મહિલાઓને સતાવતી સમસ્યા પેરિમેનોપોઝ શું છે?

શ્રુતિ 40 વર્ષની સ્વતંત્ર અને મહેનતુ શિક્ષિકા છે. હંમેશા પોતાના વિદ્યાર્થીઓ અને પરિવાર માટે સમર્પિત. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી એના જીવનમાં ફેરફાર આવી રહ્યો હતો. ક્યારેક રાત્રે અચાનક પરસેવાથી રેબઝેબ થઈ જાય, તો ક્યારેક નાની નાની બાબતો પર એ ચીડાઇ જતી. પતિ આસુતોષ અને બાળકો પણ એના વર્તનથી મૂંઝાય છે.

સાસુ સુશિલાબહેન આવા સમયે એને સાથ આપવાની જગ્યાએ મહેણાં મારતા સતત એને ટોક્યા કરે. શ્રુતિનું માસિક ચક્ર પણ અનિયમિત થઈ ગયું. કામ કરવાનું મન ન થાય. થાક એના રોજિંદા જીવનનો હિસ્સો બની ગયો. કામમાં મન લાગતું નહોતું. શરીર એની ઇચ્છાઓનો સાથ નથી આપતું.

શ્રુતિ પોતે પણ પોતાના શરીરના આ ફેરફારોને સમજી શકતી નહોતી. એક દિવસ મિત્ર આશકાની સલાહથી એ ડોક્ટર પાસે જાય છે. એને જાણ થાય છે કે એ પેરીમેનોપોઝમાંથી પસાર થઈ રહી છે, જે એક સ્વાભાવિક તબક્કો છે અને આ તબક્કો દરેક મહિલાના જીવનમાં આવે છે. પરંતુ આ વિશે ચર્ચા નથી થતી માટે મહિલાઓ એનાથી અજાણ છે.

મેનોપોઝ જેવા વિષય પર હવે ધીમે-ધીમે ખુલીને ચર્ચા થાય છે. ત્યાં સુધી કે તાજેતરમાં જ ‘જલેબી રોક્સ’ જેવી ગુજરાતી ફિલ્મ પણ આ વિષય પર રજૂ થઈ. પરંતુ મેનોપોઝ પહેલા આવતો પેરીમેનોપોઝ તબક્કાથી આજે પણ મહિલાઓ અજાણ છે. ઘણી મહિલાઓ તો આ સમયમાંથી પસાર થાય ત્યારે એમ સમજી બેસે છે કે એ મેનોપોઝમાં આવી ગઈ! પરંતુ જ્ઞાનના અભાવના કારણે સ્ત્રી સમજી નથી શકતી કે મેનોપોઝ અને પેરીમેનોપોઝમાં ઘણું અંતર છે.

શું છે પેરિમેનોપોઝ?

પેરીમેનોપોઝ એ મહિલાઓના જીવનનો એક તબક્કો છે, જે મેનોપોઝ (માસિક ચક્રની સમાપ્તિ) પહેલાં આવે છે. આ સમયગાળો સામાન્ય રીતે 40ની ઉંમરની આસપાસ શરૂ થાય છે, પરંતુ કેટલીક સ્ત્રીઓમાં એ 30ના દાયકાના અંતમાં અથવા 50ના દાયકાની શરૂઆતમાં પણ શરૂ થઈ શકે છે. આ તબક્કામાં શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા હોર્મોન્સનું સ્તર બદલાય છે, જેના કારણે શારીરિક, ભાવનાત્મક અને માનસિક ફેરફારો થાય છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડો.અંકિતા પંચાલ કહે છે કે, પેરીમેનોપોઝ 35 થી 50 વર્ષની ઉંમર વચ્ચે ગમે ત્યાં શરૂ થઈ શકે છે. તે 4-8 વર્ષ સુધી ચાલુ રહી શકે છે. એના લક્ષણો સ્ત્રીઓમાં ઘણા બદલાઈ શકે છે, પરંતુ સૌથી સામાન્ય લક્ષણોમાં માસિક સ્ત્રાવના પેટર્નમાં ફેરફાર, શારીરિક સંવેદનાઓ, મૂડ અને એકંદર ઊર્જાનો ઘટાડાનો સમાવેશ થાય છે. ઉપરાંત હૉટ ફ્લશ, રાત્રે પરસેવો, ઊંઘમાં ખલેલ, વજનમાં વધારો, માઇગ્રેન, યોનિમાર્ગમાં શુષ્કતા, પેશાબ લિકેજ, ત્વચાની કરચલીઓ, વાળ પાતળા થવા, સાંધામાં દુખાવો, સ્નાયુઓમાં ઘટાડો, સામાન્ય નબળાઈ જેવા શારીરિક ફેરફારોથી લઈને મૂડ સ્વિંગ, ચિંતા, હતાશા, બ્રેઈન ફોગ, યાદશક્તિમાં ઘટાડો વગેરે જેવા કેટલાક માનસિક ફેરફારોનો સમાવેશ થાય છે.

પરિવારની સહાનુભૂતિ જરૂરી

પેરીમેનોપોઝ એ મહિલાઓના જીવનનો એક એવો તબક્કો છે, જેમાં એમને ઘણીવાર ખબર જ નથી હોતી કે એમની સાથે શું થઈ રહ્યું છે. આ સમયગાળામાં શરીરમાં થતા હોર્મોનલ ફેરફારોને કારણે શારીરિક અને ભાવનાત્મક લક્ષણો દેખાય છે, પરંતુ જાણકારીના અભાવે મહિલાઓ આને સમજી શકતી નથી. ખાસ કરીને, મોટી ઉંમરે લગ્ન કરનારી મહિલાઓમાં લગ્નના થોડા વર્ષોમાં જ પેરીમેનોપોઝના લક્ષણો જોવા મળી શકે છે. આના કારણે એમનું અંગત જીવન અને પારિવારિક સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડો.નફીસા ગુગરમાન કહે છે કે, “પેરીમેનોપોઝ સમજવું ખૂબ જટિલ છે, કારણ કે દરેક સ્ત્રીના ચિહ્નો સરખા નથી હોતા. જો કે, ઇરીટેશન અને ગુસ્સો જેવા લક્ષણો કોમન છે. બીજા પણ ઘણા ચિહ્નો છે, જેમ કે વજન વધવું, હોટ ફ્લેશેસ, કારણ વગરની ભૂખ, દિવસ દરમિયાન આવતી ઊંઘ, મોડી રાત સુધી જાગવું અને વિચારો આવવા. આ એવો સમય છે જ્યારે પરિવારના સભ્યોની સ્ત્રીને સૌથી વધુ જરૂર હોય છે. ડાયટનું પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ, જેમાં લોહતત્વયુક્ત આહાર સાથે માઇક્રોન્યુટ્રિએન્ટ જેવા વિટામિન સભર ખોરાક લેવા જોઈએ. મેગ્નેશિયમ, કેલ્શિયમ, આઇરન અને વિટામિન B12 જેવા તત્વોની ઉણપ ન વર્તાય એનું ખૂબ ધ્યાન રાખવું.”

આવા વિષયોની ખુલીને ચર્ચા કરવી જરૂરી

પેરીમેનોપોઝ વિશે જાગૃતિ અને યોગ્ય માર્ગદર્શનથી મહિલાઓ આ તબક્કાને વધુ સારી રીતે સંભાળી શકે છે અને એમનું જીવન સરળ અને સંતુલિત બની શકે છે. આવા વિષયોની ખુલીને ચર્ચા અને સમજણ સમાજમાં વધારવી જરૂરી છે. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સામાજિક કાર્યકર ચારુલતા ભરત શાહ કહે છે કે, આ એવો સમય હોય છે જ્યાકે સ્ત્રીઓને કોઈની સાથે વાત કરવાનું કે ઘરનાં કામમાં મન લગાવવાનું મુશ્કેલ લાગે છે. આ સમયે પરિવારના સભ્યો, ખાસ કરીને પતિ, મિત્રો કે ઉંમરમાં મોટી સ્ત્રીઓ જેવી કે સાસુ, જેઠાણી કે નણંદ, જો સહાનુભૂતિથી એમની સ્થિતિને સમજે, તો મહિલાઓને ઘણી રાહત મળે છે. આ તબક્કો સ્વાભાવિક હોવા છતાં, ઘણી વખત આ અનુભવમાંથી પસાર થઈ ચૂકેલી સ્ત્રીઓ પણ પોતાની મુશ્કેલીઓ ભૂલી જાય છે. જો પરિવાર અને સમાજ આ સ્થિતિને સમજીને સમર્થન આપે, તો મહિલાઓ આ પડકારજનક સમયમાં પણ ખુશ રહી શકે છે.

હેતલ રાવ