અમદાવાદની ઐતિહાસિક ઓળખ છે આ કિલ્લો..

ઐતિહાસિક શહેર અમદાવાદનું નામ મુઝફ્ફરી રાજવંશના અહમદશાહ પરથી પડ્યું. ઇ.સ. 1411માં કર્ણાવતીને કબજે કર્યા બાદ અહમદશાહ સલતનતની નવી રાજધાની સાબરમતી નદીના કાંઠે સ્થાપવામાં આવી. શહેર અને કિલ્લાને અણહિલવાડ પાટણની જેમ જ તૈયાર કરાયું. કિલ્લાની બહાર શહેર વિકસતા અહમદશાહના પૌત્ર મહમૂદ બેગડાએ બીજા કિલ્લાની રચના કરી. મિરત- એ-અહમદીમાં વર્ણન મુજબ કિલ્લાની બહાર 10 કિલોમીટરના વિસ્તારની ફરતે દીવાલ કરવામાં આવી હતી. નગરની આ દીવાલને 12 દરવાજા અને 189 બુરજો, અંદાજે 6000 કાંગરા હતા.

ભદ્રના આ કિલ્લાને જીતવા માટે મરાઠા, પેશ્વા, ગાયક્વાડના શાસને ભેગા મળી મુગલોને હંફાવ્યા હતા. 1817માં અંગ્રેજોએ અમદાવાદ પર કંટ્રોલ કર્યા પછી બ્રિટિશ રાજ દરમિયાન ભદ્રના કિલ્લાનો કેદખાના તરીકે ઉપયોગ થતો હતો. એ પછી આઝમ સરાઇમાં આર્કિઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ અને શહેરની નાગરિક અદાલત, સરકારી કચેરીઓ શરૂ કરવામાં આવી હતી. આઝાદી પછી સ્વતંત્રતા દિવસે અને પ્રજાસત્તાક દિને અહીં ધ્વજ વંદન કરવામાં આવે છે. થોડા સમય પહેલાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. એમાંય અમદાવાદ શહેરને હેરિટેજ સિટી તરીકે વિશ્વમાં નામના મળી. ભદ્રના કિલ્લા અને આસપાસની ઐતિહાસિક ધરોહરને સરકારના જુદા જુદા  વિભાગો દ્વારા વધુ આકર્ષક બનાવવાના સતત પ્રયાસ થઇ રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)