અમદાવાદ શહેરની કલેક્ટર કચેરીથી પાલડી તરફ જતો માર્ગ આશ્રમ રોડ તરીકે ઓળખાય છે. આ આશ્રમ એટલે સાબરમતી આશ્રમ.
અંગ્રેજો સામેની મહાત્મા ગાંધીએ લડત આપી એનું કેન્દ્ર એટલે આ આશ્રમ. જે સત્ય અને અહિંસાનો વિચાર જ્યાંથી વિશ્વભરમાં ફેલાયો એ સ્થળ એટલે આ આશ્રમ. એની સ્થાપના ઇ.સ. ૧૯૧૫માં થયેલી. ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. દરરોજ સાંજે બાપુ સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં. મીઠાના સત્યાગ્રહ માટે ગાંધીજીએ જે દાંડીકૂચ કરી એની શરૂઆત પણ આ આશ્રમથી જ થયેલી. આ એ જ સ્થળ છે, જ્યાંથી પૂજ્ય બાપુએ સ્વરાજ માટેની પ્રતિજ્ઞા કરતાં કહ્યું હતું કે, કાગડા-કૂતરાના મોતે મરીશે, પણ સ્વરાજ મેળવ્યા વિના પાછો નહીં ફરું…
એ વાત જૂદી છે કે, સ્વરાજ મળ્યા પછી પણ ગાંધીજી આ આશ્રમમાં ક્યારેય પાછા ફરી શક્યા નથી!
દેશ-વિદેશના વડાઓ, મહાનુભાવો અમદાવાદ-ગુજરાતની મુલાકાતે આવે એટલે આ આશ્રમની મુલાકાતે અવશ્ય આવે. આજે પણ ગાંધીજીનું જે નિવાસસ્થાન હતં એ કુટીરને યથાવત રાખવામાં આવી છે. દેશ-વિદેશના વડાઓ અહીં મુલાકાતે આવે ત્યારે બાપુને પ્રિય રેંટીયો કાંતે છે.
આશ્રમ પરિસરમાં ગાંધીજી જેનો ઉપયોગ કરતા એવી અનેક ચીજોને દર્શાવતું વિશિષ્ટ સંગ્રહાલય છે, જેમાં ગાંધીજીના જીવનમાં ઘટેલી ઐતિહાસિક ઘટનાઓને તાદૃશ કરતી આઠ ભવ્ય કદની પેઈન્ટિંગ્સ અને ૨૫૦ કરતાં પણ વધારે તસવીર સામેલ છે. ‘અમદાવાદમાં ગાંધી’ ગેલેરીમાં ગાંધીજીનું ઈ.સ. 1915 થી 1930 સુધીનું અમદાવાદનું જીવન દર્શાવાયું છે. પ્રદર્શનમાં ગાંધીજીના અવતરણો, પત્રો અને અન્ય સામગ્રી રાખવામાં આવી છે.
ઉપરાંત હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ગાંધીજીના જીવનકાર્ય અને લખાણો સહિત ભારતીય સ્વતંત્ર્તા ચળવળ અને એને સંબંધિત વિષયો પર આશરે ૩૫ હજાર જેટલા પુસ્તકો અને ૮૦ જેટલા સામાયિકો ધરાવતું પુસ્તકાલય પણ છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ, ગાંધી વિચારથી પ્રેરાયેલા હજારો લોકો, પ્રવાસીઓ સાબરમતી આશ્રમની મુલાકાત લે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
