અમદાવાદમાં રહેતી યશિકા એક ખાનગી કંપનીમાં કામ કરતી, આધુનિક વિચારો અને આત્મવિશ્વાસ ધરાવતી યુવતી છે. રોજની જેમ એ દિવસે પણ એ ઓફિસનું કામ પૂરું કરીને રાત્રે લગભગ સાડા આઠ વાગે ઘરે જવા નીકળી, પણ એ સાંજ કંઈક અલગ હતી. એ ટેક્સી બુક કરી રહી હતી ત્યારે યશિકાને લાગ્યું કે પાછળથી ત્રણ અજાણ્યા યુવકો એની પર નજર રાખી રહ્યા છે.
હવે એ થોડી સાવધ બની. એને ત્યાંથી નીકળી જવાનું મુનાસિબ લાગ્યું. એ ઝડપથી ચાલવા લાગી. મોબાઈલ હાથમાં લઈ ઘરે ફોન કરવા જતી હતી ત્યાં જ એ યુવકોએ એનો રસ્તો રોક્યો. એમના હાવભાવ અને આંખોની નજરમાં કંઈક ભયજનક હતું. એક ક્ષણ માટે યશિકા પણ ગભરાઈ ગઈ, પણ એ ડરી નહીં. એણે આત્મવિશ્વાસ ભર્યા અવાજે કહ્યું, “મારો રસ્તો છોડો… નહીં તો જે થશે એની જવાબદારી તમારી રહેશે!” યુવકોએ હસીને એને પકડવાનો પ્રયાસ કર્યો. યશિકાએ પોતાનું પર્સ જમીન પર મૂક્યું અને તરત જ કરાટેના ત્રણ નિયંત્રિત અને દૃઢ પ્રહાર કર્યા. ત્રણે યુવકો જમીન પર ધસી પડ્યા. યશિકા સાવચેતી સાથે ત્યાંથી નીકળી ગઈ. એણે પોતાની હિંમત અને શીખેલા પડકાર પ્રતિબદ્ધ કૌશલ્યથી પોતાને બચાવી લીધી.
એ સલામત રહી, કારણ કે એ સજાગ અને સશક્ત હતી. પણ જો એ સેલ્ફ-ડિફેન્સ ન શીખી હોત તો? તો આજે વાત જુદી પણ હોત…
યાદ રહે, હવે સેલ્ફ-ડિફેન્સ કોઈ વિકલ્પ નથી. એ જરૂરી છે દરેક યુવતી માટે, દરેક સ્ત્રી માટે. અહીં એટલું સમજવું ખૂબ જ જરૂરી છે કે મહિલાએ માત્ર નમ્ર બનવું નહીં, સજાગ પણ બનવું જોઈએ. પોલીસ છે, કાયદા છે, પણ કદાચ બધી જ જગ્યાએ ત્વરીત મદદ મળી જાય એવું શક્ય નથી. એટલે સ્ત્રી માટે સેલ્ફ ડિફેન્સ એ વૈભવ નહીં, જરૂરિયાત છે.
સેલ્ફ ડિફેન્સ એટલે માત્ર લડતા આવડે એ નહીં…
સેલ્ફ ડિફેન્સમાં ફક્ત શરીરથી નહીં, પણ મનથી પણ મજબૂત હોવું એટલું જ જરૂરી છે. આજના સમયમાં મહિલાઓ ઘણી બધી ફ્રન્ટ પર આગળ વધી રહી છે, પણ અંદરખાને ચાલી રહેલી લડાઈનું શું?
થિયા એજ્યુકેશન પ્રા.લી.ના સિનિયર બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તેજલ વસાવડા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “કોઇ સ્ત્રી પોતાના જીવન કે પરિવાર વિશે નિર્ણય લે છે તો એના ઉપર જ આંગળી કરવામાં આવે છે. એનો વિરોધ કરવો પણ સેલ્ફ ડિફેન્સ જ છે. જ્યારે મહિલા સમજદારીપૂર્વક પોતાનું માનસિક વલણ વ્યક્ત કરે છે, પોતાનો દ્રષ્ટિકોણ મુકે છે અને આગળ વધે છે. એ પણ આત્મરક્ષણનું જ એક સ્વરૂપ છે. કોર્પોરેટ જગતમાં પણ મહિલાઓ ઘણીવાર એવું અનુભવતી હોય છે કે તેઓ વધુ મહેનત કરે છતાં પણ શ્રેય બીજા લે છે. એવા સમયે પોતાનું સ્થાન અને વેલ્યૂ સાબિત કરવી પણ એક પ્રકારનું માનસિક સેલ્ફ ડિફેન્સ છે.”
વધુમાં એ ઉમેરે છે કે, “આજે જ્યાં એક બાજુ મહિલા સશક્તિકરણની વાતો થાય છે, મહિલાઓ જ કેટલીકવાર મહિલાઓની સૌથી મોટી ટીકા કરે છે. સાસુ હોય કે ઓફિસની સિનિયર, ઘણીવાર મહિલાઓ પોતાની સહ સ્ત્રીઓ માટે અવાજ નહિ ઉઠાવે, પણ એમને દબાવવા માટે અન્ય સાથે મળીને ઉભી રહે છે. આવા સમયમાં સાચું સેલ્ફ ડિફેન્સ એ છે કે મહિલાઓ એકબીજાને સમજતા શીખે અને એકબીજાના અવાજ માટે પણ લડે.”
પોતાનું રક્ષણ કરવા માટે પ્રશિક્ષિત રહેવું અત્યંત આવશ્યક
માતાઓએ દીકરીને સમજાવવાનું બંધ કરીને એમને તાલીમ આપવી જોઈએ. શારીરિક સુરક્ષાની પણ અને માનસિક મજબૂતીની પણ. દીકરીઓએ પોતાનું મૂલ્ય ઓળખવું જોઈએ અને પોતાના અવાજ માટે ઊભા રહેતા શીખવું જોઈએ. કેમ કે જે સ્ત્રી પોતાની વાત માટે ઊભી રહી શકે છે, એ જ દુનિયા સામે લડી શકે છે.
સખી ગ્લોબલ વુમનના સ્થાપક સોનલ શાહ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “આજના ગતિશીલ વિશ્વમાં, મહિલાઓ માટે એમની સલામતી અને સશક્તિકરણ સુનિશ્ચિત કરવા માટે સ્વ-બચાવ એક મહત્વપૂર્ણ કૌશલ્ય છે. સુરુચિ ભંગ, ઉત્પીડન, હુમલો અને જાતીય હિંસાના વધતા જતા બનાવોને કારણે છોકરીઓ પોતાનું રક્ષણ કરવા માટે પ્રશિક્ષિત રહેવું અત્યંત આવશ્યક છે. સ્વ-બચાવ એ માત્ર શારીરિક શક્તિ જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ, જાગૃતિ અને માનસિક સ્થિતિ સ્થાપકતા પણ વધારે છે. એ સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે છે. સ્વ-બચાવના પ્રશિક્ષણને પ્રોત્સાહન આપવાથી એક સુરક્ષિત સમાજનું નિર્માણ થઈ શકે છે અને મહિલાઓ માટે આદર અને સમભાવ ધરાવતા સમાજને પ્રોત્સાહન મળે છે.”
પોતાનું રક્ષણ કેવી રીતે કરવું એ શીખવું જરૂરી
આજના સમયમાં જ્યારે મહિલા ઓફિસથી લઈને ઘરની બહાર એકલા મુસાફરી કરે છે. ઘણી જગ્યાએ મોડી રાત સુધી કામ કરવું પડે છે ત્યારે એની માટે સેલ્ફ ડિફેન્સ એક કવચ જેવું કામ કરે છે.
બેન્કિંગનો અભ્યાસ કરતી એશ્વર્યા વ્યાસ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “એવું જરૂરી નથી કે હંમેશા ફિઝિકલ જ હુમલો થાય, પણ જો થાય તો એ વખતે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું, એ શીખવું જરૂરી છે.
ઘણા લોકો માનસિક રીતે સ્ત્રીઓનું શોષણ કરે છે, કાર્યસ્થળે ટિપ્પણીઓ કરે છે, એ સમયે પણ ચુપ ન રહીને જવાબ આપવો એ પણ એક પ્રકારનું સેલ્ફ ડિફેન્સ જ છે. મહિલા માટે અભ્યાસ, કારકિર્દી, અને સફળતા તરફના રસ્તા પર હજારો અવરોધો આવે છે, પણ જો એ મનથી મક્કમ હશે, માનસિક રીતે સ્ટ્રોંગ હશે અને શારીરિક તૈયાર હશે તો એ કોઈપણ સંજોગો સામે લડી શકે છે.”
સત્ય એ છે કે જો મહિલા મનથી મજબૂત હશે તો જ એ દુનિયાની બધી લડાઈ લડી શકશે. ફક્ત ફિઝિકલ પ્રોટેક્શન પૂરતું નથી. જ્યાં સુધી અંદરથી હિંમત નહીં આવે કે “હું પણ કંઈક છું” ત્યાં સુધી બહારની કોઇ લડાઈ જીતી શકાય નહીં.
હેતલ રાવ
