Opinion: નવી સરકાર પાસેથી આ લોકોની શું છે અપેક્ષા?

લોકસભા ચૂંટણી 2024નો અંત આવ્યો છે. ભાજપને બહુમતીની હેટ્રિક મારતા અટકાવવામાં કોંગ્રેસનું INDIA ગઢબંધન સફળ રહ્યું છે, પણ કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા જાળવી રાખવામાં NDA ગઠબંધન સફળ રહ્યું છે.

નવી સરકાર બનવા જઇ રહી છે ત્યારે સમાજના અલગ-અલગ વર્ગની સરકાર પાસે શું અપેક્ષા છે. એ વિષય પર ચિત્રલેખા.કોમ કેટલાક ક્ષેત્રોના પ્રતિનિધિ સાથે વાત કરી હતી. આવો જાણીએ, ક્યા સેક્ટરનો શું મત બની રહ્યો છે.?

પ્રશાંત પટેલ, સેક્રેટરી, ગુજરાત GCCI

હાલ તમામ ધંધામાં GST કે IGSTને લગતી કેટલીક ગેર સમજણ છે, જે આગામી સમયમાં ગાઈડલાઈન પસાર કરી સ્પષ્ટ થાય તો વધુ સારું. PLI સ્કીમમાં કેટલીક MSME પ્રવેશ કરી શકતી નથી, તેથી PLI સ્કીમને થોડી સરળ બનાવવામાં આવે તો વધુ લોકો આ સુવિધાના લાભાર્થી બની શકે. ફેક્ટરી એરિયાને લઈ પેપર વર્ક થોડું ઓછું થવું જોઈએ, જેથી સરકાર અને ધંધાદારીઓનો સમય બચી શકે. હાલ ફેક્ટરી કે ધંધાના લાયસન્સ રાજ્ય સરકાર હસ્તક મળી રહ્યા છે, જે કેન્દ્ર સરકારે ટેક ઓવર કરવું જોઈએ. આ ઉપરાંત પેન કાર્ડ કે આધાર કાર્ડની જેમ લાયસન્સને કાયમી કરવું જોઈએ. જેથી વેપારી લાયસન્સ રીન્યુ કરવા માટેનો સમય બચી શકે. સામાન્ય રીતે દર 4 કે 5 વર્ષે લાયસન્સ રીન્યુ કરાવવું પડતું હોય છે. સામાન્ય નિયમોમાં થોડી રાહત આપવાથી ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધુ વેગ મળશે.

અશ્વિન ઠક્કર, ચેરમેન, ટેક્સટાઈલ એસોસિએશન

ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીઝમાં કોરોના બાદ મંદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રાહકોની માગ ઘટવાથી મંદીનો માહોલ આવ્યો છે. PM મિત્ર પાર્ક, PLI સ્કીમ, એન્ટી PM સ્કીમ જેવી સ્કીમથી ઈન્ડસ્ટ્રીઝને સરકાર તરફથી સપોર્ટ મળતો રહે છે. પરંતુ 2024 થી 2029 વચ્ચેના સમય ગાળામાં સરકાર જો લેબર રિફોર્મ લાવી શકે તો ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીઝને મંદીમાંથી આંશિક રાહત મળશે. ટેક્સટાઇલ વેપારમાં લેબર પાવરની ખુબ જરૂર હોય છે. સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવું જોઈએ. નવી ટેક્સટાઇલ પોલીસી આવી રહી છે. જેમાં અમારી ઈન્ડસ્ટ્રીઝમાં વધુ રોકાણ થાય તેવી સુવિધા કરવામાં આવે તો, વધુ લોકોને રોજગારી મળી શકે.

 

નિલેશ બારોટ, વાઈસ પ્રેસિડેન્ટ, ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટ એસોસિએશન

ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝથી લગભગ 5 કરોડ લોકોને રોજગારી મળી રહી છે. જ્યારે ટુર અને ટ્રાવેલ્સના વેપાર સાથે સંકળાયેલા લોકોને કેટલીક વાતોમાં નજર અંદાજ કરવામાં આવી રહ્યા છે. જ્યારે GSTની વાત આવે ત્યારે હાલ ટૂરિઝમ વેપારમાં લગભગ 12 થી 18 ટકા GST લેવામાં આવી રહ્યો છે. અમારું એસોસિએશન ત્રીજી વખત કેન્દ્રમાં આવનારી NDA સરકાર પાસેથી એવી આશા રાખી રહ્યું છે. કે આવનાર 2024 થી 2029 સુધીના પાંચ વર્ષમાં આ GST 12 ટકાના સ્લેબની નીચે આવી જાય. હાલ કેટલીક ટુરીઝમની જગ્યા પર ગ્રાહક અને ટૂરિઝમ એજન્ટ બંને માટે સરખી કિંમતો રાખવામાં આવી છે. ત્યાં સરકારે એજન્ટ માટે અલગ કમિશન રાખવું જોઈએ.

 

મયુર આડેસરા, જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન, રાજકોટ

આગામી સરકાર સોની વેપાર સાથે સંકળાયેલા લોકો માટે કેટલાક નિયમોમાં બાંધ છૂટ કરે તો વેપાર વિકાસ વેગવંતો બનશે. થોડા સમય પહેલા સોનીના વેપારમાં ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવામાં આવી હતી. જે ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થાય તો સોના-ચાંદીનો વેપાર મંદી માંથી તેજી તરફ આગળ વધી શકે. સોના-ચાંદીની રિફાઈનરી નિયોમો થોડા સરળ બનાવવા જોઈએ. સાથે રિફાઈનરી વેપારને પ્રોત્સાહન મળવું જોઈએ. જેથી કરીને સોના ચાંદીની આયત માટે આપણો દેશ આત્મનિર્ભર બની શકે. હાલ સોના-ચાંદીની ખરીદી પર GST 3% જેટલો લગાવવામાં આવે છે, તેમાં ઘટાડો કરવો જોઈએ. હાલ ગ્રાહક સોનાની શુદ્ધતાને લઈ છેતરાય નહીં તેના માટે હોલમાર્ક બનાવવામાં આવ્યો છે. જેમાં સોનાની  શુદ્ધતા માટે વેપારી જવાબદાર બને છે. પરંતુ સોનાની ખરાયને લઈ હોલમાર્ક સેન્ટર જવાબદાર હોવો જોઈએ. સોના-ચાંદીના વેપારને પ્રોત્સાહન આપવા નવા ઈન્ટીટ્યુટ બનાવવાની જરૂર છે.

ભાવિક સોલંકી, રાષ્ટ્રીય સંયોજક, NSUI

સારા વિદ્યાર્થીઓને સારા ભવિષ્ય માટે પ્રાઈવેટાઈઝન બંધ કરવાની સાથે, સરકારી કે પ્રાઇવેટ સ્કૂલમાં વિદ્યાર્થીનીઓનું ભણતર ફ્રી કરવું જોઈએ. કોલેજોને જે રીતે યુવર્સિટીની મંજૂરી મળે છે, તેને રોકવી જોઈએ. આ સાથે ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકો સાથે સ્ટાફની નિમણુંક કરવી જોઈએ. બાળકો માટે લાયબ્રેરીની સુવિધા કરવામાં આવે. સ્ટૂડેન્ટ યુનિયનની ચૂંટણીનું આયોજન કરવું જોઈએ. સરકારી યુનિવર્સિટીમાં કુલપતીની લાયકાતના નિયમોનું સ્તર વધારવું જોઈએ. સરકારી તમામ કોલેજ ભરતી કરવી જોઈએ. જ્યારે અમદાવાદમાં હાલ ત્રણ ગ્રાન્ટેડ કોલેજ બંધ થવાના આરે છે.

 

(તેજસ રાજપરા- અમદાવાદ)