આજની સવાર ટેબલોઈડથી નહીં, પણ સ્માર્ટફોનના નોટિફિકેશનથી પડે છે. આજના આધુનિક અને હાઈ-ટેક યુગમાં ઇન્ટરનેટ વગરના જીવનની કલ્પના કરવી એટલે જાણે શ્વાસ વગરના શરીરની કલ્પના કરવા સમાન છે.
શોપિંગ હોય કે શિક્ષણ, મનોરંજન હોય કે બેંકિંગ આપણી આખી દુનિયા હવે પાંચ ઇંચની સ્ક્રીન પર સમેટાઈ ગઈ છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે સુવિધા આપણને આઝાદી આપી રહી છે, એ જ સુવિધાની પાછળ સાયબર જોખમોની એક ઘેરી માયાજાળ પણ છુપાયેલી છે?
જેમ રસ્તા પર અકસ્માતથી બચવા ટ્રાફિકના નિયમો છે, એમ ડિજિટલ રસ્તાઓ પર સુરક્ષિત મુસાફરી કરવા માટે જાગૃતિ અનિવાર્ય છે. આ જ જાગૃતિ લાવવા માટે દર વર્ષે વિશ્વભરમાં ‘સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ’ (Safer Internet Day) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો હેતુ માત્ર તારીખ સાચવવાનો નથી, પણ યુઝર્સને એ સમજાવવાનો છે કે ઇન્ટરનેટ એક બેધારી તલવાર છે જેનો સાચો ઉપયોગ વિકાસના દ્વાર ખોલે છે, જ્યારે એક નાનકડી ભૂલ વિનાશ નોતરી શકે છે.
દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયાના બીજા દિવસે, એટલે કે મંગળવારે ‘સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ’ ઉજવાય છે. આ શૃંખલામાં, આગામી 10 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વ એકઠું થઈને ઇન્ટરનેટને ‘વધુ સુરક્ષિત અને વધુ સારું’ બનાવવાનો સંકલ્પ લેશે. ત્યારે જાણીએ વિશ્વના એ પાંચ દેશ વિશે જ્યાં સૌથી વધુ ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે.

કેમ ઉજવાય છે આ દિવસ અને એનો મુખ્ય હેતુ શું છે?
આ દિવસની શરૂઆત વર્ષ 2004માં યુરોપિયન યુનિયનના પ્રોજેક્ટ તરીકે થઈ હતી. જેનો મુખ્ય હેતુ ઇન્ટરનેટનો ઉપયોગ સુરક્ષિત, જવાબદાર અને સકારાત્મક રીતે થાય એ માટે જાગૃતિ લાવવાનો છે. ખાસ કરીને બાળકો અને યુવાનો ઓનલાઇન છેતરપિંડી, સાયબર બુલિંગ અને ખોટી માહિતીનો શિકાર ન બને એ જોવાનું છે. આ દિવસ ટેકનોલોજી કંપનીઓ, સરકાર અને સામાન્ય જનતાને એક પ્લેટફોર્મ પર લાવી ‘બેટર ઇન્ટરનેટ’ બનાવવાની પ્રેરણા આપે છે.
વર્ષ 2026ની થીમ

દર વર્ષે જુદી-જુદી થીમ આધારિતી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2026ની થીમ “Smart tech, safe choices – Exploring the safe and responsible use of AI” (સ્માર્ટ ટેકનોલોજી, સુરક્ષિત પસંદગી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના સુરક્ષિત અને જવાબદાર ઉપયોગની સમજ.) રાખવામાં આવી છે. આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક જેવી ટેકનોલોજીનો પ્રભાવ વધ્યો છે, ત્યારે લોકો સ્માર્ટ પસંદગી કરે અને ટેકનોલોજીનો દુરુપયોગ અટકાવે એ આ વર્ષનો મુખ્ય એજન્ડા છે.
ચીન

ચીન વિશ્વમાં સૌથી વધુ ઇન્ટરનેટ યુઝર્સ ધરાવતો દેશ છે. અહીં આશરે 1.08 અબજથી વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જેમાં સૌથી વધુ વપરાશકર્તાઓ 20થી 45 વર્ષની વયના છે. અહીં લોકો ઈ-કોમર્સ, સોશિયલ મીડિયા અને ડિજિટલ પેમેન્ટ માટે ઇન્ટરનેટ પર ખૂબ જ નિર્ભર છે. ચીનનું પોતાનું ઇન્ટરનેટ ઇકોસિસ્ટમ (જેમ કે વીચેટ અને અલીબાબા) ખૂબ જ મજબૂત છે. જોકે, આટલા મોટા ડિજિટલ વ્યાપની સાથે અહીં સાયબર ગુનાઓ પણ મોટા પાયે થાય છે. ચીનમાં સૌથી વધુ ‘ટેલિકોમ ફ્રોડ’ અને ‘ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ’ જોવા મળે છે, જેમાં નકલી રોકાણ યોજનાઓ બતાવી લોકોના પૈસા પડાવવામાં આવે છે. આ ઉપરાંત, ત્યાં ગેમિંગ પ્લેટફોર્મ્સ પર એકાઉન્ટ હેક કરીને પર્સનલ ડેટાની ચોરી થવાના કિસ્સાઓ પણ સામાન્ય છે.
ભારત

ઇન્ટરનેટ વપરાશમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. ભારતમાં અંદાજે 90 કરોડથી વધુ લોકો સક્રિય ઇન્ટરનેટ યુઝર્સ છે, જેમાં સૌથી વધુ ઉપયોગ કરનાર વર્ગ 18થી 35 વર્ષના યુવાનો છે. સસ્તા ડેટા પ્લાન્સ અને સ્માર્ટફોનની ઉપલબ્ધતાને કારણે ગ્રામીણ વિસ્તારોમાં પણ ડિજિટલ ક્રાંતિ આવી છે. ભારતમાં ખાસ કરીને ‘UPI પેમેન્ટ ફ્રોડ’, ‘KYC અપડેટ’ ના નામે ઓટીપી મેળવી લેવા અને ‘લોન એપ સ્કેમ’ જેવી છેતરપિંડી ખૂબ જ પ્રચલિત છે. છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ‘વીડિયો કોલ સેક્સટોર્શન’ અને ‘જોબ ફ્રોડ’ (નોકરી અપાવવાના બહાને પૈસા પડાવવા)ના કિસ્સાઓએ પણ પોલીસની ચિંતા વધારી છે.
અમેરિકા

ટેકનોલોજીના ગઢ ગણાતા અમેરિકામાં આશરે 31 કરોડથી વધુ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને અહીં 25થી 50 વર્ષની વયના લોકો સૌથી વધુ સક્રિય છે. અમેરિકામાં ઇન્ટરનેટ પેનિટ્રેશન 90 ટકાથી વધુ છે. અહીં લોકો ક્લાઉડ કમ્પ્યુટિંગ, ઓનલાઇન સ્ટ્રીમિંગ અને રિમોટ વર્કિંગ માટે ઇન્ટરનેટનો સૌથી વધુ ઉપયોગ કરે છે. અહીં સૌથી મોટું જોખમ ‘આઇડેન્ટિટી થેફ્ટ’ (ઓળખની ચોરી) નું છે, જેમાં લોકોના સોશિયલ સિક્યુરિટી નંબર અને ક્રેડિટ કાર્ડની વિગતો ચોરીને મોટા આર્થિક ગુના કરવામાં આવે છે. આ ઉપરાંત, અમેરિકામાં મોટી હોસ્પિટલો કે કંપનીઓ પર ‘રેન્સમવેર એટેક’ કરીને એમનો ડેટા લોક કરી દેવો અને બદલામાં કરોડોની ખંડણી માંગવી એ એક ગંભીર સાયબર સમસ્યા છે.
ઇન્ડોનેશિયા

દક્ષિણ-પૂર્વ એશિયામાં ઇન્ડોનેશિયા ઝડપથી ઉભરતું ડિજિટલ માર્કેટ છે, જ્યાં અંદાજે 21 કરોથી વધુ લોકો ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે અને 15થી 30 વર્ષના યુવાનો સૌથી મોટો વપરાશકર્તા વર્ગ છે. ઇન્ડોનેશિયામાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ જ વધારે છે અને લોકો મનોરંજન તેમજ ઓનલાઇન બિઝનેસ માટે ઇન્ટરનેટનો બહોળો ઉપયોગ કરે છે.અહીં સાયબર ગુનેગારો મુખ્યત્વે ‘ઈ-કોમર્સ ફ્રોડ’નો આશરો લે છે, જેમાં નકલી શોપિંગ સાઇટ્સ બનાવી ગ્રાહકોના પૈસા અને બેંકિંગ વિગતો ચોરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ બનાવીને લોટરી કે ઈનામ લાગ્યા હોવાની લાલચ આપીને છેતરપિંડી કરવાના કિસ્સા પણ ત્યાં મોટા પ્રમાણમાં નોંધાય છે.
બ્રાઝિલ

બ્રાઝિલ આ યાદીમાં પાંચમા ક્રમે છે, જ્યાં અંદાજે 18 કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને સૌથી વધુ વપરાશકર્તાઓની ઉંમર 18થી 40 વર્ષની વચ્ચે છે. કહેવાય છે કે આ દેશના લોકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ (જેમ કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક) પર વિશ્વમાં સૌથી વધુ સમય વિતાવતા લોકોમાંના એક છે. બ્રાઝિલમાં સાયબર ગુનેગારો ટેકનિકલી ખૂબ જ સક્રિય છે. અહીં ‘બેંકિંગ ટ્રોજન’ નામના માલવેર (વાયરસ) દ્વારા લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરવાના ગુના સૌથી વધુ થાય છે. આ સિવાય બ્રાઝિલમાં ‘ફિશિંગ એટેક’ (નકલી લિંક દ્વારા પાસવર્ડ ચોરવા) અને સોશિયલ એન્જિનિયરિંગ દ્વારા લોકોને ભ્રમિત કરીને ઓનલાઇન લૂંટવાના કિસ્સા સતત વધી રહ્યા છે.

ડિજિટલ દુનિયાના અદ્રશ્ય લૂંટારાઓ આજે સાયબર લૂંટારાઓ હવે ગલીના ખૂણે નહીં, પણ મોબાઈલના ઇનબોક્સમાં છુપાયેલા હોય છે. એક ‘ક્લિક’ જિંદગીની મૂડી સાફ કરી શકે છે. આ ‘સુરક્ષિત ઇન્ટરનેટ દિવસ’ યાદ અપાવે છે કે આ સ્માર્ટ દુનિયામાં રહેવા માટે વધુ ‘સ્માર્ટ’ બનવું જરૂરી છે.
હેતલ રાવ




