બાળકોમાં વધતી હિંસક પ્રવૃતિ: શું છે કારણો અને ઉપાય?

ગુજરાતમાં તાજેતરમાં બાળકો અને ખાસ કરીને કિશોરો દ્વારા હિંસક પ્રવૃતિની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે સમાજ, શિક્ષણતંત્ર અને કાયદાકીય વ્યવસ્થા માટે ચિંતાનો વિષય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના 2022ના ડેટા અનુસાર, ગુજરાતમાં જુવેનાઈલ ક્રાઈમના 1,546 કેસ નોંધાયા હતા. જેમાં હિંસક ગુનાઓનું પ્રમાણ 25-28% જેટલું હતું. જ્યારે 2023માં આ આંકડો વધીને 1,652 કેસ સુધી પહોંચ્યો. જેમાં હત્યા, હિંસક હુમલા અને સાયબર હિંસા જેવા કેસોમાં વધારો જોવા મળ્યો. અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં આવા કેસોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે.

વર્ષ 2024નો ડેટા હજુ સુધી બહાર આવ્યો નથી. જો કે જાન્યુઆરથી જુલાઈ, 2024 સુધીના સમયગાળામાં 950 કેસો નોંધાયા હતા. વર્ષ 2024ના આખા વર્ષનો ડેટા 1,700 કેસ સુધી પહોંચવાની સંભાવના દર્શાવે છે ત્યારે અમે અમારા ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં જાણીતા સિનિયર એડલ્ટ એન્ડ પિડિયાટ્રિક થેરાપીસ્ટ ડૉ. ધરા દેસાઈ સાથે આ વિશે વાત કરીને આ વધતી હિંસક પ્રવૃતિના મૂળ કારણો, તેની અસરો અને નિવારણના ઉપાયો સમજવાનો પ્રયત્ન કર્યો.

ચિત્રલેખા.કોમ: આજના સમયમાં કિશોરોમાં હિંસક વર્તનનું પ્રમાણ વધવાનું મુખ્ય કારણ તમે શું માનો છો?

ડૉ. ધરા દેસાઈ: કિશોરોમાં હિંસક વર્તન પાછળ ઘણા કારણો જબાવદાર છે. બાળકની આસપાસનું વાતાવરણ, ઘર, શાળા, માતા-પિતા, મિત્રો, તેની સાથે જોડાયેલ દરેક વ્યક્તિ કહી શકાય. કોઈ એક પરિબળ આની પાછળ કામ કરતું નથી. બાળક શું જોવે છે, શું ખાય છે, શું શીખે છે, શાળામાં કેવાં વાતાવરણમાં રહે છે, ઘરમાં કેવાં પ્રકારનું વાતાવરણ છે, માતા-પિતા બાળકને કેટલો સમય આપે છે આ બધાં જ પરિબળો બાળકનાં દરેક પ્રકારના વર્તન માટે જવાબદાર છે. માત્ર હિંસક જ નહીં, બાળકના સારા-ખોટાં દરેક વર્તન પાછળ આવા અનેક પરિબળો જવાબદાર છે.

સોશિયલ મીડિયા અને વિડીયો ગેમ્સનો હિંસક વર્તન પર શું પ્રભાવ પડે છે?

હા, આ બધી વસ્તુઓનો પ્રભાવ તો છે જ, એને નકારી શકાય નહીં. આ બાબતમાં પેરેન્ટિંગ કંટ્રોલનો મુખ્ય રોલ સામે આવે છે. બાળક ટીવીમાં કે ફોનમાં કે સોશિયલ મીડિયા પર શું જુએ છે અને તેમાંથી શું શીખે છે એ બાબત મુખ્ય રોલ ભજવે છે. બાળકો ઘણી બધી હિંસક વિડીયો ગેમ્સ રમતા હોય છે, જેના કારણે તેનામાં રહેલું એગ્રેશન વધવાનું છે. ધણી વખત આનાથી ઊંધું પણ હોય છે. બાળક ખૂબ જ શાંત હોય છે. ત્યારે ઘણી વખત તેનું એગ્રેશન અંદરને અંદર વધતું હોય છે, જે એકાદ દિવસ જ્વાળામુખીની જેમ ફાટે છે.

મારી પાસે આવેલા એક કેસની વાત કરું તો, એક ૧૩ વર્ષની છોકરી સતત પોતાની સરખામણી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે કરવા લાગી. તેને લાગતું કે તે કદરૂપી છે કારણ કે તે તેમના જેવી દેખાતી નથી. સમય જતાં, એ છોકરીએ ફ્રેન્ડસની બર્થડે પાર્ટીઓમાં, શાળાના પ્રવાસોમાં અને કૌટુંબિક કાર્યક્રમોમાં જવાનું બંધ કરી દીધું. ઘણીવાર એ એકલી-એકલી રૂમમાં રડતી. એના શિક્ષકોએ જોયું કે તે છોકરી વર્ગમાં એકલી પડી ગઈ હતી, પ્રવૃત્તિઓમાં ભાગ લેતી નથી અને તેના ગ્રેડ ઘટી રહ્યા છે. શાળાએ તેના માતા-પિતાને જાણ કરી. પણ માતા-પિતાએ કાઉન્સિલિંગની વાતને ફગાવી દેતા કહ્યું કે, “અમારી છોકરી ફક્ત કિશોરાવસ્થામાંથી પસાર થઈ રહી છે. દરેક વ્યક્તિ મૂડ સ્વિંગમાંથી પસાર થાય છે.” પરિસ્થિતિ ત્યારે પ્રકાશમાં આવી જ્યારે તેના ઇન્સ્ટાગ્રામ વર્તુળના એક મિત્રએ તેના માતા-પિતાને ખાનગીમાં સંદેશ મોકલ્યો અને ચિંતા વ્યક્ત કરી. પછી માતા-પિતા મારી પાસે આવ્યા.

શાળાઓમાં બાળકો વચ્ચે થતું બુલિંગ અને હિંસા વચ્ચે શું સંબંધ?

શાળામાં થતું બુલિંગ અને બાળકમાં રહેલી હિંસક વૃત્તિમાં ક્નેક્શન રહેલું છે. બે પ્રકારના બાળકો હોય, એક તો જે બુલિંગ કરતા હોય અને બીજા જે ચૂપચાપ આ પ્રકારની કનડગતનો શિકાર બને છે. માતા-પિતા બાળકોને ઘણીવાર કહેતા હોય કે, માર ખાયને નહીં આવવાનું સામે મારીને આવવાનું. આમ અજાણતા અથવા તો ઈનડાયરેક્ટલી માતા-પિતા કે પરિવારજનો જ બાળકને હિંસક બનવાનું કહી રહ્યા છે. ખરેખર તો આપણે બાળકને એવું શીખવવાનું હોય કે, તમારી સાથે કોઈ વ્યક્તિ કે બીજા બાળકો હાથ ચાલાકી કરે છે કે તમને હેરાન કરે છે તો તમારે ત્યાં હાજર મોટી વ્યક્તિને કહેવાનું છે અથવા તો અમને કહેવાનું છે અમે તે બીજા બાળકને સમજાવીશું અથવા તો શાળામાં હાજર શિક્ષકો તેને સમજાવશે. તમારા બાળકમાં જો તમને થોડોક પણ ફરક લાગે તો તેની નોંધ લો અને તેના કારણના મૂળ સુધી પહોંચો.

પરિવારનું વાતાવરણ આ માટે કેટલી હદે જવાબદાર હોય છે?

બાળક ઘરમાં રહેલાં મોટાં લોકોને જોઈને ઘણું બધું શીખતું હોય છે. બાળકની પર્સનાલિટીમાં 50 ટકા કરતાં વધારેનું ફોર્મેશન પરિવારમાંથી આવતું હોય છે. પેરેન્ટિંગ એક એવી વસ્તુ છે જે સતત બદલાતી રહે છે. એક બાળક માટે જે રીત યોગ્ય હોય તે બીજા બાળક માટે પણ યોગ્ય હોય તે જરૂરી નથી. દરેક બાળક માટે અલગ પ્રકારના એપ્રોચની જરૂરિયાત હોય છે. બાળકની દરેક નાની-મોટી બાબત, તેનું વર્તન, વર્તનમાં ફેરફાર આવે તો તે દરેક બાબતની જાણ માતા-પિતાને હોવી જોઈએ. જો બાળકથી કંઈક ખોટું થાય તો તે વાત પણ માતા-પિતાને કહી શકે તેવું પેરેન્ટિંગ હોવું જોઈએ.

કિશોરોમાં હિંસક વર્તનના પ્રારંભિક ચેતવણીના સંકેતો કયા હોય છે અને તેને કેવી રીતે ઓળખવા?

બાળક જો વધારે સોશિયલી અને ઈમોશનલી એબસન્ટ હોય તો ચાન્સિસ હોય છે કે તે હિંસક બની શકે. બાળક જો પોતાના ઈમોશન વ્યક્ત ન કરી શકે તો તે એક ખતરાની નિશાની છે. આની માટે ક્યાંકને ક્યાંક માતા-પિતા જવાબદાર છે. બાળક પોતાના માતા-પિતાને જ ઘરમાં ઈમોશન વ્યક્ત કરતા ન જોતો હોય, એમાં પણ ખાસ કરીને પિતાને તો તે બાળક પોતે પણ ઈમોશન વ્યક્ત કરતા શીખતું નથી. તે ચૂપચાપ રહે છે. જો આપણે આપણા બાળકનો આખો દિવસ કેવો પસાર થયો છે, ખાસ કરીને શાળામાં એનો દિવસ કેવો રહ્યો એ જાણવું હોય તો આપણે પણ આપણો દિવસ કેવો રહ્યો તે બાળકને કહેવું પડશે. આપણે જો બાળક સામે આપણા ઈમોશન વ્યક્ત કરીશું તો તે સાંભળીને તે પોતે પણ ઈમોશનને વ્યક્ત કરતા શીખશે.

 

કિશોરોમાં હિંસક વર્તનને રોકવા માટે કયા મનોવૈજ્ઞાનિક ઉપાયો અસરકારક હોઈ શકે?

કોઈ પણ વસ્તુ માટે શોર્ટકટ હોતા નથી. બીજું કે બાળકની દરેક સમસ્યાનો ઉકેલ મોબાઈલ નથી. આપણે બાળક જમતું નથી તો મોબાઈલ આપી દીધો, આપણને કામ કરવામાં બાળક ડિસ્ટર્બ કરે છે તો તેને મોબાઈલ આપી દીધો. ત્રીજું કે બાળકની દરેક સમસ્યાનો ઉકેલ ગૂગલ પર કે AI પાસે નથી. બાળકને સમજો, તેની સમસ્યાને સમજો અને તેના આધારે આપણા અનુભવથી તેને જવાબ આપો. સૌથી મોટી વાત કે બાળકને સમય આપો. બાળક આપણને સમજે કે ન સમજે આપણે એને સમજવામાં અને તેની સમસ્યાઓને સમજવામાં, સમસ્યાના ઉકેલ આપવામાં પ્રયત્નશીલ રહેવાનું છે. પ્રયત્નો છોડવાના નથી. બાળક પાછળ એક પ્રયત્ન તો કરવાનો જ છે, પણ એ પ્રયત્ન સતત કરવાનો છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)