાટ પર શિવજીની પૂજા અને ગંગા આરતીનું આયોજન થાય છે, જે એને વિશ્વભરના શિવભક્તો માટે એક આસ્થાનું કેન્દ્ર બનાવે છે.
પશુપતિનાથ મંદિર, કાઠમંડુ, નેપાળ

પશુપતિનાથ મંદિર નેપાળનું સૌથી પવિત્ર હિંદુ ધાર્મિક સ્થળ છે. એનો ઈતિહાસ 5મી શતાબ્દી સુધી પહોંચે છે, જોકે વર્તમાન સ્વરૂપનું નિર્માણ 17મી શતાબ્દીમાં મલ્લ શાસકોએ કર્યું હતું. અહીં ભગવાન શિવ પશુપતિ રૂપે પૂજાય છે. એટલે કે ‘પશુઓના દેવ’. બાગમતી નદીના કિનારે આવેલું આ મંદિર નેપાળના રાજા અને સમાજનું ધાર્મિક કેન્દ્ર રહ્યું છે. આ મંદિર યૂનેસ્કો વિશ્વ વારસો સ્થળ તરીકે પણ યાદગાર છે. અહીં મહા શિવરાત્રિ ઉત્સવ ખૂબ જ ભવ્ય રીતે ઉજવાય છે, જેમાં નેપાળ ઉપરાંત ભારત, તિબ્બત અને બાંગ્લાદેશથી પણ હજારો ભક્તો ઉમટે છે. શ્રાવણ માસમાં પણ ભાવિકો દેશ-વિદેશથી આ મંદિરે દર્શનાર્થે આવે છે. અલબત્ત અહીં માત્ર હિંદુઓને જ ગર્ભગૃહમાં પ્રવેશની મંજૂરી છે.
મુનેશ્વરમ મંદિર, કોલંબો, શ્રીલંકા

મુનેશ્વરમ મંદિર શ્રીલંકાની રાજધાની કોલંબોમાં આવેલું એક મહત્વપૂર્ણ શિવ મંદિર છે. મુનેશ્વરમ દેવ તામિલ હિંદુ સંસ્કૃતિમાં શિવજીના એક સ્વરૂપરૂપે ઓળખાય છે. આ મંદિરનો ઈતિહાસ 18મી-19મી શતાબ્દીના શરુઆતના સમયથી શરૂ થાય છે, જ્યારે દક્ષિણ ભારતના તામિલ લોકો અહીં વસવા આવ્યા હતા. મંદિર દ્રવિડ શૈલીમાં નિર્મિત છે, જેમાં ભવ્ય ગોપુરમ (શિખર), મંડપ અને રંગીન મૂર્તિઓ જોવા મળે છે. મહા શિવરાત્રિ, થાઈ પુસમ , નવરાત્રી અહીં ઉજવાતા મુખ્ય ઉત્સવો છે. શ્રાવણ મહિનામાં અહીં શિવજીની ખાસ પૂજા અર્ચના થાય છે.
હિન્દુ ટેમ્પલ ઓફ અમેરિકા (શિવ મંદિર), ન્યુ યોર્ક, યુએસએ

હિન્દુ ટેમ્પલ ઓફ અમેરિકા એ ફ્લોરલ પાર્ક શિવ મંદિર ન્યુ યોર્ક શહેરના ક્વિન્સ વિસ્તારમાં સ્થિત છે. એની સ્થાપના 1977માં ભારતીય મૂળના અમેરિકન તામિલ સમુદાય દ્વારા થઈ હતી. અહીં મુખ્ય મૂર્તિ ભગવાન શિવની છે. સાથે સાથે ભગવાન વિષ્ણુ માતા પાર્વતી, ગણેશ, મુરુગન અને અન્નપર્ણા દેવીના વિઘ્નહર્તા પૂજાર્થ મૂર્તિઓ છે. મંદિર દ્રવિડ શૈલીમાં રચાયું છે. દર વર્ષે મહા શિવરાત્રિ, રામ નવમી, નવરાત્રી, ગણેશોત્સવ શ્રાવણ માસ જેવા ઉત્સવો ઉજવાય છે. અહીં ભારતીય ભાષાઓ શિખવવાના, યોગા વર્ગો અને વેદ પાઠશાળાઓ પણ ચલાવવામાં આવે છે.
શ્રી શિવ વિષ્ણુ મંદિર, મેલબોર્ન, ઑસ્ટ્રેલિયા

આ મંદિર ઑસ્ટ્રેલિયામાં સૌથી મોટું હિંદુ ધાર્મિક કેન્દ્ર છે. એની સ્થાપના 1980ના દાયકામાં સ્થાનિક ભારતીય સમુદાય દ્વારા કરવામાં આવી હતી. અહીં મુખ્ય દેવી-દેવતાઓ તરીકે ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા થાય છે. મંદિર દ્રવિડ આર્કિટેક્ચર અનુસાર બાંધવામાં આવ્યું છે. એમાં ભવ્ય ગોપુરમ, આંતરિક મંડપ અને વિશાળ ઉપવન વિસ્તાર છે. શ્રાવણ માસ, મહા શિવરાત્રિ, બ્રહ્મોત્સવ, દિવાળી, નવરાત્રી અને થાઈ પુસમ જેવા ઉત્સવો અહિયાં ધામધૂમથી ઉજવાય છે.
બાટુ કેવ્ઝ, કુઆલાલમ્પુર, મલેશિયા

બાટુ કેવ્ઝ મંદિરો મલેશિયાના કુઆલાલંપુર નજીક સ્થિત લાઈમ સ્ટોન ગુફાઓના સમૂહમાં આવેલા છે. જો કે મુખ્ય મંદિર ભગવાન મુરુગનનું છે, ત્યાં શિવજીનું પણ સુંદર મંદિર આવેલું છે. બાટુ કેવ્ઝના મંદિરો 19મી સદીના અંતમાં ભારતીય શ્રમિકો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા હતા. અહીં શિવરાત્રિ, થાઈ પૂસમ અને મંકલ વિલાકુ (દિપોત્સવ) વિશેષ ઉજવાય છે. ગુફામાં જતાં ખૂબ ઊંચી સિડીઓ ચઢવી પડે છે. જે યાત્રાળુઓ માટે આધ્યાત્મિક પથ પરની પરિક્ષા સમાન છે.
શ્રી મુરૂગન મંદિર, લંડન, યુનાઇટેડ કિંગડમ

સ્ટોનસ બ્રિજ, લંડન ખાતે આવેલું આ મંદિર યુકેમાં સ્થિત સૌથી મોટું દક્ષિણ ભારતીય શૈલીનું મંદિર છે. એની સ્થાપના 1981માં શિવભક્ત સમુદાય દ્વારા કરવામાં આવી હતી. મંદિરનું ગોપુરમ અને મુખ્ય ગર્ભગૃહ દ્રવિડ શૈલીના ઉદાહરણરૂપ છે. અહીં શિવજી, મુરુગન, પાર્વતી, ગણેશ અને અન્ય દેવતાઓની પૂજા થાય છે. મહા શિવરાત્રિ, કાર્તિક દીપમ, નવરાત્રી, થાઈ પૂસમ અને શ્રાવણ માસમાં ભક્તોની ભીડ જોવા મળે છે.
ટ્રિનિદાદ શિવ મંદિર, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો

કેરિબિયન દરિયાકાંઠે આવેલા દેશ ટ્રિનિદાદ એન્ડ ટોબેગોની મધ્યમાં આવેલા ટ્રિનિદાદ દ્વીપ પર આવેલું છે આ પ્રખ્યાત શિવ મંદિર. આ મંદિરની સ્થાપના 1950ના દાયકામાં ત્યાં વસેલા ભારતીય મૂળના હિંદુ સમુદાય દ્વારા કરવામાં આવી હતી, જેમણે પોતાની સંસ્કૃતિ અને ધર્મને જીવંત રાખવા આ યત્ન કર્યો. મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત છે અને અહીં દર વર્ષે મહાશિવરાત્રી, હોળી, નવરાત્રી અને ગંગા દશેરા જેવા મહત્વપૂર્ણ તહેવારો ભક્તિભાવે ઉજવવામાં આવે છે. આ મંદિર માત્ર આરાધનાનું સ્થાન નથી, પણ ટ્રિનિદાદમાં ભારતીય પરંપરા, ભાષા અને ભક્તિને જીવંત રાખતું એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કેન્દ્ર પણ બની ચૂક્યું છે.
શ્રી અરુળમિગુ રાજરાજેશ્વરી શિવ મંદિર, રિયુનિયન, ફ્રાન્સ

રીયુનિયન આઇલેન્ડ, ફ્રાન્સના ઉપગહન દ્વીપમાં આવેલું તામિલ સમુદાયનું આ મંદિર છે. એનું નિર્માણ 20મી સદીના મધ્ય ભાગમાં થયું હતું. અહીં શિવ, પાર્વતી, દુર્ગા, અને મુરુગન જેવા દેવતાઓની પૂજા થાય છે. અહીં દર વર્ષે થાઈ પૂસમ, શિવરાત્રિ અને તાઇપૂસમ કાવડ યાત્રા ઉજવાય છે.
શિવ શંકર મંદિર, ડરબન, દક્ષિણ આફ્રિકા

ડરબનમાં આવેલી ભારતીય સમુદાયની મુખ્ય ધાર્મિક સંસ્થા છે શિવ શંકર મંદિર. એની સ્થાપના 1870-80ના દાયકામાં થઈ હતી, જ્યારે ભારતીય શ્રમિકો બ્રિટિશ કૌલિનિયલ કાળ દરમિયાન અહીં વસ્યા હતા. મંદિર સાધારણ દેખાવ ધરાવે છે, પણ ધાર્મિક રીતિવિધિઓ અને ઉત્સવો વિશાળ રીતે ઉજવાય છે. મહા શિવરાત્રિ અને દિવાળીની ભવ્ય ઉજવણી માટે આ મંદિર જાણીતું છે.
હેતલ રાવ


