Opinion: નોકરિયાત માટે ટેક્સ ભારણ વધ્યું કે ઘટ્યું?

દેશના તમામ લોકો જેના પર મીટ માંડી બેઠા હતા, તે કેન્દ્રીય બજેટ 23 જુલાઈના રજૂ થઈ ગયું. નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મની સરકારના પહેલા બજેટમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો. કેટલાક સેક્ટરની આશા પર કેન્દ્રીય નાણામંત્રીએ મોહર મારી, તો કેટલાંક સેક્ટરના લોકોને નિરાશાનો સામનો કરવો પડ્યો. આ તમામ વસ્તુઓ વચ્ચે સામાન્ય માણસ જેના પર આશા બાંધી બેઠો હતો તે  ટેક્સમાં રાહતની આશા ઠગારી સાબિત થઈ છે. સરકારે નોકરિયાત વર્ગના લોકો પર ટેક્સનું ભારણ વધાર્યુ તો નથી, પરંતુ બીજી તરફ ટેક્સનું ભારણ હળવું પણ કર્યું નથી. સામે કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. આ બજેટ વિશે નિષ્ણાંતોથી માંડીને સામાન્ય લોકો શું વિચારે છે?

અનેક પ્રશ્નોના વંટોળ વચ્ચે ચિત્રલેખા.કોમએ આ વખતના ઓપિનિયન વિભાગમાં પ્રશ્ન પૂછ્યો … કેપિટલ ગેઇન ટેક્સ નોકરિયાત વર્ગ માટે કેટલો યોગ્ય? શું નોકરિયાત વર્ગ માટે આવકારદાયક બજેટ છે?

મુકેશ પટેલ, ટેક્સ એક્સપર્ટ

આ બજેટમાં નોકરિયાત વર્ગને કોઈ પણ ફાયદો નથી, એ વાતનો હું ઈનકાર કરુ છું. સરકાર એવી જોગવાઈ કરી રહી છે કે, હવે તમે નવા ટેક્સ રિઝિમ પ્રમાણે ટેક્સ ભરો. એટલા માટે સરકારે જૂના ટેક્સ રિઝિમમાં મોટા ફાયદા આપ્યા નથી. જ્યારે તમે જૂનાથી નવા ટેક્સ રિઝિમમાં ફેરફાર કરો છો, ત્યારે તમને લગભગ 17.5 હજારનો ફાયદો થાય છે. જ્યારે શોર્ટ ટર્મ કે લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ પે કરનારાઓમાં થોડી નારાજગી જોવા મળી રહી છે. કોઈ પણ નોકરિયાત માણસ તેની આવક 10 કે 12 લાખ કરતા ઓછી હોય, અને આ ઉપરાંત પણ તેમને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ભરવાની ફરજ પડી હોય. ત્યારે તેને માટે થોડું ભારણ વધી જશે. કેમ કે આ બજેટમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 15 ટકાથી વધારી 20 ટકા કર્યો છે. એક ઉદાહરણથી સમજીયે તો, આપની આવક 10 લાખ રૂપિયા છે. તેમાંથી પહેલાં 3 લાખ રૂપિયા નીલ થઈ જાય. જે બાદ ચાર લાખ પર 20 હજાર જેટલો ટેક્સ ભરવો પડે. આ બાદ 8-10 માં જે 3 લાખ રૂપિયા થાય છે, તેના પ્રમાણે 30,000 ટેક્સ ભરવાનો આવે. જ્યારે આનો કુલ ટેક્સ 50000 ભરવો પડે છે. તેની જગ્યા પર હવે સીધો 80,000 ટેક્સ ભરવાની ફરજ પડે છે.

વિરલ કડેચા, CA

આ વર્ષે બજેટમાં નવી પદ્ધતિ પ્રમાણે 15 લાખની ઉપરની આવક ધરાવતા લોકોને 30 ટકા ટેક્સ ભરવો પડશે, તેવી જાહેરાત કરવામાં આવી છે. જૂની પદ્ધતિ પ્રમાણે લોકો પોતાની આવકને ઇન્વેસ્ટમેન્ટ કરી ટેક્સ પર રાહત મેળવતા હતા. જ્યારે હવે નવી પદ્ધતિમાં કોઈ નોકરિયાત વર્ગને રોકાણ કરવા માટે કોઈ પણ જાતનું પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી. જ્યારે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં થોડી રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એમાં પણ STT ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. શેર પરના લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 10 ટકાથી વધારી 12.50 ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય લોગટર્મ કેપિટલ ગેઇનમાં ઇન્ડેક્સેસનનો લાભ પણ છીનવી લેવામાં આવ્યો છે, જે પ્રોપર્ટી રોકાણકારોને મોટી ઇફેક્ટ કરી શકે છે. કેપિટલ ગેઇન ટેક્સ વધારવા પાછળ એક મહત્વનું કારણ એ છે કે અત્યારે લોકો ઈન્ટ્રાડે, F&O જેવી જગ્યા પર મોટા પ્રમાણમાં રોકાણ કરે છે. જેથી સરકારે શેર ટ્રેડર્સ પાસેથી વધું ટેક્સ વસૂલવાની તક શોધી છે. આ નિર્ણયથી હવે આ રોકાણ પર વધુ ટેક્સ ભરવો પડશે. પરિણામે આપણે ટેક્સેબલ ઇન્કમ પર ફરી કેપિટલ ગેઇન ટેક્સ ભરવો પડશે.

શ્રેણિક શાસ્ત્રી, નોકરિયાત 

બજેટમાં નોકરિયાત વર્ગમાં માટે એક ફાયદો આપવામાં આપવામાં આવ્યો છે. નવા ટેક્સ રિઝિમમાં સ્ટાર્ડ ડિડક્સન 50000 થી વધારી 75000 કરવામાં આવ્યું છે. જ્યારે કેપિટલ ગેઈનની વાત કરીએ તો, આજના યુવાનો શેરબજારમાં રોકાણ કરતાં થઈ રહ્યા છે. જ્યારે આ અધર ઇન્કમ પર આ અગાઉ 10 ટકા ટેક્સ લેવામાં આવતો હતો, જે વધીને હવે 12.5 ટકા કરવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો, આ સામાન્ય ફેરફાર છે. હવેના સમયમાં IPOમાં મોટાપાયે રોકાણ કરે છે. જેમાં કેટલાક IPO એવા હોય છે કે, જ્યાં સીધુ બમણું વળતર મળે છે. ત્યારે આ વળતર પર સરકારે ટેક્સ લગાડ્યો છે. આમ તો આ ટેક્સથી બચવાનો કોઈ રસ્તો નથી પણ એક ઉદાહરણ સહિત સમજીયે તો, આપણે પેટ્રોલની કિંમત વધશે પણ આપણી પેટ્રોલ જીવન જરૂરિયાતની વસ્તુ છે, ખરીદીવી તો પડશે જ..

કૌશલ પટેલ, નોકરિયાત

સામાન્ય રીતે બજેટ માટે બે પધ્ધતિ છે, એક તો ઓલ્ડ રિઝિમ અને બીજી ન્યુ રિઝિમ છે. ન્યુ રિઝિમ હાલ સુધી એવું હતું કે 7 લાખની ઈન્કમ ધરાવતા લોકો ટેક્સ ક્રેડિટ આપે અને આપણે ટેક્સ ભરવાની જરૂર પડતી ન હતી. એ સામે ઓલ્ડ રિઝિમમાં 5 લાખની લિમિટ છે. ન્યુ રિઝિમમાં નોકરિયાત વર્ગ માટે એટલો મોટો ફાયદો કરવામાં નથી આવ્યો. માત્ર સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજારથી વધારી 75 હજાર કરી આપવામાં આવ્યો છે. નવા ટેક્સ રિઝિમમાં 7 લાખ સુધીની ટેક્સ ક્રેડિટમાં કેપિટલ ગેઇન ઉમેરતો નથી. આપણે એક ઉદાહરણથી સમજીયે તો, આપણી આવક 6 લાખની હોય અને આપણી કેપિટલ 2 લાખ હોય તો, આપણે એક લાખ પર તો ટેક્સ ભરવો જ પડે છે. સામાન્ય રીતે કેપિટલ ગેઇન ટેક્સ શોર્ટ ટર્મ માટે 15 ટકા હતું અને લોન્ગ ટર્મ માટે 10 ટકા હતું, જે વધારીને 20 અને 12.5 ટકા કરવામાં આવ્યુ છે. જેના કારણે આવનારી નાણાકીય વર્ષમાં ટેક્સનું ભારણ નોકરિયાત વર્ગ પર વધશે.

દિશા રાવ, નોકરિયાત

હું હાલ 10-12 લાખના સ્લેબ હેઠળ મારો ટેક્સ ભરી રહી છું. સામાન્ય રીતે મારા ટેક્સમાં વધુ પડતું હું ટેક્સ ફરી ક્રેડિટ થાય એ રીતનું આયોજન કરું છું. જ્યારે કેપિટલ ગેઇન ટેક્સની વાત થાય ત્યારે આમ તો મારી પાસે લોન્ગ ટર્મ ઇન્વે્ટમેન્ટ હોવાથી, મારે ટેક્સ લઈ મોટા ફેરફાર થયા નથી. કેમ કે આ બજેટમાં કેપિટલ ગેઇન ટેક્સમાં વધારો કરવામાં આવ્યો. પરંતુ આ ટેક્સમાં લોન્ગ ટર્મમાં 10 ટકાથી 12.5 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે શોર્ટ ટર્મમાં 15 ટકાથી વધારી 20 ટકા કરવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો જે લોકો પાસે નાના ઈન્વેસ્ટમેન્ટ હોય તેવા લોકો માટે ટેક્સ ભારણ વધશે. જ્યારે મારી પાસે લોન્ગ ટર્મ ઈન્વેન્ટમેન્ટ હોવાથી મારે ટેક્સનું ભારણ વધ્યુ નથી.

 

 

(તેજસ રાજપરા-અમદાવાદ)