કોઈપણ વ્યક્તિ જો દ્રઢ નિશ્ચય કરી લે તો તેને પોતાના સપના પૂરા કરવાથી કોઈ રોકી શકે નહીં. સાથે જ સપના પૂરા કરવા માટેની કોઈ ઉંમર હોતી નથી. ઉંમર ફક્ત એક સંખ્યા છે એ વાત સાબિત કરી છે 51 વર્ષીય લાછુબેન મસરીભા પરમારે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં શ્રી કારડિયા રાજપૂત સમાજ કન્યા કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલયમાં વ્યાયમ શિક્ષક તરીકે કાર્યરત છે. હાલમાં જ તેમણે રાષ્ટ્રીય કક્ષાએ હેમર થ્રો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સૌથી મોટી વાત એ છે કે તેઓ છેલ્લા સતત પાંચ વર્ષથી આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવતા આવ્યા છે. સતત પાંચમી વખત મેળવીને તેમણે ઐતિહાસિક રેકોર્ડ પ્રાપ્ત કરેલ છે.
આજે ચિત્રલેખા.કોમના દીવાદાંડી વિભાગમાં આપણે વાત કરીએ લાછુબેન પરમાર વિશે…
લાછુબેન એક ખેડૂત પુત્રી છે. તેઓ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટી તાલુકાના ગોતાણા ગામના વતની છે. પ્રાથમિક શાળાનો અભ્યાસ ગામમાં જ કર્યો અને માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાનો અભ્યાસ સીમાર તથા ચોરવાડ હાઈસ્કૂલમાં. શારદાગ્રામ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી સમાજશાસ્ત્ર વિષય સાથે તેમણે ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ છે.
રમત-ગમત ક્ષેત્રમાં પોતાની રુચિ વિશે વાત કરતા લાછુબેન કહે છે, “મને પહેલેથી જ સ્પોર્ટસમાં ખૂબ રસ હતો, રમત-ગમત ક્ષેત્રે આગળ વધવું, કંઈક કરવું એવો મારો શોખ હતો. શાળાના અભ્યાસ દરમિયાન લોંગ જમ્પ, કબડ્ડી, ક્રિકેટ રમવા મને ખૂબ જ ગમતા હતા. મારું સપનું હતું કે રમત-ગમતમાં ભાગ લઈને રાજ્ય તેમજ દેશનું નામ રોશન કરું. પરંતુ મારા માટે આ વાત સ્વપ્ન જ રહી ગઈ. કારણ કે જે-જે શાળામાં અભ્યાસ કર્યો હતો ત્યાં કોઇ એવા શિક્ષક જ ન મળ્યા કે જેમણે પ્રોત્સાહન આપ્યું હોય કે, આગળ વધવા માટેનો રસ્તો બતાવ્યો હોય. રમત-ગમતમાં કોઈપણ સ્પર્ધામાં શાળા કક્ષાએ મેં ભાગ જ ન હતો લીધો. જો કે આ જ ક્ષેત્રમાં આગળ વધવું છે તે વાત તો નિશ્ચિત જ હતી. કોલેજ પૂરી કરીને મેં અમરાવતી યુનિવર્સિટીમાં યવતમાલ જિલ્લામાં આવેલી બી.પી.એડ (બેચલર ઓફ ફીજીકલ એજ્યુકેશન) કોલેજમાં ભાગ લીધો હતો. મારી રૂચિના કારણે મેં B.P.Ed. 90 ટકા માર્કસ સાથે ઉતીર્ણ કર્યું હતું.”
હાલમાં લાછુબેન વ્યાયામ શિક્ષક તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત છે. તેઓ 2002થી વઢવાણમાં શ્રી કારડિયા રાજપૂત સમાજ કન્યા કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે. એ જ્યારે વ્યાયામ શિક્ષક બન્યા ત્યારે જ તેમણે મનોમન નક્કી કરી લીધું હતું કે પોતાને શાળા અભ્યાસ દરમિયાન જે તક મળી ન હતી તે પોતાના વિદ્યાર્થીઓને આપશે. પોતે દિવસ-રાત મહેનત કરીને વિદ્યાર્થીઓને આગળ વધવામાં મદદ કરશે.
જો કે લાછુબેનના જીવનમાં વળાંક ત્યારે આવ્યો, જ્યારે રાજ્ય સરકારે શરૂ કરેલ ખેલ મહાકુંભમાં શિક્ષકો માટેની પણ અલગ સ્પર્ધાઓ યોજાઈ. આ વિશે વાત કરતા લાછુબેન કહે છે, “સૌપ્રથમ વખત 45 વર્ષની વયે નવેમ્બર-2017માં મેં ખેલ મહાકુંભમાં એક ટીચર તરીકે એથ્લેટિક્સમાં ફેંક વિભાગની સ્પર્ધામાં ભાગ લીધો હતો. સૌપ્રથમ વખત ભાગ લીધો હોવા છતાં હેમર થ્રોમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. પછી તો મેં ક્યારેય પાછું વળીને જોયું જ નથી. માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાં ત્રણ-ત્રણ વખત ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સતત ત્રણ વર્ષ સુધી સ્પર્ધામાં પ્રથમ આવી છું. 2020થી રાષ્ટ્રીય કક્ષાએ છેલ્લાં સતત પાંચ વર્ષથી હેમર થ્રોમાં ગોલ્ડ મેડલ મેળવી ઐતિહાસિક રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે. તેમજ ઈન્ટરનેશનલ હેમર થ્રો સ્પ્રધામાં શ્રીલંકા ખાતે સિલ્વર મેડલ મેળવી ભારતનું નામ રોશન કરેલ છે. તાજેતરમાં મલેશિયા ખાતે પણ આતંરરાષ્ટ્રીય જ્વેલિન થ્રો સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.”
લાછુબેનનું માનવું છે કે, જીવનમાં આજે તેઓ જે થોડી ઘણી સફળતા મેળવી શક્યા છે. તેમાં તેમના પરિવારનો ખૂબ મોટો ફાળો છે. તેઓ કહે છે, “હું ધોરણ-12માં અભ્યાસ કરતી હતી ત્યારે મારા માતાનું અવસાન થયું હતું. તે સમયે મારાથી મોટા એક ભાઈ અને મોટા એક બહેનના લગ્ન થયેલા હતા. મારાથી નાની ચાર બહેનો અને એક નાના ભાઈની જવાબદારી મારા પર આવી ગઈ હતી. તે સમયે સૌથી નાનો ભાઈ ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો. અત્યારે એ જ નાનો ભાઈ એક્સ આર્મીમેન છે. કારગીલ યુદ્ધ વખતે તેણે ખૂબ જ સારી કામગીરી કરી હતી. મારાથી નાની બહેન હાલ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ. છે.
અમારા માતાના અવસાનના કારણે થોડીક જવાબદારીઓ વધી ગઈ હતી. પરંતુ પિતાજીનો ખૂબ જ સપોર્ટ હતો. તેઓ એક ખેડૂત છે. પરંતુ સાથે-સાથે જીવનમાં આગળ વધવા માટે અમને ભાઈ-બહેનોને ખૂબ જ પ્રોત્સાહિત કરે છે. મારા પિતાજીએ સિનિયર સીટીઝનના એથ્લેટિક્સ વિભાગમાં રાજ્યકક્ષાએ ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ ફેંક વિભાગમાં મેળવેલા છે. 88 વર્ષની ઉંમરે પણ મેડલો મેળવી તેઓ આજના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે નવી દિશા બતાવી રહ્યા છે.”
લાછુબેન આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમત-ગમત વિભાગમાં નામ રોશન કરવાની સાથે-સાથે પોતાની શાળાની વિદ્યાર્થિનીઓને પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે. ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં લાછુબેનની વિદ્યાર્થિનીઓ વિજેતા બની રહી છે. રમત-ગમત ક્ષેત્રે શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ રાજ્ય, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ મેળવી રહી છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
