આ ગુજરાતી જમ્મુ-કાશ્મીરમાં ડ્રોનથી કરે છે પ્લાન્ટેશન!

થોડાં સમય પહેલાં જ જમ્મુ-કાશ્મીરમાં આવેલ વૈષ્ણોદેવી મંદિર તરફ જવાનો રસ્તો ભૂસ્ખલનને કારણે બંધ થઈ ગયો હતો. જેના કારણે અનેક યાત્રીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જંગલોમાં લાગતી વારંવારની આગની ઘટનાઓને કારણે વૃક્ષો ઓછાં થઈ ગયા છે. પરિણામે ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે. જેના માટે ગુજરાતની અગ્રણી ડ્રોન કંપની પ્રાઇમ UAV પ્રા. લી. સોલ્યુશન લઈને આવી છે. મહેસાણાની આ ડ્રોન ટીમને દુર્ગમ પહાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા બિયારણ વિખેરી વનીકરણ કરવા માટેનો બહોળો અનુભવ છે. પ્રાઇમ UAV પ્રા. લી. કંપનીના અનુભવ અને ક્ષમતાને જોતા જમ્મુ-કશ્મીર સરકાર અને શ્રાઇન બોર્ડ દ્વારા કંપનીને ટેન્ડર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.

આ અંગે ચિત્રલેખા.કોમએ કંપનીના ફાઉન્ડર, ડિરેક્ટર અને CEO પ્રદીપભાઈ પટેલ સાથે ખાસ વાત કરી. પ્રદીપ પટેલ મૂળ વડનગર તાલુકાના સૂંઢિયા ગામના વતની છે. તેમણે ગણપત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ ટેક્નોલોજી કર્યુ છે. તેમના પાસેથી ડ્રોનના વિવિધ ઉપયોગ અને તેનાથી થઈ રહેલા ફાયદાઓ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ.

ચિત્રલેખા: તમારી પ્રાઇમ UAV પ્રા. લી. કંપની અને તેના કાર્ય અંગે જણાવશો?

પ્રદીપ પટેલ: મેં મારું માસ્ટર પુરૂં કર્યા બાદ થોડોક સમય નોકરી કરી હતી. ત્યારબાદ વર્ષ 2019માં આ સ્ટાર્ટઅપના ભાગરૂપે પ્રાઇમ UAV પ્રા. લી. કંપની શરૂ કરી. હું આ કંપનીમાં ફાઉન્ડર, ડિરેક્ટર તેમજ CEO છે. મારા સિવાય ટીમમાં હિતેન પટેલ, આશિષ પટેલ, યાજ્ઞિક, ભીષ્મ શર્મા, ગ્રીષ્મા ચૌધરી, કેવિન અને કલ્પેશ એમ 8 લોકો કામ કરી રહ્યા છે. અમારી કંપનીની એક્સપર્ટીઝ એડવાન્સ ડ્રોન ટેક્નોલોજી અને એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશનમાં છે. પરંતુ જેવું સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને થોડાંક જ સમયમાં કોરોના આવી ગયો. જેના કારણે અમે જે વિચાર્યું હતું તેવું કામ ન કરી શક્યા. તો પણ અમે હાર ન માની. અમારા ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ પોલીસ વિભાગ અને હેલ્થ વિભાગને મદદ કરવા માટે કર્યો. લોક ડાઉન સમયે અમારા ડ્રોન બહાર કે ધાબે ફરતા લોકોની માહિતી પોલીસ વિભાગને આપતા હતા. આ ઉપરાંત હેલ્થ વિભાગને પણ કોવિડ સમયે અમારા ડ્રોન મારફતે ઘણી મદદ કરી હતી. આ ઉપરાંત ગુજરાતમાં જ્યારે તીડનો હુમલો થયો ત્યારે પણ અમે સરકાર સાથે મળીને રાત્રીના સમયે તીડ જે ઝાડો પર બેઠા હોય ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કર્યો હતો. આ રીતે એક કે બીજી રીતે અમે સરકારને મદદ કરવા માટે હંમેશા તત્પર રહ્યા છીએ. કોરોના બાદ સ્થિતિ સામાન્ય થતાં અમે લોકોએ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ,રાજસ્થાન અને કર્ણાટક જેવા વિવિધ રાજ્યોમાં 1800 હેક્ટર કરતાં વધુ વિસ્તાર પર બીજ વાવણીનું કાર્ય ડ્રોન દ્વારા કર્યું. પ્રાઇમ UAV કંપનીનાના ડ્રોન્સને દુર્ગમ્ય પ્રદેશોમાં પ્રવેશીને બીજનું અસરકારક અને કાર્યક્ષમ રીતે એકસાર રીતે વિતરણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. ડ્રોન એરિયલ સિડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અમે લોકો માનવ માટે અગમ્ય વિસ્તારોમાં જઈને પણ બીજ વાવણી કરવાનું લક્ષ્ય પૂરું પાડીએ છીએ. તેમની આ ટેક્નોલોજી લેન્ડ રિસ્ટોરેશન અને તેના સંરક્ષણમાં મહત્વનું પગલું છે.

શ્રીમાતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ સાથેનો તમારો પ્રોજેક્ટ શું છે?

અમારી કંપનીને ડ્રોન દ્વારા વનીકરણ કરવાનો અનુભવ છે. જમ્મુ-કાશ્મીરમાં જંગલોમાં વૃક્ષોની સંખ્યા ઘટી ગઈ છે. જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓ અવાર-નવાર બને છે. આથી સૌપ્રથમવાર ગ્રાઉન્ડ બ્રેકિંગ સોલ્યુશન તરીકે, શ્રીમાતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ સાથે મળીને અમારી કંપની વૈષ્ણોદેવી મંદિર અને જમ્મુ તેમજ કટરાની આસપાસના વિસ્તારોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી સિડ ડ્રોપિંગથી વૃક્ષારોપણ કરી રહી છે. આ વિસ્તારમાં ભુસ્ખલનની દુર્ઘટનાને અટકાવવા અને વધુ રમણીય બનાવવા માટે આ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સૌપ્રથમ ત્રિકુટા હિલ્સ પર 109 હેક્ટર ક્ષેત્રમાં વનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જે બીજ અમે ડ્રોન દ્વારા વિખેરી રહ્યા છીએ તેમાં મોટાભાગના સ્થાનિક વૃક્ષો છે. જેમ કે પેનકમ, ત્રિફોલીયમ, વાંસ, ખૈર, ફારલાઈ, અર્જુન, સુખ-ચેંકલ અને બોટલ બ્રશ જેવા મૂળ પ્રજાતિના બીજનો સમાવેશ થાય છે. ડ્રોન આધારિત આ બીજ વિતરણ કાર્યક્રમમાં 12 મૂળ પ્રજાતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેના મૂળ માટીને મજબૂત બનાવીને સંરક્ષણ આપે છે. જેના કારણે જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. સાથે જ સ્થાનિક ઇકોસિસ્ટમને પણ મજબૂત બનાવે છે.

જમ્મુ-કાશ્મીરમાં કામ કરવાનો તમારો અનુભવ કેવો છે?

અમે લોકોએ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર તેમજ કર્ણાટકના જંગલોમાં પણ વનીકરણનું કામ કર્યું છે. પરંતુ જમ્મુ-કાશ્મીરનો અમારો અનુભવ ખુબ જ અલગ છે. એક તો એકદમ દુર્ગમ જંગલો અને તે પણ ખુબ જ ઉંચાઈ પર. લગભગ 14,000 ફૂટથી ઉપરના એરિયામાં અમારા ડ્રોન દ્વારા બિયારણનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. અમારા ડ્રોન લગભગ છ ફૂટ લાંબા અને 25 કિલો વજનના છે. જેને ઉચકીને અમારી ટીમ અનેક કિલોમીટર સુધી ચાલીને પહાડ ઉપર જાય છે. ત્યાં જ આખો દિવસ ટેન્ટમાં રહે છે. અમારી સાથે સુરક્ષા જવાનો પણ હોય છે. ઉપરથી વાતાવરણ પણ ખુબ જ અલગ છે. અમારી દરેક ડ્રોન ફ્લાઈટ લગભગ 10 કિલો બીજનું વિતરણ કરે છે.

તમારા ડ્રોનની કાર્યક્ષમતા અને પરિણામ કેટલું હોય છે?

ફોરેસ્ટ માટેના ડ્રોન પ્રાઇમ UAV પ્રા. લીએ જાતે કસ્ટમાઈઝ કરીને તૈયાર કર્યા છે. આની રેન્જ 5 કિલોમીટરની છે. ધુમ્મસવાળા વાતાવરણમાં તેને બેથી અઢી કિલોમીટર સુધી ઓપરેટ કરી શકાય છે. આ ડ્રોન 12,000 સી લેવલે ઓપરેટ કરી શકાય છે. ગ્રાઉન્ડ લેવલની સપાટીથી તેને 400 મીટર સુધી ઉડાવી શકાય છે. આ ડ્રોન 10 કિલોગ્રામ વજનના સીડ્સ એકસાથે લઈ જઈ શકે છે. ડ્રોનની અંદર છ મોટર અને 2 GPS સિસ્ટમ લગાવવામાં આવેલી છે. ફુલ્લી ઓટોમેટિક ડ્રોન છે. જેનું ટોટલ ડિસ્પ્લે રિમોટ કંટ્રોલથી ઓપરેટ થાય છે. ડ્રોન દ્વારા જ્યાં-જ્યાં બિયારણ નાખવામાં આવે છે તેનાં લોકેશન અને કેટલી માત્રામાં બિયારણ નાખવા છે તે બધું જ આ ડ્રોન ટેક્નોલોજીથી કંટ્રોલ કરી શકાય છે. ડ્રોન ઓપરેટ કરવાના પાયલોટ ગર્વમેન્ટ દ્વારા માન્ય લાયસન્સ ધરાવતા પાયલોટ જ અમે રાખ્યા છે. ફોરેસ્ટ માટેના ડ્રોન 6 ફૂટ પહોળાં અને 25થી લઈને 35 કિલોગ્રામ વજન ધરાવે છે. ડ્રોનની અંદર નાખેલા કેમેરાથી અમે જ્યાં-જ્યાં બિયાંરણ નાખ્યું હોય ત્યાં કેટલી માત્રામાં બિયારણ નાખેલું છે તે બધું જ લાઈવ જોઈ શકીએ છીએ. આમ આ કાર્ય સંપૂર્ણ રીતે ડ્રોનથી કંટ્રોલ કરીને યોગ્ય રીતે પરિણામલક્ષી કામ કરીએ છીએ.

(રાધિકા રાઓલ – અમદાવાદ)